મિની કેમેરા, સ્માર્ટ ચશ્મા અને AI નો ખતરનાક ખેલ: દક્ષિણ કોરિયાની સૌથી અઘરી પરીક્ષામાં હાઈટેક ચોરીનો પર્દાફાશ

મિની કેમેરા, સ્માર્ટ ચશ્મા અને AI નો ખતરનાક ખેલ: દક્ષિણ કોરિયાની સૌથી અઘરી પરીક્ષામાં હાઈટેક ચોરીનો પર્દાફાશ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

દક્ષિણ કોરિયામાં બોર્ડ કે યુનિવર્સિટીની પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે આકાશમાં ઉડતાં વિમાનો રોકી દેવામાં આવે છે અને લશ્કરી કવાયત બંધ કરી દેવાય છે. શેરબજાર અને કચેરીઓ પણ મોડાં ખૂલે છે. કડક શિસ્ત અને મજબૂત શિક્ષણ વ્યવસ્થા માટે આખી દુનિયામાં જાણીતા દક્ષિણ કોરિયાને હાલમાં અણધાર્યો ઝટકો લાગ્યો છે. દેશની રાષ્ટ્રીય ટેક્સ એકાઉન્ટન્ટ પરીક્ષાના ટોપરે કબૂલ કર્યું છે કે તેણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ગુપ્ત ઉપકરણોની મદદથી ચોરી કરી હતી. આ હકીકત સામે આવતાં જ આખા દેશની પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થયા. આ વિવાદ એટલો વકર્યો કે આખરે દેશના શિક્ષણ મંત્રી ચોઈ ક્યો-જિને પોતાનું પદ છોડવું પડ્યું.

160 પ્રશ્નો, 1 ખોટો જવાબ: AI છેતરપિંડીનું કૌભાંડ કેવી રીતે બહાર આવ્યું?
34 વર્ષના હાન વોન-સીઓકે એપ્રિલ અને જુલાઈ 2026 માં રાષ્ટ્રીય ટેક્સ એકાઉન્ટન્ટની પરીક્ષા આપી હતી. તેણે 160 માંથી 159 પ્રશ્નોના સાચા જવાબ આપીને 400 માંથી 397.5 જેવો અવિશ્વસનીય સ્કોર મેળવ્યો અને દેશમાં ટોપ કર્યું. તેને આટલા બધા ગુણ મળતાં લોકોમાં શંકા જાગી અને તપાસ શરૂ થઈ.
આખરે, 15 નવેમ્બર, રવિવારના રોજ હાને પોતાના વકીલની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કરીને ચોરીની કબૂલાત કરી. તેણે સ્વીકાર્યું કે પરીક્ષા દરમિયાન તેણે એક નાના (મિનિએચર) કેમેરાથી પ્રશ્નપત્રના ફોટા પાડ્યા, તે તસવીરો જનરેટિવ AI સિસ્ટમને મોકલી અને ત્યારબાદ સ્માર્ટફોન પર તેના જવાબો મેળવ્યા. હાને અગાઉની CPA પરીક્ષામાં પણ આવી જ રીત અપનાવી હોવાનું સ્વીકાર્યું; જોકે તેમાં તે નાપાસ થયો હતો. વીડિયોમાં તેણે કહ્યું, ‘મેં ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને જનરેટિવ AI નો ઉપયોગ કરીને છેતરપિંડી કરી હતી. આટલા ઊંચા ગુણ મને મારી મહેનતથી નહોતા મળ્યા.’
દક્ષિણ કોરિયાના કાયદા મુજબ તેનું પરિણામ રદ થશે. ઉપરાંત, તેના પર 5 વર્ષનો પ્રતિબંધ મુકાઈ શકે છે અને ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે.

જાહેરાત

આખા દેશમાં ચિંતાનું મોજું
હાનની કબૂલાત દક્ષિણ કોરિયાની સૌથી મોટી યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા 'સુનેઉંગ' (Suneung) ના માત્ર 4 દિવસ પહેલાં આવી, જેનાથી આખા દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. વડાપ્રધાન હાન સીઓંગ-સૂકે 16 નવેમ્બરે તાત્કાલિક બેઠક બોલાવી અને AI-આધારિત ચોરીને ‘સામાજિક દુષ્ટતા’ ગણાવીને તેને મૂળથી નાબૂદ કરવાનો આદેશ આપ્યો.

