મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

મોંઘવારી, બેરોજગારી મુદ્દે યુરોપમાં જનાક્રોશનો જ્વાળામુખી ભભૂક્યો

મોંઘવારી, બેરોજગારી મુદ્દે યુરોપમાં જનાક્રોશનો જ્વાળામુખી ભભૂક્યો
આ સમાચાર સાંભળો

આલ્બેનિયામાં પરિસ્થિતિ અત્યંત સ્ફોટક બની છે. તેની રાજધાની તિરાનામાં સરકાર વિરોધી આંદોલન સતત પાંચમા દિવસે વધુ ઉગ્ર બન્યું હતું. વિરોધ પક્ષો અને આમ જનતા ભ્રષ્ટાચારના આરોપો હેઠળ વડાપ્રધાન એડી રામાના તાત્કાલિક રાજીનામાની માંગ કરી રહ્યા છે. સરકારી તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર, યુવાનોમાં સતત વધી રહેલી બેરોજગારી અને કથળતી શિક્ષણ વ્યવસ્થા પ્રત્યેની ભારે નારાજગી મુખ્ય પરિબળ છે ઃ ઇટાલીની આર્થિક રાજધાની ગણાતા મિલાન શહેરમાં પણ આર્થિક સંકટ, વૈશ્વિક યુદ્ધો અને મોંઘવારી વિરુદ્ધ કાઢવામાં આવેલી કૂચ જોતજોતામાં હિંસક તોફાનોમાં ફેરવાઈ ગઈ હતી. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ હિંસાની આકરા શબ્દોમાં નિંદા કરતાં જણાવ્યું હતું કે, લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ કરવો એ દરેક નાગરિકનો અધિકાર છે, પરંતુ જાહેર કે ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવું સ્વીકાર્ય નથી ઃ જો યુરોપના દેશો સમયસર પોતાના નાગરિકોની આર્થિક મુશ્કેલીઓને હળવી કરવા માટે નક્કર પગલાં નહીં ભરે, તો આ પ્રકારના આંદોલનો માત્ર કાયદો-વ્યવસ્થાની કટોકટી પૂરતા સીમિત ન રહેતાં સમગ્ર ખંડની રાજકીય સ્થિરતાને પણ જોખમમાં મૂકી શકે છે


સમગ્ર યુરોપ હાલના સમયમાં આર્થિક અને સામાજિક અસ્થિરતાના અત્યંત ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. ફુગાવો, સતત કમરતોડ વધતી જતી મોંઘવારી, યુવાનોમાં વધતી બેરોજગારી, રહેણાંક મકાનોની આસમાને પહોંચેલી કિંમતો તેમજ સરકારી જાહેર સેવાઓની કથળતી સ્થિતિને કારણે સામાન્ય પ્રજાનો રોષ હવે રસ્તાઓ પર ઉતરી આવ્યો છે. તાજેતરમાં ફ્રાન્સ, આલ્બેનિયા, ઇટાલી, પોર્ટુગલ અને બેલ્જિયમ જેવા પાંચ મુખ્ય દેશોમાં એકસાથે વિશાળ જનઆંદોલનો અને દેખાવો જોવા મળી રહ્યા છે. જોકે કેટલાક વિસ્તારોમાં આ કૂચ શાંતિપૂર્ણ રહી હતી, પરંતુ મોટાભાગના અગ્રણી ઔદ્યોગિક અને ઐતિહાસિક શહેરોમાં દેખાવકારો અને સુરક્ષા દળો વચ્ચે ઉગ્ર અને હિંસક અથડામણો સર્જાઈ હતી. વિરોધ પ્રદર્શનની આડમાં અસામાજિક તત્ત્વો દ્વારા સ્થાનિક દુકાનો, શોપિંગ મોલ્સ અને વ્યવસાયિક કેન્દ્રોમાં કરવામાં આવેલી લૂંટફાટ તથા તોડફોડને પગલે સમગ્ર યુરોપની સુરક્ષા વ્યવસ્થા સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે.


ફ્રાન્સથી લઈને ઇટાલી સુધીના બજારોમાં લૂંટફાટની ઘટનાઓ, સરકારી ઈમારતો પર હુમલા અને વાહનોને આગ ચાંપવાના દ્રશ્યોએ સ્થાનિક વહીવટી તંત્રોને હચમચાવી મૂક્યા છે. આલ્બેનિયામાં વડાપ્રધાનના રાજીનામાની માંગ સાથે સતત પાંચમા દિવસે હિંસક અથડામણો નોંધાઈ છે, જ્યારે ફ્રાન્સમાં લાખો નાગરિકો જીવનનિર્વાહના અસહ્ય ખર્ચ અને સામાજિક સુરક્ષામાં કાપ સામે એકજૂથ થઈને બહાર આવ્યા છે. યુરોપિયન ખંડમાં ફેલાતી આ વ્યાપક અશાંતિ અને કાયદો-વ્યવસ્થાની કટોકટીએ ત્યાંની લોકશાહી સરકારો સામે અત્યાર સુધીનું સૌથી જટિલ આર્થિક અને શાસકીય પડકાર ઊભો કરી દીધો છે.


