થાઇલેન્ડના વડાપ્રધાનની ખુરશી ગઇ, ફોન કોલ લીક થવાના કારણે પદ પરથી હટાવાયા

થાઇલેન્ડના વડાપ્રધાન પૈતોંગતાર્ન શિનાવાત્રાને પદ પરથી હટાવવામાં આવ્યા છે. PM બન્યાના એક વર્ષની અંદર જ શિનાવાત્રાને પદ પરથી હટાવવામાં આવ્યા છે.
ફોન કોલ લીક થવાના કારણે શિનાવાત્રાની ખુરશી ગઈ
જૂનમાં લીક થયેલા ફોન કોલને કારણે પૈતોંગતાર્ન શિનાવાત્રાને થાઇલૅન્ડના વડાપ્રધાન પદેથી હટાવી દેવાયા છે. અદાલતે કહ્યું કે કંબોડિયાના નેતા હુન સેન સાથેની તેમની વાતચીત રાષ્ટ્રીય હિતો અને વડાપ્રધાન પદની નૈતિકતા વિરુદ્ધ હતી, કારણ કે તે સમયે બંને દેશો વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો હતો. બંને દેશો વચ્ચે પાંચ દિવસ સુધી સંઘર્ષ પણ થયો. આ નિર્ણય બાદ હવે સંસદ નવા વડાપ્રધાનની પસંદગી કરશે.
નવા વડાપ્રધાનની પસંદગી કેમ મુશ્કેલ છે?
પૈતોંગતાર્ન શિનાવાત્રાને હટાવ્યા બાદ, થાઇલૅન્ડમાં નવા વડાપ્રધાનની પસંદગી મુશ્કેલ છે. તેમની પાર્ટી, ફ્યુ થાઈ, પાસે ઓછું બહુમત હોવાથી ગઠબંધન ટકાવી રાખવામાં પડકારોનો સામનો કરવો પડી શકે છે.
આગામી વડાપ્રધાન કોણ બની શકે છે?
હવે થાઇલૅન્ડમાં સત્તાના સમીકરણો બદલાઈ રહ્યા છે. જ્યાં સુધી નવા વડાપ્રધાનની પસંદગી ન થાય, ત્યાં સુધી નાયબ વડાપ્રધાન ફૂમથમ વેચાયચાઈ અને મંત્રીમંડળ વચગાળાની સરકાર સંભાળશે. સંભવિત ઉમેદવારોમાં 'ફ્યુ થાઈ' પાર્ટીના 77 વર્ષીય ચૈકાસેમ નિતિસિરી, નિવૃત્ત થઈ ચૂકેલા ભૂતપૂર્વ વડાપ્રધાન પ્રયુથ ચાન-ઓચા અને અનુતિન ચાર્નવીરાકુલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અનુતિને તાજેતરમાં ફોન કોલ વિવાદ બાદ પૈતોંગતાર્ન સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હતું.
થાઇલેન્ડ-કંબોડિયા વચ્ચે થયો હતો સરહદી વિવાદ
મે મહિનામાં થાઇલૅન્ડ અને કંબોડિયા વચ્ચે એક વિવાદિત સીમા વિસ્તારને લઈને અથડામણ થઈ હતી. આ પછી થાઇલૅન્ડના વડાપ્રધાન શિનાવાત્રાએ કંબોડિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન હુન સેન સાથે ફોન પર વાત કરી. આ વાતચીતમાં શિનાવાત્રાએ સેનાના જનરલની ટીકા પણ કરી હતી. તેમણે હુન સેનને 'કાકા' કહીને પણ સંબોધ્યા. આ વાતચીતનો ઑડિયો લીક થયો હતો. થાઇલૅન્ડમાં સેનાની ટીકા કરવી લોકોને પસંદ ન આવી, જેના કારણે શિનાવાત્રાએ માફી માંગવી પડી હતી.

