રોહિત શેટ્ટીના બંગલે હુમલાની જવાબદારી સ્વીકારનાર ગેંગસ્ટર હેરી બોક્સર અમેરિકી એજન્સીઓના સકંજામાં

બોલિવૂડ ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટીના ઘર બહાર થયેલા અંધાધૂંધ ફાયરિંગ કેસમાં મોટો વળાંક આવ્યો છે. આ હુમલાની સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ જવાબદારી સ્વીકારનારા અને અભિનેતા રણવીર સિંહ સહિત બોલિવૂડની ટોચની હસ્તીઓને ધમકીભર્યા ઓડિયો મોકલનારા કુખ્યાત ગેંગસ્ટર હેરી બોક્સરને અમેરિકી સુરક્ષા એજન્સીઓએ કેલિફોર્નિયામાંથી સકંજામાં લીધો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા અને સાત સમંદર પાર બેસીને ભારતમાં ખંડણી તેમજ ક્રાઈમ નેટવર્ક ચલાવતા હેરી બોક્સરની ધરપકડથી અંડરવર્લ્ડ અને ફિલ્મ જગતમાં મોટો ખળભળાટ મચી ગયો છે.
હેરી બોક્સર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે. તેના પર અમેરિકામાં બેસીને ગેંગની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવાનો ગંભીર આરોપ છે. ભારતમાં તેની સામે હત્યા અને ખંડણી સહિતના અનેક ગુના નોંધાયેલા છે. અમેરિકી ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એજન્સીએ તેને કેલિફોર્નિયામાંથી અટકાયતમાં લીધો છે.
અગાઉ ગેંગસ્ટર હિમાંશુ ભાઉ અને નીરજ ફરીદપુરિયાની પણ અમેરિકામાં અટકાયત કરવામાં આવી હતી. આ બંને પણ ભારતમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ હતા. વિદેશમાં બેસીને ભારતમાં ક્રાઈમ સિન્ડિકેટ ચલાવતા ગેંગસ્ટરો સામે ભારતીય અને આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ સતત ગાળિયો કસી રહી છે, જેમાં હેરી બોક્સરની અટકાયત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
મુંબઈના જુહુ સ્થિત ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટીના નિવાસસ્થાન બહાર ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ની મોડી રાત્રે અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હુમલાખોરે 'શેટ્ટી ટાવર' બહાર અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ઘટના સમયે રોહિત શેટ્ટી પોતાના ઘરમાં જ હાજર હતા, જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
આ ગોળીબાર બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં શુભમ લોનકર, આરઝૂ બિશ્નોઈ, હેરી બોક્સર અને હરમન સંધૂએ હુમલાની સંયુક્ત જવાબદારી સ્વીકારી હોવાનો દાવો કર્યો હતો. પોસ્ટમાં રોહિત શેટ્ટીને ધમકી આપતા લખાયું હતું કે તેમને અગાઉ પણ ચેતવણી અપાઈ હતી, પરંતુ તેમણે તેને ગંભીરતાથી ન લીધી. સાથે જ આગળ કોઈ મોટી ઘટના અંજામ આપવાની પણ ધમકી અપાઈ હતી.
મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં સામે આવ્યું હતું કે હુમલાખોર બાઇક પર આવ્યો હતો અને પગપાળા ટાવર નજીક પહોંચી ગોળીઓ ચલાવીને ફરાર થઈ ગયો હતો. આ કેસમાં પોલીસે અગાઉ પણ કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી.
ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન રોહિત શેટ્ટી અને અભિનેતા રણવીર સિંહને પણ ધમકીભર્યા ઓડિયો સંદેશાઓ મળ્યા હતા, જેમાં બંનેને ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપવામાં આવી હતી. ઓડિયો મોકલનારે પોતાની ઓળખ હેરી બોક્સર તરીકે આપી હતી. મુંબઈ પોલીસ આ ઓડિયો ક્લિપ્સની ફોરેન્સિક તપાસ કરી રહી હતી કે અવાજ અસલી છે કે પછી એઆઈ (AI) અથવા કોઈ ખાસ ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવ્યો હતો. હવે હેરી બોક્સરની અટકાયત થતાં બોલિવૂડ સેલેબ્સને મળતી ધમકીઓ પાછળનું આખું નેટવર્ક ખુલ્લું પડવાની શક્યતા છે.









