મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

જૉર્ડનના ચર્ચમાં અંતિમ સંસ્કાર દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 7નાં મોત અને 34 ઘાયલ

જૉર્ડનના ચર્ચમાં અંતિમ સંસ્કાર દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 7નાં મોત અને 34 ઘાયલ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

જૉર્ડનના કરાક શહેરમાં એક ચર્ચની અંદર અંતિમ સંસ્કાર ચાલી રહ્યો હતો ત્યારે બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતાં ભયાનક ઘટના બની હતી. આ હુમલામાં સાત લોકોનાં મોત થયાં છે, જ્યારે 34 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. હુમલાખોરો કોણ હતા અને હુમલા પાછળનું કારણ શું હતું તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. સુરક્ષા એજન્સીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદોની શોધખોળ હાથ ધરી છે.

અમ્માનથી 180 કિમી દૂર કરાકમાં હુમલો

એસોસિએટેડ પ્રેસ (AP)ના અહેવાલ અનુસાર, આ ગોળીબાર જૉર્ડનની રાજધાની અમ્માનથી લગભગ 180 કિલોમીટર દક્ષિણમાં આવેલા કરાક શહેરના ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચમાં થયો હતો. જૉર્ડન સરકારના પ્રવક્તા મોહમ્મદ અલ-મોમાનીએ મૃતકો અને ઘાયલોની સંખ્યા અંગે માહિતી આપી હતી. સ્થાનિક સરકારી ટીવી ચેનલ ‘અલ-મમલકા’ના અહેવાલ પ્રમાણે, કરાકના હમૌદ ચર્ચમાં એક વ્યક્તિના અંતિમ સંસ્કાર દરમિયાન કેટલાક બંદૂકધારીઓ વાહનમાંથી ઉતર્યા હતા અને હાજર લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. ઘટનાને પગલે ચર્ચની આસપાસ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા.

CCTVમાં કેદ થઈ હુમલાખોરોની હિલચાલ

અહેવાલો અનુસાર, સરકારી ટીવી પર પ્રસારિત CCTV ફૂટેજમાં ત્રણ શખસ ચર્ચ તરફ ગોળીબાર કરતા દેખાયા હતા. ફૂટેજમાં તેઓ ઝાડ અને નાની દીવાલની આડશ લેતા જોવા મળ્યા હતા. ત્યારબાદ તેઓ ચર્ચના પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યા હોવાનું જણાવાયું છે. અંતિમ સંસ્કારમાં હાજર રહેલા પ્રત્યક્ષદર્શી ખાલિદ બુરકાને ‘અલ-મમલકા’ને જણાવ્યું હતું કે, ત્યાં ડઝનબંધ લોકો હાજર હતા ત્યારે ઓછામાં ઓછા બે બંદૂકધારીઓએ કેટલીક મિનિટો સુધી ગોળીબાર કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, એક હુમલાખોર પાસે રાઇફલ અને બીજા પાસે પિસ્તોલ હતી.

ખ્રિસ્તી સમુદાયમાં ચિંતા, હુમલાનું કારણ અસ્પષ્ટ

કરાકમાં ખ્રિસ્તી અલ્પસંખ્યક સમુદાયની પણ વસતી છે. જોકે, અધિકારીઓએ હજુ સુધી મૃતકો અને ઘાયલો કયા સમુદાયના છે અથવા હુમલાખોરોએ ખાસ કોઈ સમુદાયને નિશાન બનાવ્યો હતો કે નહીં તે અંગે માહિતી આપી નથી. હુમલા પાછળનો હેતુ પણ સ્પષ્ટ થયો નથી. તપાસ એજન્સીઓ હુમલાખોરોની ઓળખ અને ઘટનાના સંજોગો જાણવા પ્રયાસ કરી રહી છે.

રાજા અબ્દુલ્લાએ કડક જવાબની ચેતવણી આપી

જૉર્ડનના રાજા અબ્દુલ્લાએ કરાકમાં થયેલા હુમલા અંગે કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે હુમલાનો કડક જવાબ આપવામાં આવશે. તેમણે દેશની એકતા પર ભાર મૂકતાં કહ્યું કે હિંસા દ્વારા જૉર્ડનના લોકોને વિભાજિત કરવાના પ્રયાસો સફળ નહીં થાય. જૉર્ડન સામાન્ય રીતે સ્થિર દેશ તરીકે ઓળખાય છે અને ત્યાં આ પ્રકારના હુમલા પ્રમાણમાં ઓછા થાય છે. જોકે, અધિકારીઓ અગાઉના વર્ષોમાં ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવેલા કેટલાક હુમલાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યાનું જણાવી ચૂક્યા છે. તાજેતરની ઘટનાએ દેશમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી ચિંતા ઊભી કરી છે.

આ સમાચાર શેર કરો