સાઉદી અરેબિયામાં હુતીઓનો મોટો હુમલો; સૈન્ય મથક પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો

મધ્ય પૂર્વમાં સ્થિતિ સ્થિર થવાના કોઈ સંકેતો દેખાતા નથી. યમનના હુતી બળવાખોરોએ હવે સાઉદી અરેબિયાના શરુરાહ (Sharurah) પર ડ્રોન દ્વારા હુમલો કર્યો છે. હુથીઓનો દાવો છે કે તેમણે એક લશ્કરી મથકને નિશાન બનાવીને મોટો હુમલો કર્યો છે. હુથીઓના લશ્કરી પ્રવક્તા યાહ્યા સરીએ ટેલિગ્રામ પર જાહેર કરાયેલા નિવેદનમાં આ હુમલાની વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હુથીઓએ લશ્કરી મથકના શસ્ત્ર ભંડાર અને કમાન્ડ-એન્ડ-કંટ્રોલ રૂમને નિશાન બનાવ્યા હતા.
યાહ્યાના જણાવ્યા અનુસાર, આ હુમલામાં મોટી સંખ્યામાં બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રવક્તાનો દાવો છે કે તમામ હુમલાખોર મિસાઇલો અને ડ્રોન ચોકસાઈપૂર્વક તેમના નિર્ધારિત લક્ષ્યો પર ત્રાટક્યા હતા.યાહ્યા સરીએ આ હુમલાને યમન સામે સાઉદી અરેબિયાની ચાલુ આક્રમકતાના જવાબ તરીકે વર્ણવ્યો હતો. તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે જો હુમલા બંધ નહીં થાય, તો આગામી દિવસોમાં સાઉદી પ્રદેશની અંદર વધુ ઘાતક હુમલા કરવામાં આવશે.
સાઉદી અરેબિયાના જિઝાનમાં બે લોકો ઘાયલ
દરમિયાન, સાઉદી સિવિલ ડિફેન્સે પણ હુથી હુમલાને કારણે થયેલા નુકસાનની પુષ્ટિ કરી છે. સાઉદી સિવિલ ડિફેન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર, યમનથી છોડવામાં આવેલું એક પ્રોજેક્ટાઇલ (મિસાઇલ કે ડ્રોન) જિઝાનમાં ત્રાટકતાં બે લોકો ઘાયલ થયા હતા.
હુતીઓએ મોખા બંદરનો કબજો મેળવ્યો
ઉલ્લેખનીય છે કે, હુથીઓએ અગાઉ લાલ સમુદ્રના પ્રવેશદ્વાર ગણાતી બાબ-અલ-મંદેબ સામુદ્રધુનીમાં સ્થિત માયુન ટાપુ (પેરિમ) પર પણ કબજો જમાવ્યો હતો. મોખા બંદર શહેર પરના આ કબજાના જવાબમાં, સાઉદી અરેબિયાએ મોખા એરપોર્ટ પર આક્રમણોની વણઝાર શરૂ કરી હતી. હુથીઓએ જણાવ્યું હતું કે તેલ અને ગેસના ટેન્કરો જે વિસ્તારમાંથી પસાર થાય છે તેવા આ વિસ્તાર પર કબજો મેળવીને, તેઓ ઈરાન સાથે મળીને વૈશ્વિક ઊર્જાના ભાવમાં થયેલા વધારા અંગે અમેરિકા પર દબાણ લાવવા માંગતા હતા.

