Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Houthi rebels' occupation of Greater-Leser Hanish Islands, increased control even in the Red Sea; oil market resurgence

હૂતી વિદ્રોહીઓનો ગ્રેટર-લેસર હનિશ ટાપુઓ પર કબજો, લાલ સમુદ્રમાં પણ વધ્યું નિયંત્રણ; તેલ બજારમાં ફરી હલચલ

Timeછેલ્લું અપડેટ : 15 Sept 2026
લાઇવ ટીવીGoogle News
હૂતી વિદ્રોહીઓનો ગ્રેટર-લેસર હનિશ ટાપુઓ પર કબજો, લાલ સમુદ્રમાં પણ વધ્યું નિયંત્રણ; તેલ બજારમાં ફરી હલચલ
સોર્સ : gstv

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે યમનના ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ દક્ષિણ લાલ સમુદ્રમાં આવેલા ગ્રેટર હનિશ અને લેસર હનિશ જેવા વ્યૂહાત્મક ટાપુઓ પર કબજો કર્યો હોવાના અહેવાલ છે. આ ઘટનાથી બાબ અલ-મંદેબ જળમાર્ગ (Strait) આસપાસ હૂતી વિદ્રોહીઓની વધતી સક્રિયતા સામે ચિંતા વધી છે. આ વિસ્તાર વૈશ્વિક દરિયાઈ વેપાર અને તેલ પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

App Store

તેલના ભાવમાં ફરી વધારો

હૂતી હુમલાઓ અને સાઉદી અરેબિયાના માળખાકીય વિસ્તારો પર થયેલા નવા હુમલાઓના અહેવાલ વચ્ચે સોમવારે ક્રૂડ ઓઈલના ભાવમાં ત્રણ ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. જોકે, બાદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન સાથે સમજૂતીના પ્રયાસો અને રશિયા-યુક્રેન વચ્ચે ઊર્જા મથકો પર હુમલા ન કરવાની સંમતિના દાવા બાદ ભાવમાં થોડી નરમાઈ જોવા મળી હતી.

મંગળવારે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ (Brent Crude Futures) એક ટકાથી વધુ વધીને પ્રતિ બેરલ આશરે 107 ડોલર સુધી પહોંચ્યું હતું. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધુ ફેલાવાની આશંકા વચ્ચે વૈશ્વિક તેલ પુરવઠા (Global Oil Supply) પર તેની અસર અંગે ચિંતા વધી રહી છે.

હનિશ ટાપુઓનું વ્યૂહાત્મક મહત્વ

ગ્રેટર હનિશ અને લેસર હનિશ પર કબજો બાબ અલ-મંદેબ જળમાર્ગની આસપાસ હૂતી વિદ્રોહીઓની સ્થિતિ વધુ મજબૂત કરી શકે છે. બાબ અલ-મંદેબ લાલ સમુદ્રને એડનના અખાત સાથે જોડતો મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. આ માર્ગ પરથી મોટી સંખ્યામાં માલવાહક જહાજો અને ઊર્જા ઉત્પાદનોની અવરજવર થાય છે.

યાનબૂ બંદર પર મર્યાદિત જથ્થો

અહેવાલ અનુસાર, સાઉદી અરેબિયાની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન અસ્થાયી રીતે બંધ થવાને કારણે લાલ સમુદ્રના યાનબૂ બંદર પર માત્ર પાંચથી સાત દિવસના નિકાસ માટે પૂરતો તેલનો જથ્થો હોવાનું ઉદ્યોગ સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું છે. જો પુરવઠામાં વધુ વિક્ષેપ સર્જાય તો આંતરરાષ્ટ્રીય બજારમાં તેની સીધી અસર જોવા મળી શકે છે.

હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના ખમીસ મુશૈત વિસ્તારમાં આવેલા સૈન્ય હવાઈ મથક પર અનેક મિસાઈલો અને ડ્રોનથી હુમલો કરવાનો દાવો પણ કર્યો છે.

ઈરાન સાથે સમજૂતીના સંકેત

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સમજૂતીની શક્યતાના સંકેત આપ્યા છે. તેમણે દાવો કર્યો કે ઈરાન અમેરિકા સાથે વહેલી તકે સમજૂતી કરવા માંગે છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધતો હોવાને કારણે આ પ્રકારની રાજદ્વારી પહેલથી વૈશ્વિક તેલ બજારને થોડી રાહત મળવાની શક્યતા છે.

રશિયા-યુક્રેન વચ્ચે પણ મહત્વનો દાવો

ટ્રમ્પે વધુમાં દાવો કર્યો કે રશિયા અને યુક્રેન એકબીજાના ઊર્જા મથકો પર હુમલા નહીં કરવાની સંમતિ પર પહોંચ્યા છે. તેમના જણાવ્યા મુજબ, રિફાઈનરીઓ પર થતા હુમલાને કારણે ડીઝલના ભાવમાં મોટો વધારો થયો છે. જો બંને દેશો વચ્ચે ઊર્જા માળખા પર હુમલા અટકે તો ઈંધણના વૈશ્વિક પુરવઠા પરનું દબાણ ઘટી શકે છે.

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધુ ન ફેલાય અને લાલ સમુદ્રના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો સુરક્ષિત રહે તે હવે વૈશ્વિક અર્થતંત્ર માટે મોટો પડકાર બની રહ્યો છે.