VIDEO: Rajkot / લાખોના ખર્ચે બનેલો નવો રોડ 15 દિવસમાં જ તોડવો પડ્યો; લલિત વસોયાના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સરકાર પર પ્રહાર
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો સામે આવ્યો છે. ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ સુધી લાખોના ખર્ચે બનેલો સીસી રોડ માત્ર 15 જ દિવસમાં બિસ્માર બનતા અને કાંકરીઓ ઉખડવા લાગતા ભારે વિવાદ સર્જાયો હતો. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આક્રમક તેવર બતાવી રોડ ખોદી નાખવાની ચીમકી ઉચ્ચારતા જ તંત્ર સફાળું જાગ્યું છે અને કોન્ટ્રાક્ટરે પોતાની ભૂલ સ્વીકારી રોડ ફરીથી બનાવવાની કામગીરી શરૂ કરી છે.
ધોરાજીના ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ સુધી માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવો સીસી રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડ હજુ 15 દિવસ પહેલા જ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો. પરંતુ, પ્રથમ દ્રષ્ટિએ જ નબળા કામને કારણે રોડ પરથી સિમેન્ટનું પડ ઉખડવા લાગ્યું હતું અને ઠેર-ઠેર કાંકરીઓ દેખાવા લાગી હતી. આ અંગે સામાજિક અગ્રણીઓએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આ રોડની મુલાકાત લઈ ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, "જો આ રોડ સુધારવામાં નહીં આવે તો આગામી 18 માર્ચના રોજ કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને આ રોડ ખોદી નાખવામાં આવશે." આ ચીમકીના પડઘા સીધા તંત્ર અને કોન્ટ્રાક્ટર સુધી પડ્યા હતા. આખરે, વિવાદ વકરે તે પહેલા જ તંત્ર હરકતમાં આવ્યું અને નવા બનેલા રોડને ફરીથી ખોદવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
રોડ ફરી ખોદવાની કામગીરી શરૂ થતા લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી હતી કે, "રોડ ફરીથી તોડવો પડ્યો એ જ સાબિત કરે છે કે આ કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. કોન્ટ્રાક્ટર, સરકારી અધિકારીઓ અને ભાજપના શાસકોએ સ્વીકાર કરવો પડ્યો છે કે આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે.

