બાંગ્લાદેશની તુરાગ નદીમાંથી પૂર્વ એરફોર્સ અધિકારીનો મૃતદેહ મળ્યો, શેખ હસીનાનો વીડિયો વાઈરલ કરવા બદલ હેરાનગતિનો પરિવારનો આરોપ

બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દેશ છોડીને જતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાના મામલે ચર્ચામાં આવેલા પૂર્વ એરફોર્સ અધિકારી તહસિફ સૌરીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. 28 વર્ષીય સૌરીનો મૃતદેહ ઢાકાની તુરાગ નદીમાંથી મળી આવ્યો હતો. તેમના પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરીને આરોપ લગાવ્યો છે કે શેખ હસીનાનો વીડિયો શેર કર્યા બાદ તેમને સતત હેરાન કરવામાં આવતા હતા.
27 ઓક્ટોબરથી ગુમ હતા તહસિફ સૌરી
મળતી માહિતી મુજબ, બાંગ્લાદેશ વાયુસેનામાં ફ્લાઇટ લેફ્ટનન્ટ તરીકે ફરજ બજાવી ચૂકેલા તહસિફ સૌરી 27 ઓક્ટોબરની સાંજે ઘરેથી બહાર ગયા હતા, પરંતુ પાછા ફર્યા નહોતા. રાત્રે લગભગ 1:35 વાગ્યે તેમણે પોતાની માતાને મેસેજ કરીને લખ્યું હતું કે, 'મમ્મી, હું આવી રહ્યો છું.' જોકે, ત્યારબાદ પરિવારનો તેમની સાથે સંપર્ક થઈ શક્યો નહોતો. ગુરુવારે તુરાગ નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારે આક્ષેપ કર્યો છે કે ઓગસ્ટ 2024માં શેખ હસીના સૈન્ય વિમાનમાં બાંગ્લાદેશ છોડીને જઈ રહ્યાં હતાં તે સમયનો વીડિયો શેર કરવા બદલ સૌરીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિવારે આ જ ઘટનાને તેમના મોત સાથે જોડીને હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
વાયુસેનામાંથી નિયમ મુજબ નિવૃત્તિ અપાઈ હતી
બાંગ્લાદેશના ઇન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના જણાવ્યા અનુસાર, તહસિફ સૌરીને 4 ઓગસ્ટ, 2025ના રોજ નિયમ મુજબ નિવૃત્ત કરવામાં આવ્યા હતા. તેમના વિરુદ્ધ કોઈ સત્તાવાર આરોપ નોંધાયો હોવાની માહિતી પણ આપવામાં આવી નથી. જોકે, તેમના સ્વજનો અને પિતરાઈ બહેન મોશફેકા જહાંએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે શેખ હસીનાનો વીડિયો શેર કરવાના કારણે તેમની હત્યા કરવામાં આવી છે. આ આરોપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે
ઉત્તારખાન પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, તહસિફ સૌરીના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. હાલ એ નક્કી થયું નથી કે તેમનું મોત નદીમાં ડૂબવાથી થયું છે, આત્મહત્યા છે કે પછી હત્યા કરવામાં આવી છે. હાલ આ મામલે મોતના સંજોગો અંગે તપાસ ચાલી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના તારણો બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે.







