અમેરિકામાં હવાઈ સેવા ઠપ થવાનું કારણ હજુ અકબંધ, ટ્રમ્પે સાયબર એટેકની શક્યતા નકારી

અમેરિકામાં દેશભરમાં હવાઈ સેવા ખોરવાવાની ઘટના પાછળ સાયબર હુમલો અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ભૂમિકા હોવાની શક્યતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નકારી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ ઘટના પાછળ સાયબર એટેક અથવા AI દ્વારા કરવામાં આવેલી ગડબડ હોવાની શક્યતા ઓછી છે. જોકે, અમેરિકાના અધિકારીઓ હજુ પણ આ મામલે તપાસ કરી રહ્યા છે, કારણ કે ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમમાં ખામી સર્જાવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ ઘટનાને કારણે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ને સમગ્ર અમેરિકામાં વિમાનોની ઉડાન રોકવાની ફરજ પડી હતી. પરિણામે દેશભરમાં હવાઈ પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.
રાષ્ટ્રીય સુરક્ષા સામે કોઈ ખતરો હોવાના સંકેત નહીં
અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી માર્કવેન મુલિને પણ જણાવ્યું હતું કે, સંચાર વ્યવસ્થામાં આવેલી આ ખામી પાછળ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ ઊભું કરનાર કોઈ કારણ હોવાના પુરાવા કે સંકેતો મળ્યા નથી. વ્હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે આ ઘટનાની સરખામણી 11 સપ્ટેમ્બર, 2001ના આતંકી હુમલા સાથે કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આ બંને ઘટનાઓ અલગ છે અને તેની સરખામણી કરી શકાય નહીં.
તમામ વિમાનો અને મુસાફરો સુરક્ષિત
માર્કવેન મુલિને જણાવ્યું હતું કે, અધિકારીઓ પાસે હાલ એવું માનવાનું કોઈ કારણ નથી કે સંચાર વ્યવસ્થામાં આવેલી ખામી અમેરિકાની વિરુદ્ધના કોઈ હુમલા સાથે જોડાયેલી છે. જોકે, તેમણે સાયબર હુમલા સહિત તમામ સંભવિત કારણોને તપાસની બહાર રાખ્યાં નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ દુર્ભાવનાપૂર્ણ હુમલાના સંકેત મળ્યા નથી અને આ ઘટના ટેલિકોમ્યુનિકેશન વ્યવસ્થામાં આવેલી ખામીને કારણે બની હોવાનું પ્રાથમિક રીતે જણાય છે.
પ્રમુખને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી
મુલિને પુષ્ટિ કરી હતી કે, પ્રમુખ ટ્રમ્પને FAA દ્વારા સમગ્ર દેશમાં વિમાનોની ઉડાન રોકવાના નિર્ણય અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમણે ખાતરી આપી હતી કે તમામ વિમાનોની સ્થિતિની જાણકારી મેળવી લેવામાં આવી છે અને મુસાફરો સુરક્ષિત છે. હાલ અમેરિકાના અધિકારીઓ ટેલિકોમ્યુનિકેશન વ્યવસ્થામાં સર્જાયેલી ખામીનું ચોક્કસ કારણ શોધી રહ્યા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ હવાઈ સેવા ખોરવાવા પાછળનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થશે.