શિક્ષણ મંત્રી આકરી ટીકાનો ભોગ બન્યા
હાનનું કૌભાંડ બહાર આવ્યા બાદ 16 નવેમ્બરે સંસદીય સુનાવણી દરમિયાન 72 વર્ષીય શિક્ષણ મંત્રી ચોઈ ક્યો-જિનને પૂછવામાં આવ્યું, ‘AI ચોરી કરતા તમામ વિદ્યાર્થીઓને પકડી શકાશે એ વાતે શું તમે ખાતરી આપી શકો છો?’ ત્યારે તેમણે જવાબ આપ્યો, ‘મારી ઉંમરને કારણે, મને વિશ્વાસ નથી કે હું કરી શકું.’ આ નિવેદન બાદ તેમની ભારે ટીકા થઈ અને શિક્ષક સંગઠનોએ સરકાર પર મોડા જાગવાનો આરોપ લગાવ્યો.

છેલ્લી ઘડીના કડક નિયમો
19 નવેમ્બરની પરીક્ષા માટે અભૂતપૂર્વ અને છેલ્લી ઘડીના કડક નિયમો લાદવામાં આવ્યા:

  • દરેક કેન્દ્ર પર ચશ્માની તપાસ માટે અલગ અધિકારી મુકાયા અને 8,400 વધારાના સુપરવાઈઝર તૈનાત કરાયા. જાડી ફ્રેમના ચશ્મા પહેરતા ઘણા વિદ્યાર્થીઓ ગેરસમજથી બચવા કોન્ટેક્ટ લેન્સ પહેરીને આવ્યા હતા.
  • કેમેરા છુપાવવાનું અટકાવવા કપડાંના બટનોની તપાસ કરી તેના પર સ્ટીકરો લગાવાયા. વિદ્યાર્થીઓને માત્ર પેન્સિલ લાવવાની છૂટ અપાઈ અને ઇરેઝર કેન્દ્રો પરથી અપાયા.
  • પરીક્ષા વિસ્તારમાં જાહેર વાઈ-ફાઈ બંધ કરાયું. છુપાવેલા ફોન પકડવા સવારે 8:30 થી બપોરે 3:00 વાગ્યા સુધી દેશભરમાં 3 વખત ઇમરજન્સી એલર્ટ મોકલાયા, જેનાથી સાયલન્ટ મોડ પર રહેલા ફોન પણ વાગી ઊઠ્યા.
  • ચોરી પકડાવનારને ઓછામાં ઓછા $75,000 નું ઇનામ અને ચોરી કરનારને 10 વર્ષના પ્રતિબંધ તથા જેલની સજાની ચેતવણી અપાઈ.

અત્યંત સુરક્ષા વ્યવસ્થા છતાં ચોરીના 11 કેસ
19 નવેમ્બરની પરીક્ષામાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોને લગતા કુલ 111 કેસ પકડાયા, જેમાંથી લગભગ અડધા ઇમરજન્સી એલર્ટથી ઝડપાયા. તેમાં 5 કેસ સ્માર્ટ ઉપકરણોના હતા, જેમાં 1 વિદ્યાર્થી સ્માર્ટ ચશ્મા સાથે અને 1 મિની કેમેરા તથા વાયરલેસ ઈયરફોન સાથે પકડાયો. 11 ડિસેમ્બરે પરિણામ જાહેર થાય તે પહેલાં એક સમિતિ આ કેસોની સમીક્ષા કરશે.

આખરે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું
22 નવેમ્બરે ચોઈ ક્યો-જિને X પર પોસ્ટ કરીને રાજીનામું આપી દીધું. તેમણે લખ્યું, ‘જવાબદાર મંત્રી તરીકે, હું અગાઉથી પૂરતી તૈયારી ન કરી શકવાની નિષ્ફળતા બદલ થતી જાહેર ટીકાઓમાંથી મુક્ત નથી. હવે જ્યારે પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે હું સંપૂર્ણ જવાબદારી સ્વીકારું છું અને મારું રાજીનામું રજૂ કરું છું.’

