ઈઝરાયેલ સામે મોટા હુમલાની ઈરાનની તૈયારી, હિઝબુલ્લાહ અને હુથી સાથે સંપર્કના અહેવાલ

તહેરાન : 7 ઓક્ટોબરના હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલા કરાયા હતા, જે બાદ ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. એવામાં હવે ઇરાન ઇઝરાયેલ પર આ સાત ઓક્ટોબરના હુમલા કરતા પણ મોટો હુમલો કરવાની તૈયારીમાં હોવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે કઇ તારીખે આ હુમલો કરવામાં આવશે તેને લઇને કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ઇરાન અને અમેરિકા વચ્ચે ખાડી દેશોના સમુદ્રી વિસ્તારોમાં હાલ સામસામે હુમલા ચાલી રહ્યા છે. ઇરાનના ઇસ્લામિક રિવલ્યૂશનરી ગાર્ડે દાવો કર્યો છે કે તેણે અમેરિકી નેવીના એક એરક્રાફ્ટ કેરિયર અને એક નેવી ડિસ્ટ્રોયરને નિશાન બનાવીને અનેક બેલિસ્ટિક મિસાઇલો દાગી હતી. ઇરાનના સૈન્યનો દાવો છે કે અમેરિકા અમારા જહાજો વચ્ચે અડચણો ઉભી કરી રહ્યું હતું તેથી આ હુમલા કરવામાં આવ્યા છે. જેમાં અમેરિકાને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
અમેરિકાના યુદ્ધ જહાજો બાદમાં ભાગી ગયા હતા. બીજી તરફ અમેરિકી સૈન્યએ ઇરાનના દાવાને જુઠા ગણાવ્યા છે. સાથે જ કહ્યું છે કે જવાબી કાર્યવાહીમાં ઇરાનના ત્રણ ઓઇલ ટેંકરોનો પુરી રીતે નાશ કરવામાં આવ્યો છે. અમેરિકાએ ધમકી આપી છે કે જો ઇરાને શાંતિ ના જાળવી તો તેના તમામ જહાજોને ડુબાડી દઇશું. બીજી તરફ ઇરાન ઇઝરાયેલ પર ૭ ઓક્ટોબરના હુમલા કરતા પણ મોટો હુમલો કરવાનું આયોજન ઘડી રહ્યું છે.
ઇરાનનું સૈન્ય હાલ આ હુમલા માટે હિઝબુલ્લાહ, હુથી અને ઇરાકી બળવાખોરોના સંપર્કમાં છે. આ તમામ સંગઠનોને સાથે રાખીને ઇઝરાયેલ પર મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. એટલુ જ નહીં અગાઉ અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં ઇરાનના સૈન્ય મથકો વગેરેને જે નુકસાન થયું હતું તેને પણ હાલ ઠીક કરવાની કામગીરી ચાલી રહી છે. ઇરાન હાલ ઇઝરાયેલને તમામ સરહદેથી ઘેરવા પ્રયાસો કરી શકે છે જે માટે લેબનોનમાં હિઝબુલ્લાહ, યમનમાં હુથી જ્યારે ઇરાક તેમજ સીરિયામાં હમાસ અને ઇરાન સમર્થક બળવાખોરોનો સમાવેશ કરવામાં આવશે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ ઇઝરાયેલ વધુ એલર્ટ થઇ ગયું છે. જોકે ખરેખર ઇરાન આ હુમલો કઇ તારીખે કરશે તેને લઇને કોઇ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

