અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં મનાવી દિવાળી, ભેટમાં મળી હનુમાન ચાલીસા

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઓવલ ઓફિસમાં મનાવી દિવાળી, ભેટમાં મળી હનુમાન ચાલીસા
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં ભારતીય મૂળના અમેરિકન નાગરિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ટ્રમ્પે દીવો પ્રગટાવીને પ્રકાશના પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણી લોકો, ઉદ્યોગપતિઓ, ટોચની કંપનીઓના CEO અને ટ્રમ્પ વહીવટીતંત્રના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણી દરમિયાન ટ્રમ્પને હનુમાન ચાલીસા (Hanuman Chalisa)ની નકલ ભેટમાં આપવામાં આવી હતી.

હનુમાન ચાલીસાની ભેટથી ચર્ચામાં આવ્યો કાર્યક્રમ

ઉદ્યોગસાહસિક અને GOQii Technologiesના સ્થાપક તથા CEO વિશાલ ગોંડલે ટ્રમ્પને હનુમાન ચાલીસાની નકલ ભેટ આપી હતી. ગોંડલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઉજવણીની તસવીરો શેર કરીને આ ક્ષણને ખાસ ગણાવી હતી. તેમણે લખ્યું હતું કે, ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દિવાળીની ઉજવણી કરવી સન્માનની વાત છે. હનુમાન ચાલીસા ભગવાન હનુમાનની સ્તુતિ છે, જેનો પાઠ લાખો લોકો હિંમત, ભક્તિ અને શક્તિ માટે કરે છે. દીવા પ્રગટાવતી વખતે તેમની પ્રાર્થના ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બને અને અંધકાર પર પ્રકાશનો વિજય થાય તેવી હતી.

જાહેરાત

ભારતીય મૂળના અનેક અગ્રણી મહેમાનો હાજર

આ કાર્યક્રમમાં અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા, સેલિબ્રિટી શેફ વિકાસ ખન્ના, માઇક્રોન ટેક્નોલોજીના સંજય મેહરોત્રા, IBMના CEO અરવિંદ કૃષ્ણા, FBI ડિરેક્ટર કાશ પટેલ અને અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થના ડિરેક્ટર જય ભટ્ટાચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો, સામાજિક સુરક્ષા વહીવટીતંત્રના ડેપ્યુટી કમિશનર અર્જુન મોદી, રૂબી ધલ્લા, રાજીવ શર્મા અને અન્ય મહેમાનો પણ ઉજવણીમાં જોડાયા હતા.

2003થી વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવણીની પરંપરા

વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉજવવાની પરંપરા વર્ષ 2003માં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશે શરૂ કરી હતી. શરૂઆતમાં આ કાર્યક્રમનું આયોજન મુખ્યત્વે આઇઝનહોવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગમાં ભારતીય-અમેરિકન સમુદાય અને ભારતીય રાજદ્વારીઓની હાજરીમાં થતું હતું. વર્ષ 2009માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામા વ્હાઇટ હાઉસમાં દીવો પ્રગટાવનારા પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારથી વ્હાઇટ હાઉસના વિવિધ સ્થળોએ દિવાળીની ઉજવણી અને દીપ પ્રાગટ્યની પરંપરા જળવાઈ રહી છે. આ વર્ષે ઓવલ ઓફિસમાં યોજાયેલી ઉજવણીમાં હનુમાન ચાલીસાની ભેટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત