હોર્મુઝમાં તણાવ ચરમસીમાએ: અમેરિકી એરસ્ટ્રાઈક બાદ ઈરાનનો બહેરીન પર ડ્રોન હુમલો, મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના સંકેત

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં માલવાહક જહાજ પર થયેલા હુમલા બાદ અમેરિકાએ ઈરાન પર કરેલી એરસ્ટ્રાઈકના જવાબમાં ઈરાને હવે બહેરીન પર જવાબી ડ્રોન હુમલા કર્યા છે. ઈરાનનો દાવો છે કે, તેણે આ હુમલાઓ દ્વારા બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે રાતભર ચાલેલા આ સૈન્ય એક્શનના કારણે મિડલ ઈસ્ટમાં (મધ્ય પૂર્વ) પરિસ્થિતિ ફરી એકવાર બેકાબૂ બને તેવા સંકેતો દેખાઈ રહ્યા છે. તાજેતરમાં જ બંને દેશો વચ્ચે સંઘર્ષ સમાપ્ત કરવા માટે બનેલી વચગાળાની સહમતિ અને સીઝફાયરની સ્થિતિ હવે જોખમમાં મુકાઈ ગઈ છે.
અમેરિકી એરસ્ટ્રાઈકના જવાબમાં ઈરાનનો પલટવાર
અમેરિકાએ ગુરુવારે હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા એક જહાજ પર થયેલા ઈરાની ડ્રોન હુમલાના જવાબમાં શુક્રવારે ઈરાન પર હવાઈ હુમલા કર્યા હતા. આના પ્રત્યાઘાત રૂપે શનિવારે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા બહેરીન તરફ આત્મઘાતી ડ્રોન મોકલવામાં આવ્યા હતા. ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNA દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, તેમણે આ વિસ્તારમાં સક્રિય 'અમેરિકી આતંકવાદી સેનાના અનેક ઠેકાણાઓ' પર સચોટ નિશાન સાધ્યું છે.
બહેરીને ઈરાની હુમલાની આકરી નિંદા કરી
બહેરીન પર ઈરાનનો આ હુમલો કોઈ સંયોગ નથી. બહેરીન પહેલેથી જ ઈરાનનું કટ્ટર વિરોધી રહ્યું છે, અને સૌથી મહત્વની વાત એ છે કે, બહેરીનમાં અમેરિકી નૌસેનાના પાંચમા બેડા (US Navy's Fifth Fleet)નું મુખ્ય મથક આવેલું છે. તાજેતરમાં જ બહેરીને અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોની યજમાની કરી હતી, જ્યાં ખાડી સહયોગ પરિષદ (GCC)ની બેઠકમાં ઈરાનના હુમલા રોકવા અને હોર્મુઝ સ્ટ્રેટને મુક્ત રાખવાની માંગ કરાઈ હતી. બહેરીનના વિદેશ મંત્રાલયે આ હુમલાને નાગરિકોની સુરક્ષા માટે ખુલ્લો પડકાર ગણાવીને તેની આકરી નિંદા કરી છે.
હોર્મુઝમાં વધુ એક જહાજ પર હુમલો, સમુદ્રી માર્ગ બદલાયો
બ્રિટિશ સેનાના યુનાઈટેડ કિંગડમ મેરીટાઈમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO)ના જણાવ્યા અનુસાર, શનિવારે હોર્મુઝ સ્ટ્રેટમાં વધુ એક ઓઈલ ટેન્કર જહાજ પર હુમલો થયો હતો, જોકે સદનસીબે તેનો ચાલક દળ સુરક્ષિત છે. આ ઘટના બાદ અમેરિકી નૌસેનાની દેખરેખ હેઠળ કામ કરતા જોઈન્ટ મેરીટાઈમ ઈન્ફોર્મેશન સેન્ટરે, ઓમાનના દરિયાકાંઠા નજીક સમુદ્રી માર્ગનો વિસ્તાર કરવાની જાહેરાત કરી છે, જેથી જહાજોની અવરજવર સુરક્ષિત રીતે થઈ શકે.
તેલ માર્ગ પર ઈરાનનો ટેક્સ વસૂલવાનો પ્લાન
દુનિયાના કુલ તેલ અને કુદરતી ગેસનો આશરે 1/5 (પાંચમો) ભાગ હોર્મુઝના આ જળમાર્ગ પરથી પસાર થાય છે. ઈરાને અગાઉ જ ચેતવણી આપી છે કે, આ માર્ગ પરથી પસાર થતા જહાજોએ તેના નિર્દેશોનું પાલન કરવું પડશે, અને તે ટૂંક સમયમાં અહીંથી પસાર થતા જહાજો પાસેથી ટેક્સ (ફી) વસૂલવાનું શરૂ કરી શકે છે. જો કે, અમેરિકા અને ખાડી દેશોએ ઈરાનની આ માંગને ફગાવી દીધી છે, અને હોર્મુઝને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ગણાવ્યો છે. હાલમાં જોઈન્ટ મેરીટાઈમ ઈન્ફોર્મેશન સેન્ટરે વૈશ્વિક જહાજો માટે, આ વિસ્તારમાં ગંભીર ખતરો હોવાની ચેતવણી જાહેર કરી છે.

