Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Sikh youth gets 21 years in prison for murdering 18-year-old student in Britain

બ્રિટનમાં 18 વર્ષીય વિદ્યાર્થીની હત્યા બદલ શીખ યુવકને 21 વર્ષની જેલ, પરિવાર પણ દોષી

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2026
લાઇવ ટીવીGoogle News
બ્રિટનમાં 18 વર્ષીય વિદ્યાર્થીની હત્યા બદલ શીખ યુવકને 21 વર્ષની જેલ, પરિવાર પણ દોષી
સોર્સ : gstv

UK court jails British Sikh man for life over murder: બ્રિટનના સાઉધમ્પ્ટનમાં છ મહિના અગાઉ થયેલી 18 વર્ષના નિર્દોષ વિદ્યાર્થી હેનરી નોવાકની હત્યાના કેસમાં સત્ય સામે આવતાં સમગ્ર દેશ હચમચી ઊઠ્યો છે. આ કેસમાં પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલ ઉઠ્યા છે. ભારતીય મૂળના શીખ યુવાને હેનરી પર જીવલેણ હુમલો કર્યા બાદ જાતિવાદનું જૂઠ બોલીને પોલીસને ગેરમાર્ગે દોરી અને પીડિતને જ ગુનેગાર બનાવી દીધો હતો. આશ્ચર્યની વાત એ છે કે, પોલીસ પણ તેના કહેવામાં આવી અને હુમલાનો ભોગ બનેલા યુવકની ધરપકડ કરી બેઠી. આ ઘટનાને લગતો એક વીડિયો તાજેતરમાં જાહેર થતાં જ આ મામલો આખા યુ.કે.માં ભારે ચર્ચા અને આક્રોશનું કારણ બન્યો છે. તેમજ આ ઘટના પછી બ્રિટનમાં શીખો દ્વારા હંમેશા સાથે રખાતા કિરપાણ પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ પ્રચંડ થઈ છે.

App Store

3 ડિસેમ્બરની રાતે શું બન્યું હતું? 

હેનરી નોવાક બ્રિટિશ-પોલિશ મૂળનો 18 વર્ષનો યુવાન હતો, જે સાઉધમ્પ્ટન યુનિવર્સિટીમાં એકાઉન્ટન્સીનો અભ્યાસ કરતો હતો. એ રાત્રે આશરે 11:30 વાગ્યે હેનરી સાઉધમ્પ્ટનના પોર્ટ્સવુડમાં આવેલા બેલમોન્ટ રોડ પર જતો હતો. ત્યારે રસ્તામાં તેનો ભેટો 23 વર્ષીય ભારતીય મૂળના શીખ યુવાન વિક્રમ દિગ્વા સાથે થયો. હેનરીએ પોતાના ફોનમાં વિક્રમનો વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. પાછળથી પોલીસને મળેલા વીડિયોમાં દેખાય છે કે હેનરી વિક્રમને ‘હેલો કાર’ (Hello Car) કહે છે અને પછી કશુંક ગીત ગણગણે છે. વીડિયોમાં વિક્રમ ‘આઇ એમ અ બેડ મેન’ (હું ખરાબ માણસ છું) એવું બોલતો અને ત્યાંથી દૂર જતો દેખાય છે. 

8 ઇંચ લાંબા ખંજરથી કર્યો ક્રૂર હુમલો 

સાવ સામાન્ય લાગતી આ ઘટનાએ થોડી જ વારમાં હિંસક સ્વરૂપ લઈ લીધું. વિક્રમે હેનરી પર 21 સેમી (8 ઇંચ) લાંબા મોટા ખંજર વડે હુમલો કર્યો અને એને પાંચ ઘા માર્યા, જેમાંના 2 હેનરીના પગના પાછળના ભાગે અને 1 હૃદયમાં વાગ્યો હતો, જે જીવલેણ નીવડ્યો. આ ઘટના બની એ સમયે વિક્રમ પાસે બે છરી હતી. એક નાનું કિરપાણ જે શીખ લોકો કપડાંની નીચે છુપાયેલી રાખે છે (એ રાખવાની બ્રિટિશ કાયદામાં ધાર્મિક છૂટછાટ છે) અને બીજું એક મોટું ખંજર, જેનો ઉપયોગ તેણે હુમલા માટે કર્યો હતો.

હુમલાખોરે પીડિત હોવાનું નાટક કર્યું 

આ ઘટના બાદ વિક્રમના ભાઈએ પોલીસને બોલાવી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે વિક્રમના પિતાએ ઘાયલ હેનરીને દીવાલને ટેકે પકડી રાખ્યો હતો. વિક્રમ પોલીસ સમક્ષ બોલ્યો કે, હેનરીએ વંશીય ટિપ્પણી કરીને તેનું અપમાન કર્યું અને પછી હુમલો કર્યો હતો. જો કે, એ દાવો પાછળથી ખોટો સાબિત થવાનો હતો.

પોલીસની ગંભીર બેદરકારીએ હેનરીનો જીવ લીધો?

