આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને બાયપાસ કરવા ઈરાનનો ચીન સાથે મોટો સોદો: ડોલર વિના તેલના બદલામાં ડિફેન્સ ખરીદી

ઇરાને અમેરિકન પ્રતિબંધોથી બચવા માટે ચીન સાથે મળીને એક ખાસ બાર્ટર સિસ્ટમ તૈયાર કરી છે. જેનાથી ઓઇલ સામે ચીન પાસેથી અરબો ડૉલરનો સામાન ખરીદશે. રૉયટર્સના અહેવાલ પ્રમાણે, આ ડીલમાં એર ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ પણ સામેલ છે. એટલે કે, ઇરાને સીધી રીતે પૈસાની લેવડદેવડ કરવાની જગ્યાએ તેલના બદલે ચીન પાસેથી જરૂરી સામાન ખરીદ્યો એટલે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોની ઝંઝટ ના રહે.
યુદ્ધ બાદ ઇરાન પર પ્રતિબંધો વધ્યાં
અમેરિકાએ ઇરાન પર કેટલાક વર્ષોથી સખત પ્રતિબંધ લગાવી રાખ્યા છે. જેનો ઇરાદો ઓઇલનું વેચાણ અને વિદેશી મુદ્રણ સુધી ઇરાનની પહોંચને રોકવાનો છે. આ વર્ષે યુદ્ધ શરૂ થયા પછી આ પ્રતિબંધ વધારે કડક કર્યા છે. પરંતુ સૂત્રોનું માનીએ તો, ઇરાને આ પ્રતિબંધોને સાઇડમાં રાખીને એક નવો રસ્તો શોધી કાઢ્યો છે.
બાર્ટર સિસ્ટમમાં લેવડદેવડનું ટ્રેકિંગ મુશ્કેલ
સામાન્ય રીતે જ્યારે કોઈ દેશ ઓઇલ વેચે છે, તો તેને ડૉલર કે અન્ય કોઈ મુદ્રામાં વળતર મળે છે. જેને બેન્કિંગ સિસ્ટમથી પણ ટ્રેક કરી શકાય છે. પરંતુ બાર્ટર સિસ્ટમમાં પૈસાની જગ્યાએ સીધી માલ-સામાનની અદલાબદલી કરવાની હોય છે. જેનાથી લેવડદેવડનું ટ્રેકિંગ કરવું મુશ્કેલ બની જાય છે.
ઇરાને ચીન પાસેથી ડિફેન્સ ઉપકરણો ખરીદ્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ વ્યવસ્થા અંતર્ગત ઇરાને ચીન પાસેથી જે સામાન ખરીદ્યો, તેની કિંમત અબજો ડૉલર છે. તેમાં સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, આ ખરીદીમાં એર ડિફેન્સ ઉપકરણો પણ સામેલ છે, એટલે કે હવાઈ હુમલાઓમાં સુરક્ષા માટે કામમાં આવનારા સૈન્ય ઉપકરણો સામેલ છે.
ઇરાન અને ચીન વચ્ચે આર્થિક સંબંધો વધ્યાં
આ વાત એટલે પણ મહત્ત્વની છે, કારણ કે, આનાથી સ્પષ્ટ થાય છે કે, ઇરાન માત્ર આર્થિક જરૂરિયાત નહીં, પરંતુ સૈન્ય ક્ષમતાઓ મજબૂત કરવા માટે પણ આ રસ્તો અપનાવી રહ્યું છે. ચીન ઘણાં સમયથી ઇરાન પાસેથી ઓઇલ ખરીદે છે અને આ નવી જાણકારી બંને દેશો વચ્ચે વધતા આર્થિક અને સામરિક સંબંધો તરફ ઇશારો કરે છે.

