Video/ Rajkotમાં લવ જેહાદની નવી મોડસ ઓપરેન્ડી? હિન્દુ દંપતીને નોકરીએ રાખી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી કર્યા મૈત્રી કરાર
રાજકોટ શહેરમાં લવ જેહાદના કિસ્સાઓ વચ્ચે એક ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. લોન કન્સલ્ટન્સીની ઓફિસ ધરાવતા એક મુસ્લિમ શખ્સે હિન્દુ દંપતીને નોકરીએ રાખ્યા બાદ ૨૨ વર્ષીય પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી મૈત્રી કરાર કર્યા હોવાનો આક્ષેપ હિન્દુ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો અત્યારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
શું છે સમગ્ર મામલો?
રાજકોટમાં લોન કન્સલ્ટન્સીની ઓફિસ ચલાવતા ૪૪ વર્ષીય સિકંદર માણસી સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આરોપ મુજબ, સિકંદરે પહેલા એક હિન્દુ મહિલા અને તેના પતિને પોતાની ઓફિસમાં નોકરીએ રાખ્યા હતા. ત્યારબાદ પતિને ફિલ્ડ વર્કમાં મોકલી દઈ, મહિલાને ઓફિસ વર્કમાં રાખી હતી. આ દરમિયાન સિકંદરે ૨૨ વર્ષીય પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેઈલ કરી હોવાનો આક્ષેપ પણ સમાજ આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે.
આરોપી પોતે પણ પરિણીત છે
તપાસમાં ખુલાસો થયો છે કે ૪૪ વર્ષીય આરોપી સિકંદર માણસી પોતે પણ પરિણીત છે અને એક સંતાનનો પિતા છે. આમ છતાં તેણે અડધી ઉંમરની ૨૨ વર્ષીય હિન્દુ મહિલા સાથે મૈત્રી કરાર કર્યા હતા. આ મામલે ૨ માર્ચના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે પ્રાથમિક તપાસ બાદ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.
સમાજ આગેવાનોમાં રોષ
ભીલ સમાજના આગેવાન પારસ વાઘેલા અને અન્ય સભ્યોએ પોલીસ સ્ટેશન પહોંચી આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે આ એક સુનિયોજિત લવ જેહાદનું કાવતરું છે, જેમાં આર્થિક રીતે નબળા પરિવારોને ટાર્ગેટ કરવામાં આવે છે.

