અમેરિકામાં અચાનક તમામ ફ્લાઈટ્સ પર બ્રેક! 22 ATC કેન્દ્રોમાં ટેકનિકલ ખામીથી હવાઈ સેવાઓ ઠપ, હજારો મુસાફરો અટવાયા

અમેરિકામાં શુક્રવારે બપોરે અચાનક દેશભરની તમામ ફ્લાઈટ્સને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવી હતી. રિજનલ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) કેન્દ્રોમાં કોમ્યુનિકેશન સંબંધિત ગંભીર ટેકનિકલ ખામી સર્જાતાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા તમામ ફ્લાઈટ્સને ગ્રાઉન્ડ સ્ટોપ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ માત્ર હવામાં ઉડાન ભરી રહેલા વિમાનોને જ લેન્ડિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ફ્લાઈટ્સ પર બ્રેક લાગતાં બોસ્ટન સહિત અનેક સ્થળોએ મુસાફરો અટવાઈ ગયા હતા.
FAAએ એક સત્તાવાર નોટિસ જાહેર કરીને જણાવ્યું હતું કે અસાધારણ પરિસ્થિતિઓ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ગ્રાઉન્ડ સ્ટોપનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ આદેશ બાદ અમેરિકાના તમામ એરપોર્ટ પર વિમાનોની અવરજવર અટકી ગઈ હતી અને હજારો મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
22 રિજનલ એર ટ્રાફિક કંટ્રોલ કેન્દ્રો પ્રભાવિત
અમેરિકાના પરિવહન સચિવ સીન ડફીએ જણાવ્યું હતું કે કોમ્યુનિકેશનની આ સમસ્યાથી દેશભરના 22 રિજનલ એર ટ્રાફિક કંટ્રોલ કેન્દ્રો પ્રભાવિત થયા છે. આ કેન્દ્રો અનેક એરપોર્ટ વચ્ચે ઉડાન ભરતાં વિમાનોને દિશા-નિર્દેશ આપવાનું કામ કરે છે. ડફીએ વધુમાં જણાવ્યું હતું કે FAAના ટેકનિશિયનો આ ખામીનું કારણ શોધવા માટે તપાસ કરી રહ્યા છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના વડાએ જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરોમાં કોમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થતાં FAAએ દેશભરની તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી છે. તેમણે લોકોને ગભરાવાની જરૂર ન હોવાનું પણ જણાવ્યું હતું.
DHS સેક્રેટરી માર્કવેન મુલિને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમગ્ર પરિસ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે તમામ ફ્લાઈટ્સ પર નજર રાખવામાં આવી રહી હતી.
FAAની ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ ક્રેશ થઈ
CBC ન્યૂઝે અનેક સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે અમેરિકામાં હવાઈ સેવાઓ ઠપ થવાનું મુખ્ય કારણ ટેકનિકલ અપડેટ નિષ્ફળ જવાનું છે. એર ટ્રાફિક કંટ્રોલ કેન્દ્રોને એકબીજા સાથે જોડતા નેટવર્કનું સંચાલન કરતી કંપની L3Harrisની સિસ્ટમમાં એક અપડેટ કરવામાં આવ્યું હતું. આ અપડેટના કારણે FAAની ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમને રીબૂટ કરવાની ફરજ પડી હતી. જોકે, સિસ્ટમ ફરી શરૂ થતાં જ તે ક્રેશ થઈ ગઈ હતી. પરિણામે સમગ્ર અમેરિકામાં હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ હતી.
ત્રણ વર્ષ બાદ અમેરિકામાં ફરી વિમાનોના પૈડાં થંભ્યાં
અમેરિકાના ઉડ્ડયન ઇતિહાસમાં આ રીતે દેશભરની તમામ ફ્લાઈટ્સને એકસાથે ગ્રાઉન્ડેડ કરવી એ અત્યંત દુર્લભ ઘટના છે. જાન્યુઆરી 2023 પછી પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે સમગ્ર દેશમાં એકસાથે તમામ ફ્લાઈટ્સ રોકી દેવામાં આવી હોય. તે સમયે FAAની મુખ્ય કમ્પ્યુટર સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાતાં આવી કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પહેલાં 11 સપ્ટેમ્બર, 2001ના આતંકવાદી હુમલા બાદ સમગ્ર અમેરિકામાં હવાઈ પરિવહન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું. હાલ મુસાફરો અને એરલાઈન્સ પ્રશાસનના આગામી આદેશની રાહ જોઈ રહ્યાં છે.
જૂની ટેકનોલોજી બદલવા માટે હજુ 30 અબજ ડોલરની જરૂર
ઉલ્લેખનીય છે કે અમેરિકી સરકાર એર ટ્રાફિક કંટ્રોલર્સ દ્વારા ઉપયોગમાં લેવાતી જૂની ટેકનોલોજીને સંપૂર્ણપણે બદલવાની યોજના પર કામ કરી રહી છે. ગયા વર્ષે અમેરિકી કોંગ્રેસે આ પ્રોજેક્ટ માટે 12.5 અબજ ડોલરની મંજૂરી આપી હતી.
આ ભંડોળથી અનેક માઈલ લાંબા જૂના કોપરના વાયરને ફાઈબર ઓપ્ટિક લાઈનમાં બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત દેશભરના એરપોર્ટ પર જૂની રેડિયો સિસ્ટમને પણ તબક્કાવાર બદલવામાં આવી રહી છે.
જોકે, હજુ ઘણું કામ બાકી છે. પરિવહન સચિવ સીન ડફીના જણાવ્યા અનુસાર આધુનિકીકરણની આ કામગીરી પૂર્ણ કરવા માટે વધારાના 30 અબજ ડોલરની જરૂર પડશે. આ માટે વ્હાઇટ હાઉસે કોંગ્રેસ પાસેથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.









