પાકિસ્તાન/ ક્વેટામાં અજાણ્યા હુમલાખોરોએ JUI નેતા મુફ્તી અબ્દુલ બાકી નૂરઝાઈની કરી હત્યા
પાકિસ્તાનમાં તાજેતરના સમયમાં ભારતના દુશ્મનોને જાણે કોઈ વીણી વીણીને ઠાર કરી રહ્યો હોય

પાકિસ્તાનમાં તાજેતરના સમયમાં ભારતના દુશ્મનોને જાણે કોઈ વીણી વીણીને ઠાર કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગઇકાલે જ મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના ખાસ ગણાતા અબુ કતાલની ઘાતક રીતે હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલો હજુ શાંત પણ થયો નથી ત્યાં હવે પાકિસ્તાનમાં વધુ એક હાઈપ્રોફાઈલ હત્યાનો મામલો સામે આવ્યો છે.
ક્વેટામાં મોડી રાત્રે જમિયત ઉલેમા-એ-ઈસ્લામના નેતા મુફ્તી અબ્દુલ બાકી નૂરઝાઈ(JUI leader Mufti Abdul Baqi Noorzai) પર હુમલો થયો હતો. અજાણ્યા હુમલાખોરો આવ્યા અને મુફ્તી અબ્દુલ બાકી નૂરઝાઈને( Mufti Abdul Baqi Noorzai) એરપોર્ટ રોડ પર ગોળી મારીને હત્યા કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, મુફ્તી નૂરઝાઈને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના અધિકારીઓએ પુષ્ટિ આપી કે તેમનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું. સુરક્ષાદળોએ હુમલાની પુષ્ટી કરતાં વધુ તપાસ હાથ ધરી હતી.
રવિવારે પાક. સૈન્યના કાફલા પર થયો હતો મોટો હુમલો
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં રવિવારે ક્વેટાથી તાફ્તાન જતા સૈન્ય કાફલા પર મોટો આતંકી હુમલો કરાયો હતો. જેમાં સાત સૈનિકોના મોત થયા હતા અને 21 ઈજાગ્રસ્ત થયા હતા. જોકે આ હુમલાની જવાબદારી સ્વીકારતાં બલૂચ લિબરેશન આર્મી (BLA)એ 90 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કર્યો હતો.