જાણકારોના મતે, ફ્રાન્સના વિવિધ શહેરોમાં ફાટી નીકળેલી હિંસા અને આગજનીએ રાષ્ટ્રીય કટોકટી જેવું વાતાવરણ ઊભું કર્યું છે. સરકારી આંકડા અને મજૂર સંગઠનો વચ્ચે દેખાવકારોની સંખ્યાને લઈને મોટો તફાવત જોવા મળી રહ્યો છે. મોટાભાગના નાગરિકોએ શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ બુલંદ રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલાક કટ્ટરપંથી અને હિંસક જૂથોએ શાંત કૂચને હિંસક સ્વરૂપ આપી દીધું હતું. લિમોજ શહેરમાં પ્રદર્શનકારીઓએ સીધા સિટી હોલને આગ ચાંપી દીધી હતી, જેનાથી સરકારી દસ્તાવેજો અને ઈમારતને ભારે નુકસાન પહોંચ્યું હતું. માર્સેલી શહેરમાં આક્રોશિત ભીડ સ્થાનિક મ્યુનિસિપલ ભવનમાં બળજબરીપૂર્વક ઘૂસી ગઈ હતી અને દિવાલો પર ક્રાંતિકારી નારા લખી નાખ્યા હતા. તેવી જ રીતે લ્યોન શહેરમાં પર્યટન માહિતી કેન્દ્રને નિશાન બનાવીને સંપૂર્ણપણે બાળીને ખાખ કરી દેવામાં આવ્યું હતું.


આ ઉપરાંત ફ્રાન્સની રાજધાની પેરિસમાં સ્થિતિ વધુ બેકાબૂ બની ગઈ હતી, જ્યાં હજારોની ભીડને વિખેરવા માટે સુરક્ષા દળોએ સતત ટીયરગેસના સેલ છોડવા પડયા હતા. હિંસક તત્ત્વોએ પેરિસના મુખ્ય વ્યાપારી કેન્દ્રોને લક્ષ્ય બનાવ્યા હતા. એક વિશાળ મોલ અને શોપિંગ સેન્ટરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, બેંકોના કાચ તોડીને એટીએમ મશીનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તથા બ્રાન્ડેડ કપડાં અને મોબાઇલ ફોનની દુકાનોમાં ધોળે દિવસે ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી હતી. રસ્તાઓ પર પાર્ક કરેલી અનેક ખાનગી તથા સરકારી ગાડીઓને આગના હવાલે કરી દેવામાં આવી હતી. ફ્રાન્સના વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નૂએ કડક શબ્દોમાં ચેતવણી આપતાં સ્પષ્ટ કર્યું છે કે સરકાર કોઈપણ સંજોગોમાં હિંસા, અરાજકતા અને ઉપદ્રવીઓ સામે ઝૂકશે નહીં. તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીઓ પહેલાં કેટલાક રાજકીય પરિબળો દેશમાં અરાજકતા ફેલાવીને રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ પણ હિંસા આચરનારા તમામ અસામાજિક તત્ત્વો સામે કડક કાનૂની કાર્યવાહીની ખાતરી આપી છે. સત્તાવાર અહેવાલો મુજબ, સમગ્ર દેશમાંથી અત્યાર સુધીમાં આશરે બે હજારથી વધુ ઉપદ્રવીઓની ધરપકડ કરવામાં આવી છે.
બીજી તરફ બાલ્કન ક્ષેત્રના આલ્બેનિયામાં પણ પરિસ્થિતિ અત્યંત સ્ફોટક બની છે. તેની રાજધાની તિરાનામાં સરકાર વિરોધી આંદોલન સતત પાંચમા દિવસે વધુ ઉગ્ર બન્યું હતું. વિરોધ પક્ષો અને આમ જનતા ભ્રષ્ટાચારના આરોપો હેઠળ વડાપ્રધાન એડી રામાના તાત્કાલિક રાજીનામાની માંગ કરી રહ્યા છે. હિંસા જ્યારે હદ વટાવી ગઈ ત્યારે સ્થાનિક પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પહેલીવાર રબર બુલેટ્સનો ઉપયોગ કરવો પડયો હતો. આ સિવાય ટીયર ગેસ, વોટર કેનન અને લાઠીચાર્જ વડે ભીડને વિખેરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેના જવાબમાં પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો, પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા અને દેશી ફટાકડા ફોડીને ભયનો માહોલ બનાવ્યો હતો. તિરાનાના મુખ્ય રસ્તાઓ પર કચરાપેટીઓ અને મોટરકારોને આગ લગાવીને મોટા બેરિકેડ્સ ખડકી દેવાયા હતા જેથી પોલીસની અવરજવર રોકી શકાય.
અહેવાલો પ્રમાણે આલ્બેનિયાના આરોગ્ય મંત્રાલયે પુષ્ટિ કરી છે કે માત્ર શનિવારના સંઘર્ષમાં જ ૩૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાં ૧૮ પોલીસકર્મીઓ અને ૧૭ સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. આલ્બેનિયાના પોલીસ વડા સ્કેન્ડર હિતાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસના હિંસક તોફાનોમાં કુલ ૧૩૨ પોલીસ જવાનો ઘાયલ થયા છે અને અત્યાર સુધીમાં ૧૬૭ હિંસક પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે. આ આંદોલન પાછળ સરકારી તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર, યુવાનોમાં સતત વધી રહેલી બેરોજગારી અને કથળતી શિક્ષણ વ્યવસ્થા પ્રત્યેની ભારે નારાજગી મુખ્ય પરિબળ છે. જોકે વડાપ્રધાન એડી રામાએ રાજીનામું આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે અને આક્ષેપ કર્યો છે કે રૂઢિચુસ્ત વિપક્ષી નેતાઓ સત્તા મેળવવા માટે નિર્દોષ યુવાનોને ઉશ્કેરીને દેશમાં હિંસા ભડકાવી રહ્યા છે.


