યુક્રેન યુદ્ધમાં રશિયાએ સાત લાખથી વધુ સૈનિકો ગુમાવ્યાનો દાવો

યુક્રેન યુદ્ધમાં રશિયાએ સાત લાખથી વધુ સૈનિકો ગુમાવ્યાનો દાવો
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

પુતિનના યુક્રેન પરના હુમલાના લીધે સાત લાખથી પણ વધુ રશિયન સૈનિકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, રશિયાની જાનહાનિના આ નવા આંકડાએ આખા વિશ્વને હચમચાવી નાખ્યું છે. હવે જો આ આંકડો સાચો હોય અને યુદ્ધ ચાલી રહ્યુ છે તે જોતાં રશિયાના સૈનિકોના મૃતદેહોનો આંકડો બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા-યુકેના સંયુક્ત રીતે આઠ લાખ જેટલા સૈનિકો માર્યા ગયા હતા તેનાથી દૂર છે. આ જ રીતે યુદ્ધ ચાલુ રહ્યું તો શક્ય છે કે રશિયાના સૈનિકોના મોતનો આંકડો આઠ લાખને પણ વટાવી જાય.


આનો સીધો અર્થ એમ કરી શકાય કે ફેબુ્રઆરી ૨૦૨૨માં યુક્રેનમાં ઘૂસ્યા પછી રશિયાના લશ્કરે પ્રતિ સાડા ત્રણ મિનિટે એક સૈનિક ગુમાવ્યો છે. રશિયા દ્વારા તેના સૈનિકોના મૃત્યુના આંકડાને ચુસ્ત રીતે છૂપાવવામાં આવ્યા છે.રશિયાએ તો યુક્રેન યુદ્ધમાં મૃત્યુ પામેલા સૈનિકોનો સત્તાવાર આંકડો ૫,૯૩૭ ગણાવ્યો છે. આ આંકડો સપ્ટેમ્બર ૨૦૨૨ પછી અપડેટ થયો નથી. સ્વતંત્ર રશિયન ઇન્વેસ્ટિગેટવ આઉટલેટ્સ મેડુઝા અને મીડિયાઝોનાએ રશિયન સ્ટેટ સર્વિસ રોસસ્ટેટમાંથી ચોરી છૂપીથી હાંસલ કરેલા આંકડામાં મૃત્યુઆંક લગભગ પાંચ લાખ નજીક એટલે કે ૪,૯૦,૦૦૦ જણાવાયો છે.
સંશોધકોએ વધારાની જાનહાનિનો અંદાજ કાઢવા માટે સ્ટેટિસ્ટિકલ મોડેલિંગનો ઉપયોગ કર્યો છે. આ ગણતરી મુજબ તેઓએ જણાવ્યું છે કે મોસ્કોએ યુક્રેન યુદ્ધમાં ૭.૨૦ લાખ જેટલા સૈનિકો ગુમાવ્યા છે.

જાહેરાત


ન્યૂયોર્ક ટાઇમ્સે પહેલી જ વખત આ પ્રકારનું વિશ્લેષણ પ્રકાશિત કર્યુ છે. તેણે જણાવ્યું છે કે તેણે સંશોધકોના આ દાવાની સ્વતંત્ર રીતે ચકાસણી કરી નથી. જો આ આંકડો સાચો હોય કે સત્યની નજીક પણ હોય તો રશિયન સોસાયટી પર તેની વ્યાપક અસર પડી શકે છે. આ અંદાજમાં ફક્ત જાનહાનિ એટલે કે મૃત્યુ પામનારાઓની જ ગણતરી કરવામાં આવી છે. ઇજાગ્રસ્ત થયેલા અને કાયમ માટે અપંગ થયેલાની ગણતરી કરવામાં આવી નથી. હવે જો ઇજાગ્રસ્તો અને કાયમી અપંગ થયેલાઓને ગણીએ તો રશિયાને પડેલા ફટકાનો આંકડો ૧૬ લાખ પર પહોંચે છે.


છેલ્લા બે મહિનામાં જ જોઈએ તો યુક્રેને રશિયાને જબરો ફટકો માર્યો છે. કીવના જણાવ્યા મુજબ એકલા ઓક્ટોબરમાં જ માર્યા ગયેલા કે ઇજા પામેલા રશિયન સૈનિકોની સંખ્યા ૫૪,૪૦૦ થાય છે. આ આંકડો પુતિને યુદ્ધ શરૂ કર્યા પછીના કોઈપણ મહિનાનો સૌથી મોટો આંકડો છે. હવે યુક્રેનના લશ્કરમાં કેટલા મોટાપાયા પર જાનહાનિ થઈ છે, તેના આંકડા હજી મળ્યા નથી. યુક્રેનના લશ્કરને પણ નોંધપાત્ર ફટકો પડયો હોવાનું મનાય છે. જો કે તે વ્યાપક પાયા પર સ્વીકારી લેવાયું છે કે યુક્રેન કરતાં રશિયન સૈનિકોની જાનહાનિ વધારે પ્રમાણમાં થઈ છે. સામાન્ય રીતે ડિફેન્સ કરનારા કરતાં આક્રમણ કરનારા દેશો વધારે નુકસાન સહન કરતાં હોય છે.


આટલા જંગી મૃત્યુઆંક છતાં પુતિન હજી પણ અટકવાનું નામ લેતા નથી. તેમને યુક્રેન તો ઠીક પોતાના સૈનિકોની પણ ચિંતા નથી. રશિયાએ યુક્રેનના ઝાપોરિજઝિયા પર કરેલા હુમલામાં બેના મોત થયા હતા અને ૪૦ને ઇજા થઈ હતી. રશિયા દર શિયાળાની જેમ આ વખતે પણ ફરીથી યુક્રેનના ઇન્ફ્રાસ્ટ્રકચર અને વીજમથકોને નુકસાન પહોંચાડી રહ્યુ છે, જેથી યુક્રેનિયનોની સ્થિતિ વધુ ખરાબ થાય. યુએનનું કહેવું છે કે યુદ્ધમાં અત્યાર સુધી ૧૮ હજારથી વધુ યુક્રેનના નાગરિકો મૃત્યુ પામ્યા છે અને ૫૭ હજારથી વધારે ઇજા પામ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત