Video: ચીનની મદદથી પાકિસ્તાનની અવકાશમાં એન્ટ્રી

પાકિસ્તાન માટે આજનો દિવસ ઐતિહાસિક બની રહ્યો છે. પાકિસ્તાનના પ્રથમ અવકાશયાત્રી મોહમ્મદ જીશાન અલી બુધવારે સવારે ચીનની મદદથી અંતરિક્ષની સફરે રવાના થયા છે. ચીનના જિયુક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી લોંગ માર્ચ ટુ એફ રોકેટ દ્વારા તેમણે અવકાશમાં ઉડાન ભરી. ચીનના શેનઝોઉ ટવેન્ટી ફોર મિશનનો હિસ્સો બનીને જીશાન અલી ચીનના તિયાંગોંગ સ્પેસ સ્ટેશન પર જનારા પ્રથમ વિદેશી અવકાશયાત્રી પણ બની ગયા છે.મૂળ પાકિસ્તાની વાયુસેનામાં લડાકુ વિમાનના પાઇલટ રહી ચૂકેલા જીશાન અલી માટે આ સફર સરળ નહોતી. પાકિસ્તાને આ મિશન માટે જીશાન અલી અને ખુર્રમ દાઉદની પસંદગી કરી હતી. બંનેએ ચીનમાં મહિનાઓ સુધી કઠિન તાલીમ લીધી, જે બાદ જીશાનની અંતિમ પસંદગી થઈ અને ખુર્રમને બેકઅપ રાખવામાં આવ્યા. તાલીમ દરમિયાન જીશાને ઝીરો ગ્રેવિટી, સેન્ટ્રિફ્યુજ અને કટોકટીનો સામનો કરવાની પ્રેક્ટિસ કરી. જો કે જીશાનના મતે તેમના માટે સૌથી મોટો પડકાર ચીની ભાષા શીખવાનો હતો, કારણ કે સ્પેસક્રાફ્ટના તમામ સ્વિચ, સોફ્ટવેર અને તકનીકી સૂચનાઓ ચીની ભાષામાં જ છે. જીશાન અલી લગભગ એક અઠવાડિયા સુધી સ્પેસ સ્ટેશન પર રહેશે અને ત્યાં પાકિસ્તાન દ્વારા પસંદ કરાયેલા ચાર મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. ખાસ વાત એ છે કે ચીને જીશાનની ધાર્મિક માન્યતાઓનું ધ્યાન રાખતા અંતરિક્ષમાં તેમના માટે હલાલ ભોજનની પણ વિશેષ વ્યવસ્થા કરી છે.પાકિસ્તાન પાસે મનુષ્યોને અંતરિક્ષમાં મોકલવા માટે પોતાનું રોકેટ કે અવકાશયાન નથી, તેથી તેણે ચીનનો સહારો લેવો પડ્યો છે. પાકિસ્તાનના આયોજન મંત્રી અહસાન ઇકબાલે આ સિદ્ધિ બદલ જીશાન અને ખુર્રમને અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે બે હજાર બાવીસમાં પોતાનું સ્પેસ સ્ટેશન તૈયાર કરનાર ચીન હવે અન્ય દેશોને પણ ભાગીદાર બનાવી રહ્યું છે. બે હજાર ત્રીસ સુધીમાં ચંદ્ર પર માનવ મોકલવાનું લક્ષ્ય રાખનાર ચીન બે હજાર અઠયાવીસની આસપાસ પોતાના ચાંગ ઈ એઈટ મિશન દ્વારા પાકિસ્તાનમાં બનેલા એક રોવરને પણ ચંદ્રની સપાટી પર ઉતારવાની યોજના ધરાવે છે.










