એક સમયે ભારત-ચીનની અર્થવ્યવસ્થા હતી લગભગ સરખી, 1980ના દાયકામાં ભારતે ગુમાવી મોટી તક: જયશંકર

એક સમયે ભારત-ચીનની અર્થવ્યવસ્થા હતી લગભગ સરખી, 1980ના દાયકામાં ભારતે ગુમાવી મોટી તક: જયશંકર
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

ભારત અને ચીનની અર્થવ્યવસ્થા એક સમયે લગભગ સમાન સ્તરે હતી, પરંતુ આજે બંને દેશો વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે આર્થિક અંતર અંગે વાત કરતાં કહ્યું કે 1980ના દાયકામાં ભારતે એક મોટી તક ગુમાવી દીધી હતી, જ્યારે ચીને આધુનિકીકરણ કરીને ઝડપથી પ્રગતિ કરી હતી. તેમણે આ સ્થિતિ માટે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળનો ઉલ્લેખ કર્યો હતો. એક કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન જયશંકરે જણાવ્યું હતું કે, 1988માં જ્યારે રાજીવ ગાંધી ચીનની રાજધાની બેઇજિંગ ગયા હતા ત્યારે ભારત અને ચીનની અર્થવ્યવસ્થાનું કદ લગભગ એકસરખું હતું. જોકે, 1980ના દાયકામાં ચીને મોટા પાયે આધુનિકીકરણની પ્રક્રિયા શરૂ કરી હતી, જ્યારે ભારત આ તકનો લાભ ઉઠાવવામાં પાછળ રહી ગયું હતું.

ચીને આધુનિકીકરણ કર્યું, ભારત તક ગુમાવી બેઠું

જાહેરાત

જયશંકરના મતે, 1980ના દાયકામાં ચીને આર્થિક સુધારા અને આધુનિકીકરણના માર્ગે ઝડપથી આગળ વધવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ ભારત આર્થિક પરિવર્તનની એ તકનો પૂરતો લાભ લઈ શક્યું નહોતું. પરિણામે આજે બંને દેશોની આર્થિક સ્થિતિ વચ્ચે મોટું અંતર ઊભું થયું છે. 1980ના દાયકાની શરૂઆતમાં ભારત અને ચીનની કુલ GDPમાં બહુ મોટો તફાવત નહોતો. ભારતની GDP અંદાજે 186થી 200 અબજ અમેરિકી ડોલર હતી, જ્યારે ચીનની GDP લગભગ 300 અબજ અમેરિકી ડોલર આસપાસ હતી. બંને દેશોમાં ગરીબી અને મર્યાદિત આર્થિક સંસાધનો જેવી સમસ્યાઓ પણ વ્યાપક હતી.

1978થી ચીને શરૂ કર્યા હતા આર્થિક સુધારા

ચીને 1978માં તત્કાલીન નેતા ડેંગ શિયાઓપિંગના નેતૃત્વમાં આર્થિક સુધારાની શરૂઆત કરી હતી. આ દરમિયાન વિશેષ આર્થિક ક્ષેત્રો (SEZ) વિકસાવવામાં આવ્યા અને વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. બીજી તરફ, ભારતે 1991માં આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવીને મોટા પાયે બજારને વિદેશી રોકાણ અને સ્પર્ધા માટે ખોલ્યું હતું. ચીને પોતાને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને નિકાસના કેન્દ્ર તરીકે વિકસાવ્યું, જ્યારે ભારતે પાછળના વર્ષોમાં IT અને સર્વિસ સેક્ટરમાં નોંધપાત્ર પ્રગતિ કરી.

ભારત-ચીન સરહદ પર સૈન્ય ક્ષમતામાં સુધારો

જયશંકરે ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા તણાવ અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ચીન સાથે જોડાયેલી સરહદ હવે એક રીતે વધુ સક્રિય બની છે. ગલવાનની ઘટનાનો ઉલ્લેખ કરતાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, સરહદ પર પોતાની સ્થિતિ જાળવી રાખવાની અને સૈન્ય તહેનાત કરવાની ભારતની ક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમના મતે, આ ક્ષેત્રમાં ભારતે મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી છે.

1988માં રાજીવ ગાંધીની ચીન મુલાકાત કેમ મહત્ત્વપૂર્ણ હતી?

1988માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ ચીનની મુલાકાત લીધી હતી. જવાહરલાલ નેહરુ પછી ચીનની મુલાકાત લેનારા તેઓ બીજા ભારતીય વડાપ્રધાન હતા. આ સમયે સુમદોરોંગ ચુ ખીણમાં ભારત અને ચીનની સેનાઓ સામસામે હતી. આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે રાજીવ ગાંધીની મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના સંબંધોમાં આવેલી કડવાશ ઘટાડવાનો હતો. તેમની મુલાકાત બાદ બંને દેશો વચ્ચે વાતચીતના અનેક તબક્કા શરૂ થયા હતા. આ મુલાકાતને ભારત-ચીન સંબંધોમાં સુધારાની દિશામાં મહત્ત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત