Video: ઈરાની એરપોર્ટ પર મિસાઈલ હુમલાનો ભયાનક આવ્યો વીડિયો, સેકન્ડોમાં જ અગનગોળો બન્યું વિમાન

ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના સંઘર્ષના મધ્યમાંથી એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ કથિત CCTV ફૂટેજમાં દક્ષિણી ઈરાનના બુશેહર એરપોર્ટ પર ઊભેલા ઈરાન એરના 'એરબસ A319' મુસાફર વિમાન પર સીધો મિસાઈલ હુમલો થતો જોઈ શકાય છે, જેના કારણે સેકન્ડોમાં જ વિમાન આગના વિશાળ ગોળામાં ફેરવાઈ ગયું હતું.
9 મહિના જૂનો અણદેખાયો CCTV વીડિયો વાઈરલ
અહેવાલો મુજબ, આ ફૂટેજ 28 ફેબ્રુઆરી 2026 ના રોજ શરૂ થયેલા ઈરાન-અમેરિકા-ઈઝરાયલ સંઘર્ષના શરૂઆતી દિવસોનો છે. તેહરાનથી બુશેહર પહોંચીને એરપોર્ટના રનવે વિસ્તારમાં ઊભેલું 24 વર્ષ જૂનું એરબસ A319-111 વિમાન મિસાઈલ વાગતા જ જોતજોતામાં બળીને ખાખ થઈ ગયું હતું. એવિએશન સેફ્ટીના રેકોર્ડ મુજબ, આ વિમાન 3 માર્ચ 2026 ના રોજ થયેલા હુમલામાં નષ્ટ થયું હતું.
નાગરિક વિમાન પરના હુમલા અંગે સોશિયલ મીડિયા પર બહસ
24 નવેમ્બરે આ વીડિયો જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર નાગરિકો અને સિવિલિયન પ્રોપર્ટી પરના હુમલા અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. એક તરફ લોકો આ કાર્યવાહીને નિર્દોષ નાગરિકોના વિમાન પરનો ગેરકાયદેસર હુમલો ગણાવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક યુઝર્સ ઈરાન એર પર અગાઉ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) માટે ટ્રાન્સપોર્ટેશન ગતિવિધિઓ કરવાના લાગેલા આરોપોનો સંદર્ભ આપી રહ્યા છે.
યુદ્ધ દરમિયાન સૈન્ય અને વ્યૂહાત્મક ઠેકાણાં લક્ષ્ય બનાવાયાં હતાં
સંઘર્ષના એ સમયગાળા દરમિયાન અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના સૈન્ય અને વ્યૂહાત્મક ઠેકાણાંઓ જેવાં કે મિસાઈલ બેઝ, કમાન્ડ સેન્ટર અને એર ડિફેન્સ સિસ્ટમ પર સંયુક્ત હવાઈ હુમલા કર્યા હતા. ઈરાની મીડિયા અહેવાલો મુજબ તેહરાન સ્થિત મહેરાબાદ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં પણ મિસાઈલ હુમલાથી ધુમાડાના ગોટા ઉડતા જોવા મળ્યા હતા.
ઈરાને પણ કર્યો હતો જવાબી પ્રહાર
ઈઝરાયલ અને અમેરિકન દળોએ પર્સિયન ગલ્ફમાં તૈનાત યુદ્ધપોતો પરથી ટોમહોક મિસાઈલો તેમજ F-22 અને F-35 સ્ટીલ્થ ફાયટર જેટ વડે હુમલા કર્યા હતા. જેના જવાબમાં ઈરાને પણ મિસાઈલો અને શાહેદ આત્મઘાતી ડ્રોન દ્વારા ઈઝરાયેલ, અમેરિકન સૈન્ય બેઝ અને ગલ્ફ ક્ષેત્રના કેટલાક વિસ્તારોને નિશાન બનાવી જવાબી હુમલા કર્યા હતા.