આ સિવાય ઇટાલીની આર્થિક રાજધાની ગણાતા મિલાન શહેરમાં પણ આર્થિક સંકટ, વૈશ્વિક યુદ્ધો અને મોંઘવારી વિરુદ્ધ કાઢવામાં આવેલી કૂચ જોતજોતામાં હિંસક તોફાનોમાં ફેરવાઈ ગઈ હતી. અસામાજિક તત્ત્વોએ મોઢા છુપાવીને રસ્તા પરથી પેવિંગ બ્લોક્સ અને પથ્થરો ઉખાડીને પોલીસ કાફલા પર જોરદાર પથ્થરમારો કર્યો હતો. કેટલાક ચોકો પર કામચલાઉ અવરોધો ઊભા કરી તેમાં આગ ચાંપવામાં આવી હતી અને પ્રતિષ્ઠિત વ્યાપારી પેઢીઓમાં લૂંટ ચલાવવામાં આવી હતી. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો સહારો લેવો પડયો હતો, જેના કારણે મિલાનના વિશ્વપ્રસિદ્ધ 'પિયાઝા ડેલ ડુઓમો' વિસ્તાર અને આસપાસની મોંઘી લક્ઝરી દુકાનોને તાત્કાલિક ખાલી કરાવવી પડી હતી.


સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે લૂંટારુઓ દુકાનોના શટર તોડીને કિંમતી સામાન લૂંટી રહ્યા છે. આ ઘટનાઓ સામે આવતા અમેરિકા સહિત વિશ્વભરના ઈન્ટરનેટ યુઝર્સે યુરોપની સુરક્ષા વ્યવસ્થા પર કટાક્ષ કરતા સવાલો ઉઠાવ્યા હતા કે શું અહીં બંદૂકો પર પ્રતિબંધ હોવાથી સામાન્ય દુકાનદારો આટલા અસહાય બની ગયા છે. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ હિંસાની આકરા શબ્દોમાં નિંદા કરતાં જણાવ્યું હતું કે, લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ કરવો એ દરેક નાગરિકનો અધિકાર છે, પરંતુ જાહેર કે ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવું અને શહેરોને આગના હવાલે કરવા એ કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. આ ઉપરાંત ઇટાલીના બોલોન્યા શહેરમાં પણ આવી જ હિંસક ઘટનાઓ બની હતી, જ્યાં પોલીસ દ્વારા વોટર કેનન ચલાવવામાં આવ્યા હતા અને સાત ઉપદ્રવીઓની ધરપકડ કરવામાં આવી હતી.


દક્ષિણ યુરોપના દેશ પોર્ટુગલની વાત કરીએ તો, તેની રાજધાની લિસ્બનમાં હજારો નાગરિકો આવાસ સંકટ અને વધતા જીવનનિર્વાહ ખર્ચ સામે અવાજ ઉઠાવવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોર્ટુગલમાં લોકો માટે સૌથી મોટો પડકાર રહેણાંક મકાનોની ગગનચુંબી કિંમતો બની ગઈ છે. રોઇટર્સના સત્તાવાર અહેવાલ મુજબ વર્ષ૨૦૧૭ પછી પોર્ટુગલમાં રિયલ એસ્ટેટ અને મકાનોના ભાવો બમણાથી પણ વધુ થઈ ગયા છે. વિદેશી રોકાણકારો અને પ્રવાસન ક્ષેત્રના અતિશય દબાણને કારણે સ્થાનિક સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો માટે ઘર ખરીદવું તો દૂર રહ્યું, સામાન્ય ભાડું ચૂકવવું પણ અસંભવ બની રહ્યું છે. પગાર મર્યાદિત હોવા છતાં ભાડાં અને દૈનિક ચીજવસ્તુઓના ભાવમાં થયેલા અસહ્ય વધારાથી ત્રસ્ત જનતા હવે સરકાર સામે કડક આવાસ નીતિઓની માંગણી કરી રહી છે.

આ સમાચાર શેર કરો