VIDEO/ Rajkot: એક-બે વિષયમાં અટકેલા વિદ્યાર્થીઓને ડિગ્રી પૂર્ણ કરવાની વધુ એક તક આપો; NSUIની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને માત્ર એક કે બે વિષયમાં નાપાસ થવાને કારણે ડિગ્રીથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓના હિતમાં NSUI મેદાનમાં આવ્યું છે. NSUI ના કાર્યકરો અને આગેવાનો દ્વારા યુનિવર્સિટીના કુલપતિને મળીને વર્ષ 2019ની બેચના વિદ્યાર્થીઓને સ્પેશિયલ ટ્રાયલની તક આપવા માટે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે.
NSUI ની રજૂઆત મુજબ, અનેક વિદ્યાર્થીઓ એવા છે જેમણે પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે, પરંતુ એક કે બે વિષયમાં એટીકેટી (ATKT) હોવાને કારણે તેઓ ડિગ્રી મેળવી શક્યા નથી.જેથી વર્ષ 2019 ના જે વિદ્યાર્થીઓના 1 કે 2 વિષય બાકી છે, તેમને ડિગ્રી પૂર્ણ કરવા માટે વધુ એક તક (Special Trial) આપવામાં આવે. યુનિવર્સિટી દ્વારા અગાઉ વર્ષ 2011 થી 2018 સુધીના વિદ્યાર્થીઓને આ પ્રકારે સ્પેશિયલ તક આપવામાં આવી હતી. તેવી જ રીતે 2019 ની બેચના વિદ્યાર્થીઓને પણ ન્યાય મળવો જોઈએ.
રજૂઆત બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પણ આ બાબતે હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે. તેમણે ખાતરી આપી છે કે, વર્ષ 2019ના વિદ્યાર્થીઓને પરીક્ષાની તક આપવા માટે વિચારણા કરવામાં આવશે.

