VIDEO : ઈરાને ગલ્ફના તમામ બેઝ પર મિસાઈલો ઝીંકી, ટ્રમ્પના 15 મુદ્દાના શાંતિ પ્રસ્તાવના દાવા વચ્ચે મોટો હુમલો
અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વકરતી જઈ રહી છે. અમેરિકા એક તરફ શાંતિની વાતો કરીને તેના ખતરનાક ઇરાદાઓને અંજામ આપવાની તૈયારીમાં છે ત્યારે ઈરાન પણ પીછેહઠ કરવા તૈયાર નથી અને તે તાબડતોબ ઈઝરાયલ પર હુમલાઓ કરી રહ્યો છે.
શાંતિ પ્રસ્તાવ વચ્ચે ઈરાનના ધડાકા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકતરફી રીતે યુદ્ધ જીતી લીધાના દાવા કરી રહ્યા છે. ત્યાં એકબાજુ એવી પણ ચર્ચા છે કે ટ્રમ્પે યુદ્ધ શાંત કરવા માટે 15 મુદ્દાઓનો શાંતિ પ્રસ્તાવ પણ ઈરાનને મોકલ્યો છે. આ સૌની વચ્ચે ઈરાને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે લાગે છે કે અમેરિકા અને ટ્રમ્પ અંદરો અંદર જ શાંતિના પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા છે. અમને એનાથી કોઇ લેવા દેવા નથી. આ દરમિયાન ટ્રમ્પના પ્રસ્તાવની મજાક બનાવતા ઈરાને કુવૈત, જોર્ડન, બહેરીન સહિતના મિડલ ઈસ્ટના અનેક દેશોમાં જ્યાં અમેરિકાના ઠેકાણાઓ આવેલા છે ત્યાં મિસાઈલો ઝીંકી હતી. આ દરમિયાન ઈરાને ઈઝરાયલને પણ હચમચાવી નાખ્યું હતું.
ઈરાનનો અમેરિકા પર ગંભીર આરોપ
મિડલ ઈસ્ટના સંકટ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈ દ્વારા કરવામાં આવેલા નિવેદને વૈશ્વિક રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. એક ઇન્ટરવ્યૂમાં બકાઈએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઈ પણ દેશ અમેરિકાની રાજદ્વારી વાતો પર ભરોસો કરી શકે નહીં. તેમણે ખુલાસો કર્યો કે ભૂતકાળમાં જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીત પ્રક્રિયા ચાલુ હતી, ત્યારે જ નવ મહિનાના ગાળામાં ઈરાન પર બે વાર હુમલા કરવામાં આવ્યા હતા. ઈરાન આને 'રાજદ્વારી વિશ્વાસઘાત' ગણાવી રહ્યું છે અને તેના કારણે જ હાલમાં બંને દેશો વચ્ચે કોઈ પણ પ્રકારની સત્તાવાર વાતચીત કે વાટાઘાટો ચાલી રહી નથી.
ઈરાની સંસદના સ્પીકરનું મોટું નિવેદન
બીજી તરફ, ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ સંવાદ થઈ રહ્યો હોવાની વાત પાયાવિહોણી છે. ઈરાનના સંસદ સ્પીકર કાલિબાફની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું છે કે ઈરાની અધિકારીઓ વચ્ચે કામની વહેંચણી પારદર્શક છે અને અત્યારે ઈરાની સશસ્ત્ર દળોનું સંપૂર્ણ ધ્યાન માત્ર અને માત્ર દેશની પ્રાદેશિક અખંડિતતા અને સરહદોના રક્ષણ પર કેન્દ્રિત છે. ઈરાનનું આ વલણ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા 'વાતચીત અને ભેટ'ના દાવાઓ સામે એક મોટો પડકાર ઊભો કરી રહ્યું છે, જે દર્શાવે છે કે ઈરાન હવે અમેરિકાની કોઈ પણ વાતને ગંભીરતાથી લેતા પહેલા તેના જૂના કડવા અનુભવોને યાદ રાખી રહ્યું છે.
ઈરાને ઈઝરાયલમાં મચાવી તબાહી
ઈરાને ઈઝરાયલમાં ભયાનક હુમલાઓની શરૂઆત કરી દીધી છે. ઈરાને આજે ઈઝરાયલમાં એક ઇન્ડસ્ટ્રીયલ વેરહાઉસને નિશાન બનાવ્યો હતો.
યુદ્ધની શરૂઆતથી ઈરાનમાં 243 વિદ્યાર્થી-શિક્ષકોના મોત
ઈરાનના શિક્ષણ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યાનુસાર યુદ્ધ શરૂ થયા બાદથી ઈઝરાયલ અને અમેરિકા તાબડતોબ રીતે ઈરાનના વિવિધ શહેરો પર હુમલા કરી રહ્યા છે જેમાં અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોતની વાત કરીએ તો મૃતકાંક 243 પર પહોંચી ગયો છે.
હિઝબુલ્લાહનો મોટો દાવો- ઈઝરાયલની ફાઇટર જેટ ઇન્ટરસેપ્ટ કર્યું
લેબેનૉન તરફથી યુદ્ધ લડી રહેલા હિઝબુલ્લાહે મોટો દાવો કર્યો હતો. હિઝબુલ્લાહે કહ્યું કે અમે દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયલી જેટને ઇન્ટરસેપ્ટ કર્યું હતું. તેને જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ દ્વારા નિશાન બનાવાયું હતું. જોકે ઈઝરાયલ તરફથી આ મામલે અત્યાર સુધી કોઈ ટિપ્પ્ણી કરવામાં આવી નથી.
ટ્રમ્પે કહ્યું - સાઉદી અમારી સાથે મળીને ઈરાન વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યું છે
ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સામે કહ્યું હતું કે સાઉદી અરબ પણ અમારી સાથે આ યુદ્ધમાં સામેલ છે. તે અમને પૂરો સહયોગ કરી રહ્યો છે અને ઈરાન વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને અમેરિકા ઈરાન વિરુદ્ધ સાથે મળીને યુદ્ધ લડી રહ્યા હતા ત્યારે ટ્રમ્પના આ દાવાથી મિડલ ઈસ્ટમાં ટેન્શન વધી શકે છે.

