Japan / જ્વાળામુખી સકુરાજીમાં પ્રચંડ વિસ્ફોટ, આકાશમાં 11500 ફૂટ ઉંચા રાખના ગોટેગોટા જોવા મળ્યા

જાપાનના કાન્તો પ્રાંતમાં આવેલા કાન્તો શહેર માટે આજની સવાર કોઈ હોરર મૂવીના દ્રશ્ય જેવી ભયાનક સાબિત થઈ હતી. જાપાનના સૌથી સક્રિય જ્વાળામુખી સકુરાજીમાં પ્રચંડ વિસ્ફોટ થતાં આખું શહેર રાખની ઝપેટમાં આવી ગયું છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, ગણતરીની મિનિટોમાં આકાશમાં 3,500 મીટર (આશરે 11,500 ફૂટ) સુધી રાખનો ગોટેગોટા જોવા મળ્યા હતા.
રાખની વર્ષા થઈ હોય તેવા દ્રશ્યો
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બાદ શહેરમાં ભારે માત્રામાં રાખ પડવાનું શરૂ થયું હતું. રસ્તાઓ, વાહનો અને મકાનો પર રાખની એટલી જાડી પરત જામી ગઈ છે કે જાણે શહેરમાં રાખોડી રંગનો બરફ પડ્યો હોય તેવું દ્રશ્ય ખડું થયું હતું. હવામાં ફેલાયેલી આ સૂક્ષ્મ રાખને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ગળામાં ખરાબી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
તંત્ર દ્વારા એલર્ટ લેવલ-3 જાહેર
સ્થિતિની ગંભીરતાને જોતા જાપાનની હવામાન વિજ્ઞાન એજન્સીએ તાત્કાલિક ધોરણે એલર્ટ લેવલ-3 જાહેર કર્યું છે. લોકોને ઘરોમાં જ રહેવા અને બારી-બારણાં ચુસ્તપણે બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. જો બહાર નીકળવું અનિવાર્ય હોય, તો ડબલ માસ્ક અને ચશ્મા પહેરવાની સખત ચેતવણી આપવામાં આવી છે. જ્વાળામુખીના મુખમાંથી ગરમ ખડકો અને પથ્થરો આશરે 2 કિલોમીટરના વિસ્તારમાં પડ્યા હોવાના અહેવાલ છે, જેનાથી રહેણાંક વિસ્તારોમાં ભયનો માહોલ છે.
સકુરાજીમા: જાપાનનો ટાઇમ બોમ્બ
સકુરાજીમા જ્વાળામુખી તેની સતત સક્રિયતા માટે જાણીતો છે. વૈજ્ઞાનિકો તેને જાપાનનો સૌથી મોટો ટાઇમ બોમ્બ માને છે. આ વર્ષે અત્યાર સુધીમાં અહીં 15 થી વધુ વખત વિસ્ફોટ થઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે જ્વાળામુખીની અંદર ભારે હલચલ મચી રહી છે. આ વખતે રાખની માત્રા એટલી વધારે હતી કે શહેરની ડ્રેનેજ સિસ્ટમ અને ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે.

