Video/ Rajkot માં ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર, શાપર-વેરાવળમાં ગેસની ભારે અછત વચ્ચે ઉદ્યોગો બંધ થવાની ભીતિ
રાજકોટમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આડઅસર હવે રાજકોટના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝમાં ગેસના સપ્લાયમાં કાપ મુકાતા ઉદ્યોગકારોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. આ મામલે આજે ઉદ્યોગકારોનું એક પ્રતિનિધિ મંડળ સરકારમાં રજૂઆત કરવા માટે રવાના થયું છે.
600 જેટલા એકમો મુશ્કેલીમાં, ઉદ્યોગો ઠપ્પ થવાની સ્થિતિ
શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં 2000થી વધુ યુનિટ્સ આવેલા છે, જેમાંથી અંદાજે 600 જેટલા યુનિટ્સમાં ગેસનો સીધો વપરાશ થાય છે. ખાસ કરીને કાસ્ટિંગ અને ફોર્જિંગ જેવા મહત્ત્વના ઉદ્યોગો ગેસ પર નિર્ભર છે. ગેસના સપ્લાયમાં ઘટાડો થતાં હવે આ એકમો બંધ કરવા પડે તેવી ગંભીર સ્થિતિ પેદા થઈ છે.
માર્ચ એન્ડિંગના પેન્ડિંગ ઓર્ડરો પર સંકટ
વર્ષના અંતિમ મહિનામાં એટલે કે માર્ચ એન્ડિંગના સમયે તમામ ઉદ્યોગકારો પોતાના પેન્ડિંગ ઓર્ડર પૂરા કરવામાં વ્યસ્ત હોય છે. બરાબર આ જ સમયે ગેસમાં કાપ મુકાતા મોટો આર્થિક ફટકો પડે તેમ છે. મહત્વની વાત એ છે કે અહીંના અનેક ઉદ્યોગો ડિફેન્સ (સંરક્ષણ) ક્ષેત્ર સાથે પણ જોડાયેલા છે, જેના કારણે રાષ્ટ્રીય સુરક્ષાના પ્રોજેક્ટ્સ પર પણ તેની અસર પડી શકે છે.
ઉદ્યોગકારોની સરકારને રજૂઆત
શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અમૃત ગઢીયાની આગેવાનીમાં અને ધારાસભ્ય રમેશ ટીલાળાના માર્ગદર્શન હેઠળ પ્રતિનિધિ મંડળ સરકારને મળવા પહોંચ્યું છે. આ મંડળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ઋષિકેશ પટેલ સાથે મુલાકાત કરીને નીચે મુજબની માંગણીઓ રજૂ કરશે:
ભાવ વધારામાં રાહત: હાલમાં ઉદ્યોગકારોને માત્ર 50% ગેસ વાપરવાની છૂટ છે, અને તેનાથી વધુ વપરાશ પર 3 ગણો ભાવ લેવામાં આવે છે, જેમાં રાહત આપવાની માંગ છે.
સપ્લાય પૂર્વવત કરવો: ઉદ્યોગોને પૂરતો ગેસ મળી રહે તે માટે યોગ્ય નિર્ણય લેવાની વિનંતી કરવામાં આવશે.
જો સરકાર દ્વારા આ મામલે સત્વરે કોઈ નક્કર નિર્ણય લેવામાં નહીં આવે, તો હજારો કામદારોની રોજીરોટી અને કરોડો રૂપિયાના ટર્નઓવર પર જોખમ તોળાઈ રહ્યું છે.

