મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પાકિસ્તાનમાં ટોળાએ કરી વધુ એક હત્યા, કુરાનનું અપમાન કરવા બદલ જીવતા સળગાવી દીધો

પાકિસ્તાનમાં ધર્મના નામે અરાજકતાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક

પાકિસ્તાનમાં ટોળાએ કરી વધુ એક હત્યા, કુરાનનું અપમાન કરવા બદલ જીવતા સળગાવી દીધો

પાકિસ્તાનમાં ધર્મના નામે અરાજકતાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક શકમંદને ટોળાએ પોલીસ સ્ટેશનની બહાર લઈ જઈને જીવતો સળગાવી દીધો હતો. પોલીસે જણાવ્યું કે, આ ઘટના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લાના મદ્યન વિસ્તારમાં બની હતી. સ્વાત જિલ્લાના ડીપીઓ ડૉ. જાહિદુલ્લા ખાને જણાવ્યું કે, આ ઘટનામાં 8 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે, કુરાનના કથિત અપમાનના કેસમાં પોલીસે આરોપીને ટોળાથી બચાવ્યો હતો અને તેને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, પરંતુ ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને શંકાસ્પદને પોતાની સાથે લઈ ગયા.

ડીપીઓએ જણાવ્યું હતું કે, ટોળાએ પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનમાં પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી. આ સિવાય કથિત આરોપીને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, હજુ સુધી સમગ્ર મામલો સામે આવ્યો નથી. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે રસ્તા પર પડેલા મૃતદેહને ભીડ દ્વારા આગ લગાવવામાં આવી હતી. મૃતદેહને અગ્નિદાહ આપ્યા બાદ ભીડ આસપાસ ઊભી રહીને સેલિબ્રેટ કરી રહી છે. અન્ય એક વીડિયોમાં પોલીસ સ્ટેશનની બહાર ભીડ હંગામો કરતી જોવા મળી રહી છે.

મુખ્યમંત્રીએ પોલીસ અધિકારીઓને સૂચના આપી

પોલીસ અધિકારીએ કહ્યું કે, મદ્યનમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે અને તણાવ ઓછો કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મદ્યન સ્વાત ખીણનું પ્રખ્યાત પર્યટન સ્થળ છે. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ એક પોસ્ટમાં કહ્યું કે, કેપીના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરે પ્રાંતની પોલીસ સાથે વાત કરી છે અને આ મામલે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. રિપોર્ટ મંગાવતા તેમણે પોલીસને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે દરેક જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.

પાકિસ્તાનમાં ઈશનિંદાનો કાયદો બન્યા બાદ હિંસા વધી

પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ આ ઘટના અંગે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, 'ગાંડપણ ચાલુ છે, એક સમાજ તરીકે આપણે આત્મહત્યા કરવા માટે ઉતાવળા થયા છીએ.' પાકિસ્તાનમાં કટ્ટરપંથી વિચારોથી પ્રેરાયને જનરલ ઝિયાઉલ હકે નિંદા માટે મૃત્યુદંડની સજા ફટકારી હતી, ત્યારથી પાકિસ્તાનમાં બિન-મુસ્લિમો વિરુદ્ધ હિંસા ઝડપથી વધી છે. પાકિસ્તાનમાં 1987માં ઈશનિંદા કાયદો લાગુ કરવામાં આવ્યો ત્યારથી સતત હિંસક ઘટનાઓ બની રહી છે. તાજેતરમાં પાકિસ્તાનમાં 'હલવા' લખેલું કપડું પહેરવા બદલ એક મહિલાને ટોળાએ ઘેરી લીધી હતી. ભીડે આરોપ લગાવ્યો હતો કે, તેના કપડા પર ઈશનિંદા વિરુદ્ધ લખવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો