‘હું પત્નીની શોધમાં છું…’ જેફ્રી એપસ્ટીન, નૉર્વેની રાજકુમારીને કરતો હતો ઈ-મેલ્સ

અમેરિકાના યૌન અપરાધી જેફ્રી એપસ્ટીનને લઈને ફરી એક વખત ચોંકાવનારા ખુલાસા થયા છે. અમેરિકી ન્યાય વિભાગ દ્વારા જાહેર કરાયેલા એપસ્ટીન ફાઇલ્સના નવા દસ્તાવેજોમાં નૉર્વેની ક્રાઉન પ્રિન્સેસ મેટ્ટે-મેરિટ સાથે તેના ફ્લર્ટી ઈ-મેલ સંવાદો સામે આવ્યા છે. આ ખુલાસાઓ બાદ નૉર્વેની રાજશાહી ફરી વિવાદના કેન્દ્રમાં આવી છે.
દસ્તાવેજો મુજબ, આ ઇમેઇલ ચેટ્સ 2012 ની છે, મેટ-મેરિટે ક્રાઉન પ્રિન્સ હાકોન સાથે લગ્ન કર્યાના લગભગ એક દાયકા પછી. એક ઇમેઇલમાં, એપ્સટાઇને લખ્યું, "હવામાન કેવું છે? હું પત્ની શોધી રહ્યો છું. પેરિસ રસપ્રદ સાબિત થઈ રહ્યું છે, પરંતુ મને સ્કેન્ડિનેવિયન સ્ત્રીઓ વધુ ગમે છે." પ્રિન્સેસ મેટ્ટે-મેરિટે જવાબ આપ્યો, "હજી પણ આ વાતથી સંભળી રહી છું કે તમે ખરેખર પત્નીની શોધમાં છો.”
એક અન્ય ઈ-મેલમાં એપસ્ટીને ઓસ્લોમાં હાજર બે નૉર્વેજિયન યુવતીઓનો ઉલ્લેખ કરતા તેમની ઉંમર 24 અને 25 વર્ષ હોવાનું લખ્યું હતું. તેના જવાબમાં રાજકુમારીએ આશ્ચર્ય વ્યક્ત કરતાં લખ્યું, “હે ભગવાન! તમે નશામાં છો શું? યુવતીઓ 24 અને 25 વર્ષની? મને પણ ઓસ્લો ગમે છે. કાલે મને ફોન કરજો.”
ફ્લર્ટી સંવાદો અહીં અટક્યા નહોતા. એક અન્ય ચેટમાં એપસ્ટીને મજાકીયા અંદાજમાં લખ્યું હતું કે તે આશા રાખે છે કે તેણે મેટ્ટે-મેરિટને દુઃખી નહીં કરી હોય. તેના જવાબમાં રાજકુમારીએ લખ્યું, “તમારી વાતો મને ગલગલિયા કરાવે છે. તમે હંમેશા મને સ્મિત કરવા મજબૂર કરો છો.”
રાજકુમારીની માફી
આ ઈ-મેલ્સ જાહેર થયા બાદ ભારે વિવાદ સર્જાયો છે. 52 વર્ષીય મેટ્ટે-મેરિટ, જે નૉર્વેના ક્રાઉન પ્રિન્સ હાકોનની પત્ની છે અને ભવિષ્યની મહારાણી ગણાય છે, તેમણે રોયલ પેલેસ દ્વારા જાહેર નિવેદનમાં માફી માંગી છે.
તેમણે કહ્યું, “મેં ખોટો નિર્ણય લીધો. જેફ્રી એપસ્ટીન સાથે કોઈપણ પ્રકારના સંપર્ક અંગે મને ગાઢ અફસોસ છે. આ ખૂબ શરમજનક છે. તેના અપરાધો માટે તે પોતે જવાબદાર છે, પરંતુ મેં તેના ભૂતકાળની યોગ્ય તપાસ ન કરી — તેની જવાબદારી હું સ્વીકારું છું.”
મેટ્ટે-મેરિટે અગાઉ સ્વીકાર્યું હતું કે 2011થી 2013 દરમિયાન તેમની એપસ્ટીન સાથે મિત્રતા હતી.
પહેલેથી જ દબાણમાં નૉર્વેની રાજશાહી
આ ખુલાસાઓ એવા સમયે સામે આવ્યા છે જ્યારે નૉર્વેની રોયલ ફેમિલી પહેલેથી જ મુશ્કેલીમાં છે. મેટ્ટે-મેરિટના પુત્ર મારિયસ બોર્ગ હોઇબી (પાછલા સંબંધમાંથી જન્મેલા) પર ચાર મહિલાઓ સાથે બળાત્કાર, હિંસા અને ડ્રગ્સ સંબંધિત કુલ 38 ગંભીર આરોપો લાગ્યા છે. દોષ સાબિત થાય તો તેમને 16 વર્ષ સુધીની સજા થઈ શકે છે. જોકે, તેમણે સૌથી ગંભીર યૌન શોષણના આરોપોને નકાર્યા છે.
જેફ્રી એપસ્ટીન કોણ હતો?
જેફ્રી એપસ્ટીન એક અમેરિકન ફાઇનાન્સર હતો, જે બાદમાં દુનિયાના સૌથી મોટા સેક્સ ટ્રાફિકિંગ કાંડોમાં મુખ્ય આરોપી બન્યો. તેના પર સગીર છોકરીઓના યૌન શોષણ, તસ્કરી અને શક્તિશાળી લોકો માટે તેમને ઉપલબ્ધ કરાવવાના ગંભીર આરોપો હતા. તેના અમેરિકા, કેરેબિયન અને યુરોપમાં વૈભવી મહેલ જેવા ઘરો હતા અને અનેક પ્રભાવશાળી નેતાઓ, ઉદ્યોગપતિઓ અને શાહી હસ્તીઓ સાથે તેના સંબંધોની ચર્ચા થતી હતી. વર્ષ 2019માં ન્યૂયોર્કની જેલમાં તેની શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું હતું, જેને અધિકૃત રીતે આત્મહત્યા જાહેર કરવામાં આવી હતી.

