મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ટ્રમ્પ પ્રશાસનનો ઇમિગ્રન્ટ્સ પર મોટો સપાટો: ત્રણ લાખ લોકોના વિઝા રદ કર્યા

ટ્રમ્પ પ્રશાસનનો ઇમિગ્રન્ટ્સ પર મોટો સપાટો: ત્રણ લાખ લોકોના વિઝા રદ કર્યા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તંત્રએ તેમના બીજી ટર્મના શાસન દરમિયાન સપ્ટેમ્બરના અંત સુધીમાં ત્રણ લાખ વિઝા રદ કરી દીધા છે, એમ અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું. બીજી બાજુએ ફેડરલ ગવર્નમેન્ટ ઇમિગ્રેશન પર સતત ત્રાટકી રહી છે. આ આંકડા દર્શાવે છે કે ટ્રમ્પના તંત્રએ તાજેતરના અઠવાડિયાઓમાં વિઝા અંત કરવાની કાર્યવાહી કેટલી ઝડપી બનાવી છે. ઓગસ્ટ ૨૦૨૫ના અંત સુધીમાં વિઝા રદ કરવાનો આંકડો ૧,૭૫,૦૦૦નો હતો.

ટ્રમ્પનું કહેવું છે કે ઇમિગ્રેશન પર ત્રાટકવાના લીધે અને ડિપોર્ટેશન ડ્રાઇવના કારણે રાષ્ટ્રીય સુરક્ષામાં વધારો થયો છે. જ્યારે માનવ અધિકાર કાર્યકરોનું કહેવું છે કે આ પ્રકારના ઇમિગ્રેશન ક્રેકડાઉનમાં યોગ્ય પ્રક્રિયાનું પાલન થયું નથી. વાણી સ્વતંત્રતાનો ભંગ કરવામાં આવ્યો છે, તેના લીધે અસલામત વાતાવરણ સર્જાયું છે. તેમા વંશીય લઘુમતીનો સમાવેશ થાય છે, જેમણે વંશીય પ્રોફાઇલ બનાવવા સામે સવાલ ઉઠાવવા આવ્યા છે.

છેલ્લા આંકડા સોશિયલ મીડિયા પર જણાવતા અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રએ અમેરિકન ઇતિહાસના કોઈપણ તંત્રની તુલનાએ સૌથી વધુ ઝડપે વિઝા રદ કરવાની કાર્યવાહી કરી છે.

પિગોટે જણાવ્યું હતું કે અમારા વહીવટીતંત્રએ નિયમ તોડનાર, ફ્રોડ કરનાર, રાષ્ટ્રીય સુરક્ષાને ભયમાં મૂકતા વિદેશીઓ સામે ઝીરો ટોલરન્સનો અભિગમ અપનાવ્યો છે. ટ્રમ્પ તંત્ર દ્વારા આ પ્રકારે વિઝા રદબાતલ કરવાના પગલાનો મુખ્યત્વે પેલેસ્ટાઇન સમર્થક વિદેશી દેખાવકારોએ વિરોધ કર્યો છે. તેઓ ગાઝા પર અમેરિકાના સહયોગી ઇઝરાયેલના હુમલાનો વિરોધ કરી રહ્યા છે.આ ઉપરાંત તેવા વિદેશીઓ પણ છે જેમણે ચાર્લી કિર્ક પરના હુમલાને લઈને સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓ કરી હતી.

વિદેશી દેખાવકારોને ડિપોર્ટ કરવાના પ્રયત્નોના ભાગરૂપે ટ્રમ્પ તંત્રએ ઇમિગ્રન્ટ્સ અને વિઝા અરજદારના સોશિયલ મીડિયા સ્ક્રીનિંગના નિયમો વધુ આકરા કર્યા છે.માનવ અધિકાર સમર્થકોનું કહેવું છે કે સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના નામે તેની ટીકા કરનારાઓના મોઢા બંધ કરાવી રહી છે. આ ઉપરાંત છેતરપિંડી સહિતના કોઈપણ ગુનાના છૂટાછવાયા કેસનો ઉપયોગ કરીને ઇમિગ્રન્ટ કમ્યુનિટીને ટાર્ગેટ બનાવે છે, જેવી કે મિનેસોટામાં સોમાલી અમેરિકન કમ્યુનિટીને ટાર્ગેટ બનાવી છે.

ટ્રમ્પ ૨૦૨૪માં ગેરકાયેદે ઇમિગ્રેશનને અટકાવવાનું વચન આપી સત્તા પર આવ્યા હતા, હવે તેમણે કાયદેસરના ઇમિગ્રન્ટ માટે રહેવું મુશ્કેલ કરી દીધું છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કેટલાક વર્ક વિઝા પર તેમણે અત્યંત મોંઘી ફી લાદી દીધી છે.

આ સમાચાર શેર કરો