આ દરમિયાન પોલીસે યોગ્ય તપાસ કર્યા વિના લોહીલુહાણ હાલતમાં પડેલા હેનરી નોવાકને જ હુમલાખોર માની લીધો અને તેને હાથકડી પહેરાવી દીધી. હેનરી પીડાથી તરફડતો રહ્યો અને બોલતો રહ્યો કે, ‘મને છરી મારી છે, હું શ્વાસ નથી લઈ શકતો.’ આમ છતાં પોલીસે એના શબ્દો પર ધ્યાન ન આપ્યું. તેમણે હેનરીને ઢસડીને ખેંચ્યો અને પછી તેના હાથ પીઠ પાછળ લઈ જઈ તેને હાથકડી પહેરાવી દીધી. તેના થોડા જ સમયમાં હેનરીએ દમ તોડી દીધો. ચોંકાવનારી વાત એ હતી કે સાચા હત્યારા વિક્રમને ઘટના સ્થળે હાથકડી પણ પહેરાવાઈ નહોતી.

વિક્રમ વિરુદ્ધ ચુકાદો સંભળાવી 21 વર્ષની સજા 

વિક્રમે કોર્ટમાં સ્વ-બચાવની દલીલ કરી અને હેનરી પર જાતિવાદી ગાળો આપવાનો આરોપ લગાવ્યો. જો કે, હેનરીના ફોનમાંથી મળેલા ફૂટેજે આ તમામ આરોપો પાયાવિહોણા સાબિત કર્યા. 28 મે, 2026ના રોજ જ્યુરીએ વિક્રમને હત્યા અને જાહેર સ્થળે હથિયાર રાખવા બદલ દોષિત જાહેર કર્યો અને તેને 21 વર્ષની સજા ફટકારી.

વિક્રમના પરિવારને પણ દોષી ગણાવ્યા

આ ગુનામાં વિક્રમના પરિવારે પણ ગુનાઇત સાથ આપ્યો હતો. તેની 53 વર્ષની માતા કિરણ કૌરે હત્યામાં વપરાયેલું ખંજર છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, જેથી ગુનેગારને મદદ કરવા બદલ તેને પણ દોષિત ઠેરવાઈ છે. વિક્રમના પિતા મોગા સિંહ (52 વર્ષ) અને ભાઈ ગુરપ્રીત (27 વર્ષ) પણ ગુનામાં મદદ કરવા બદલ દોષી ગણાવાયા છે. હવે તેઓને પણ ટૂંક સમયમાં સજા સંભળાવાશે. 

બ્રિટિશ પોલીસની નીતિ-રીતિ સામે સવાલ 

આ કેસના કારણે બ્રિટિશ પોલીસની વિવાદાસ્પદ પોલિસી ‘Anti-Racism Commitments’ પર સવાલ ઊભા થયા છે. આ એવી પોલિસી છે, જેમાં વંશીય લઘુમતીઓ સાથે અલગ વર્તન કરવાની વાત વણાયેલી છે. ટીકાકારોનું કહેવું છે કે આ કેસમાં પોલીસ જાતિવાદના આરોપથી ડરી ગઈ હતી, જેથી હુમલાખોરની વાત સાચી માનીને તેમણે ગંભીર રીતે ઘાયલ હેનરીને બચાવવાને બદલે તેને જ ગુનેગાર માની લીધો હતો. 

ઘટનાનો વીડિયો જાહેર થતાં જનઆક્રોશ 

2 જૂન, 2026ના રોજ હેમ્પશાયર પોલીસે ઘટનાના ફૂટેજ જાહેર કર્યા. આ વીડિયો સામે આવતા જ સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો. સાઉધમ્પ્ટનમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા, જેણે હિંસક સ્વરૂપ લીધું. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો. 

હવે આ કેસમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ સ્વતંત્ર તપાસ ચાલી રહી છે, જે આગામી 3 મહિનામાં પૂર્ણ થશે. હેનરીના પિતાએ પોલીસના વર્તનને ‘અમાનવીય’ ગણાવ્યું છે. જો કે, તેમણે અપીલ કરી છે કે તેમના પુત્રના મોતનો ઉપયોગ દેશમાં નફરત ફેલાવવા માટે ન કરાય. હેમ્પશાયર પોલીસે આ ભયાનક ભૂલ બદલ હેનરીના પરિવારની માફી માંગી છે, પરંતુ એક માસૂમનો જીવ ગયા પછી જાગેલી પોલીસ વ્યવસ્થા સામે બ્રિટનની જનતામાં ભારે રોષ છે.

દેશભરના નેતાઓની આક્રમક પ્રતિક્રિયાઓ

આ કેસમાં બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરથી લઈને ગૃહ સચિવ શબાના મહમૂદ અને કન્ઝર્વેટિવ નેતા કેમી બેડેનોક જેવા ઘણાં રાજકારણીઓની આક્રમક પ્રતિક્રિયા આવી છે. તેમણે પોલીસની ભૂમિકાની આકરી ટીકા કરીને આ કેસને ધર્મ કે જાતિવાદનો નહીં પરંતુ માત્ર 'હત્યાનો કેસ' ગણાવ્યો છે અને સરકાર પાસે કડક પગલાંની માંગ કરી છે.