ટેક્નોલોજી વડે ચોરી કરવાનો આ કોઈ એકલદોકલ કિસ્સો નહોતો
સ્માર્ટ ચશ્માનો વધતો ખતરો: જૂન 2026 માં દક્ષિણ કોરિયાએ પરીક્ષાઓમાં સ્માર્ટ ચશ્મા પર પ્રતિબંધ મૂક્યો હતો, છતાં ઓક્ટોબરમાં સિઓલની યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષાઓ દરમિયાન 3 વિદ્યાર્થીઓ સ્માર્ટ ચશ્મા સાથે પકડાયા હતા. અગાઉ એપ્રિલ 2025 માં પણ કોરિયન ભાષાની પરીક્ષામાં તેનો ઉપયોગ થયો હતો. જૂનમાં તાઈવાનની નેશનલ તાઈવાન યુનિવર્સિટીએ પણ એક વિદ્યાર્થીને મેડિકલ પ્રવેશ પરીક્ષામાંથી AI સ્માર્ટ ચશ્માના ઉપયોગ બદલ ગેરલાયક ઠેરવ્યો હતો.

  • ઓળખવા મુશ્કેલ: નવા સ્માર્ટ ચશ્મામાં કેમેરા એટલા સૂક્ષ્મ રીતે છુપાયેલા હોય છે કે તેને સામાન્ય ચશ્માથી અલગ પાડવા અઘરા છે. વિદ્યાર્થીઓ તેમાં AI પ્રોમ્પ્ટ સેટ કરીને સ્માર્ટફોનને હાથ લગાવ્યા વગર જ જવાબો મેળવી શકે છે.
  • શિક્ષકોનો સર્વે: ગયા મહિને કોરિયન ટીચર્સ એન્ડ એજ્યુકેશન વર્કર્સ યુનિયન દ્વારા 2,716 માધ્યમિક શિક્ષકોનો સર્વે કરાયો હતો. તેમાં 82.3% શિક્ષકોએ સ્વીકાર્યું કે હાલની વ્યવસ્થામાં તેઓ સ્માર્ટ ચશ્મા ઓળખી શકતા નથી. માત્ર 3.5% શિક્ષકોએ જ તે ઓળખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
  • ટેકનિકલ મર્યાદા: શિક્ષણ મંત્રાલયે છુપાયેલા ઉપકરણો પકડવા રેડિયો-ફ્રીક્વન્સી (RF) ડિટેક્શન મશીનો લગાવવાનું વિચાર્યું હતું, પરંતુ અલગ-અલગ કેન્દ્રોની પરિસ્થિતિને કારણે નવેમ્બરની પરીક્ષા પહેલાં તે શક્ય ન બન્યું.

દક્ષિણ કોરિયા માટે 'સુનેઉંગ' પરીક્ષા આટલી મહત્ત્વની કેમ છે?
સત્તાવાર રીતે કોલેજ સ્કોલાસ્ટિક એબિલિટી ટેસ્ટ (CSAT) તરીકે ઓળખાતી સુનેઉંગ પરીક્ષા એક જ દિવસમાં સતત 8 કલાકથી વધુ (સવારે 8:40 થી સાંજે 5:45 વાગ્યા સુધી) ચાલે છે. 19 નવેમ્બર, 2026 ના રોજ (2027 ના પ્રવેશ સત્ર માટે) દેશના 1,312 કેન્દ્રો પર 5,51,864 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી.
દક્ષિણ કોરિયામાં આ પરીક્ષા માત્ર પ્રવેશ માટે નથી, પરંતુ તે વિદ્યાર્થીની કારકિર્દી, પગાર, સામાજિક પ્રતિષ્ઠા અને લગ્નની સંભાવનાઓ પણ નક્કી કરે છે. આથી આખો દેશ તે દિવસે થંભી જાય છે. જેમ કે…

  • 25 મિનિટના અંગ્રેજી લિસનિંગ પેપર દરમિયાન અવાજ ન થાય તે માટે વિમાનોના ટેક-ઓફ અને લેન્ડિંગ રોકી દેવાય છે.
  • પરીક્ષા કેન્દ્રો નજીક લશ્કરી કવાયત, તોપમારો અને ટેન્કોની અવરજવર બંધ રાખવામાં આવે છે.
  • શેરબજાર 1 કલાક મોડું ખૂલે છે, કચેરીઓ સવારે 10:00 વાગ્યે શરૂ થાય છે અને કેન્દ્રો આસપાસ ટ્રાફિક પર નિયંત્રણ મુકાય છે.
  • વહેલી સવારથી વધારાની ટ્રેનો દોડાવાય છે અને મોડા પડતા વિદ્યાર્થીઓને પોલીસ વાહનોમાં કેન્દ્ર સુધી પહોંચાડે છે.
  • આટલું બધું મહત્ત્વ હોવાના કારણે જ પરીક્ષાની નિષ્પક્ષતા પર કોઈ પણ આંચ આવે તો લોકોનો વિશ્વાસ ડગી જાય છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત