ફ્લેટ ખરીદવા માટે સરકાર આપશે 70 લાખની સબસિડી, પરંતુ પૂરી કરવી પડશે એક શરત
દરેક લોકો પોતાની માલિકીનું ઘર બને તેવું સપનું ચોક્કસ જોતા હોય છે. દેશમાં મોટાભાગના

દરેક લોકો પોતાની માલિકીનું ઘર બને તેવું સપનું ચોક્કસ જોતા હોય છે. દેશમાં મોટાભાગના મકાનો હોમ લોન પર ખરીદવામાં આવે છે. ઘર ખરીદવા ઇચ્છતા લોકો માટે હવે એક સારા સમાચાર છે. સરકાર હવે ઘર ખરીદવા માટે 70 લાખ રૂપિયાની સબસિડી આપી રહી છે. આ યોજના ખાસ કરીને યુવાનો માટે છે, પરંતુ તેનો લાભ મેળવવા માટે એક શરત પૂરી કરવી પડશે. આ જ સ્થિતિ હવે આ દેશ માટે સમસ્યા બની ગઈ છે. 70 લાખની સબસિડીના લોભને કારણે યુવાનો શરતો પૂરી કરી રહ્યા છે, પરંતુ તેમનું સામાજિક માળખું બગડી ગયું છે અને કુટુંબ તૂટવાના કિસ્સાઓ ઝડપથી વધવા લાગ્યા છે. હવે સરકારને પણ પોતાની યોજનાની સમાજ પર નકારાત્મક અસર પડતી દેખાઇ રહી છે. આ વાત છે, સિંગાપુરની. એક તરફ ભારત જેવા કેટલાક દેશો માટે વધતી વસ્તી માથાનો દુઃખાવો બનતી જાય છે ત્યારે જાપાનની જેમ સિંગાપુર ઘટી રહેલી વસ્તીના કારણે ચિંતામાં મુકાયું છે.
સિંગાપુરમાં એક તરફ જ્યાં વસ્તી ઘટી રહી છે અને બીજી તરફ દેશમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે અને તેની અસર કેટલાક વર્ષો બાદ દેશની ઈકોનોમી પર પણ પડી શકે છે. તેથી અહીંની સરકારે વસ્તી વધારવા માટે એક ખાસ યોજના શરૂ કરી હતી. સિંગાપોર ખૂબ મોંઘું શહેર છે અને અહીં ઘર ખરીદવું એ ખૂબ જ મોંઘો સોદો છે. સરકારે એક તીરથી બે નિશાના મારવાના આશયથી વર્ષ 2001માં બિલ્ડ ટુ ઓર્ડર સ્કીમ શરૂ કરી હતી. આ હેઠળ, 35 વર્ષથી ઓછી ઉંમરમાં લગ્ન કરનારાઓને જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે. હવે તમે સમજી જ ગયા હશો કે યુવાનોએ સબસિડી મેળવવા માટે કઈ શરતો પૂરી કરવાનું શરૂ કર્યું.
વહેલાં લગ્ન કરવાનુ ચલણ વધ્યું
સિંગાપોર સરકાર દ્વારા આ યોજનાની જાહેરાત બાદથી અર્લી મેરેજનો ટ્રન્ડ ઘણો વધી ગયો છે. સિંગાપોરમાં યુવાનો હવે 30 વર્ષની ઉંમર પહેલા લગ્ન કરી લે છે. 25થી 29 વર્ષની વય વચ્ચે લગ્ન કરનારી મહિલાઓની સંખ્યા 60% અને પુરૂષોની સંખ્યા 44% ટકાએ પહોંચી છે જે વર્ષ 2000માં 45 અને 30% હતી.
આડઅસર-છુટાછેડા
એક કહેવત છે કે, લાલચનું પરિણામ હંમેશા ખરાબ જ હોય છે. આ કિસ્સામાં પણ કંઇક એવું જ થયું છે. 70 લાખ રૂપિયાના લોભને કારણે યુવાનો વહેલા લગ્ન કરવા લાગ્યા છે પરંતુ પરિવાર તેમની પ્રાથમિકતા નથી. જેના કારણે છૂટાછેડાના કેસ વધી રહ્યા છે. મહિલાઓમાં છૂટાછેડાનો દર 4%થી વધીને 7.2% અને પુરુષોમાં 3.5%થી વધીને 6.3% થયો છે. સિંગાપોર સરકારે આ સ્કીમ હેઠળ એવી શરત મૂકી છે કે, છૂટાછેડા પછી 5 વર્ષ સુધી સબસિડી પર મળતો ફ્લેટ વેચી શકાય નહીં. આ મજબૂરી હેઠળ, હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે, છૂટાછેડા લીધેલા યુગલોને પણ સાથે રહેવા માટે મજબૂર કરવામાં આવે છે, જેથી તેમને ઘર માટે સારા પૈસા મળી શકે. આ ઉપરાંત, યોજના હેઠળ ફરીથી સબસિડી લેવા માટે પણ એક નિશ્ચિત સમય છે, જે છૂટાછેડા પછી પૂરો કરવો જરૂરી છે.






