અમેરિકામાં ક્રૂઝ શિપ અને ઓઇલ ટેન્કર વચ્ચે ટક્કર, 180 લોકોનો ચમત્કારિક બચાવ

અમેરિકાના લુઇઝિયાના રાજ્યમાં ન્યૂ ઓર્લિયન્સના પોર્ટ પાસે મિસિસિપી નદીમાં શુક્રવારે મોટી જહાજ દુર્ઘટના સર્જાઈ હતી. નદીમાં ઊભેલી રિવર ક્રૂઝ શિપ સાથે એક ઓઇલ ટેન્કર જોરદાર રીતે અથડાયું હતું. ટક્કર બાદ ક્રૂઝ શિપમાં પાણી ભરાવા લાગ્યું અને અંતે તે પલટી ગઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે જહાજમાં સવાર આશરે 180 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો હતો. ન્યૂ ઓર્લિયન્સનાં મેયર હેલેના મોરેનોએ પ્રેસ કોન્ફરન્સમાં આ ઘટનાને મિસિસિપી નદી પર ચમત્કાર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે દુર્ઘટનામાં કોઈ વ્યક્તિ ગુમ થઈ નથી. જોકે, 32 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સદનસીબે કોઈની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું નથી.
ટેન્કરનું સ્ટિયરિંગ બેકાબૂ થતાં ટક્કર
પ્રાથમિક માહિતી અનુસાર, ‘એટલાન્ટિક એસ્ફાલ્ટ’ નામનું ટેન્કર કથિત રીતે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠું હતું અને ડોક પર ઊભેલી ક્રૂઝ બોટ સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે ધાતુ અને કાચના ટુકડા ચારે તરફ વેરાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ટગબોટ ઓપરેટર્સ, પોલીસ, નજીકમાં કામ કરતા મજૂરો અને બચાવકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) શરૂ કર્યું હતું. અનેક મુસાફરો અને બે પોલીસ અધિકારીઓને નદીના ઠંડા પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તે સમયે નદીના પાણીનું તાપમાન આશરે 19 ડિગ્રી સેલ્સિયસ હતું.
બચાવ કામગીરી દરમિયાન ક્રૂઝ શિપ પલટી
બચાવ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ક્રૂઝ શિપમાં પાણી ભરાવાનું પ્રમાણ વધ્યું હતું અને આખરે તે નદીમાં પલટી ગઈ હતી. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, દુર્ઘટના બાદ ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. મદદ માટે અનેક જહાજો પણ ત્યાં પહોંચી ગયા હતા. કોસ્ટ ગાર્ડનાં કેપ્ટન મેલાની બર્નમે જણાવ્યું હતું કે પ્રાથમિક રીતે ટેન્કરનું સ્ટિયરિંગ કંટ્રોલ બહાર થઈ ગયું હોવાનું જણાય છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
NTSB કરશે અકસ્માતની તપાસ
આ દુર્ઘટનાની તપાસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) દ્વારા કરવામાં આવશે. જોકે, દેશભરમાં ફ્લાઇટ્સ ખોરવાઈ જવાના કારણે તપાસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી શકી નહોતી. બીજી તરફ, ક્રૂઝ કંપનીએ રોલ કોલ કરીને તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની હાજરીની પુષ્ટિ કરી હતી. દુર્ઘટનામાં અનેક લોકોના ઓળખપત્રો, મોબાઇલ ફોન અને ચાવીઓ ખોવાઈ ગયાં હતાં. મોટાભાગના મુસાફરો અન્ય શહેરોમાંથી આવ્યા હતા. મેયરે જણાવ્યું હતું કે અસરગ્રસ્ત મુસાફરો માટે ચાર્જર, ભોજન, હોટેલ અને વાહનવ્યવસ્થાની સુવિધા કરવામાં આવી રહી છે.





