Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Angry over gas field attack, Trump warns Netanyahu

ગેસફિલ્ડ પર હુમલાથી નારાજ ટ્રમ્પે નેતન્યાહૂને આપી ચેતવણી, અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ખેંચાતાણ!

Timeછેલ્લું અપડેટ : 20 Mar 2026
લાઇવ ટીવીGoogle News
ગેસફિલ્ડ પર હુમલાથી નારાજ ટ્રમ્પે નેતન્યાહૂને આપી ચેતવણી, અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ખેંચાતાણ!
સોર્સ : google

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં ઈરાનના ગેસ ફિલ્ડ પર ઇઝરાયલે હુમલો કર્યા બાદ અમેરિકા-ઇઝરાયલ વચ્ચે સર્જાયેલો તણાવ ફરી એકવાર સપાટી પર આવી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ‘આ હુમલાની અમને અગાઉથી જાણ નહોતી.’ બીજી તરફ, ઇઝરાયલનો દાવો છે કે, ‘આ હુમલો કરવા માટે બંને દેશે વાતચીત કરી હતી.’ આ મુદ્દે બંને દેશના વડા વચ્ચે થયેલી શાબ્દિક ખેંચતાણ ચર્ચાને ચકડોળે ચઢી છે.

App Store

ગેસ ફિલ્ડ પર હુમલો થવા નહીં દઈએ: ટ્રમ્પ 

વિશ્વના સૌથી મોટા ગેસ ફિલ્ડ એવા ઈરાનના દક્ષિણ પાર્સ પરના હુમલા બાદ ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘અમેરિકા આ કાર્યવાહી વિશે ચોક્કસ કશું જાણતું ન હતું.’ ત્યાર પછી  તેમણે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને સીધી ચેતવણી આપતા કહ્યું કે, ‘ઈરાનના ગેસ ફિલ્ડ પર વધુ હુમલા ના થવા જોઈએ. હું તમને આવું નહીં કરવાની સલાહ આપું છું. અને હવે આવું નહીં કરતા.’ 

ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે ‘અમેરિકા અને ઇઝરાયલ સ્વતંત્ર છે, પરંતુ સારી રીતે હળીમળીને રહે છે.’

નેતેન્યાહુએ ટ્રમ્પને શું જવાબ આપ્યો? 

ઈરાનના ગેસ ક્ષેત્ર પર ઇઝરાયલે એકલા હાથે હુમલો કર્યો હોવાથી એવી ચર્ચા શરૂ થઈ છે કે ઇઝરાયલે અમેરિકાને જણાવ્યા વિના આ પગલું ભરીને અમેરિકાને વધુ આકરા સંઘર્ષમાં ખેંચવાનો પ્રયાસ કર્યો છે. આ ચર્ચાના સંદર્ભમાં નેતન્યાહૂએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ‘અમેરિકાને ઈઝરાયલ દ્વારા યુદ્ધમાં ખેંચવાના આરોપો ખોટા છે, અમેરિકાએ શું કરવું જોઈએ તે તો કોઈ પણ કહી ન શકે.’ 

નેતન્યાહૂએ સ્વીકાર્યું હતું કે ‘ટ્રમ્પે ભવિષ્યમાં હુમલા ન કરવાનું કહ્યું છે અને અમે તેનું પાલન કરીશું.’

યુદ્ધમાં અમેરિકા અને ઇઝરાયલના લક્ષ્યાંકો જુદા

યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગેબાર્ડે જણાવ્યું છે કે ‘બંને દેશોના યુદ્ધ લક્ષ્યાંકો અલગ છે. ઇઝરાયલ ઈરાની નેતૃત્વને નિષ્ક્રિય કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જ્યારે અમેરિકા ઈરાનની મિસાઇલ ક્ષમતા અને નૌકાદળનો નાશ કરવા માંગે છે.’  \

ઇઝરાયલ અમેરિકાનો ‘મિત્ર દેશ’નું રટણ 

ગેસ ફિલ્ડ પર થયેલા હુમલાના મુદ્દે અમેરિકા-ઇઝરાયલ વચ્ચે કડવાશ વધી હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે અમેરિકાના વૉર સેક્રેટરી પીટ હેગસેથે ઇઝરાયલને સૌથી નજીકનો અને ઉત્તમ મિત્ર દેશ ગણાવીને બંને દેશ વચ્ચે સર્જાયેલા મતભેદના દાવાને નકારવાનો પ્રયાસ કર્યો છે.