અમેરિકાને મળી ગયા ‘બીજા બરાક ઓબામા’? 39 વર્ષીય જોન ઓસોફ બનશે ૨૦૨૮માં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર!

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ઐતિહાસિક વિજય નોંધાવ્યા બાદ ડેમોક્રેટિક પાર્ટીના યુવા અને પ્રભાવશાળી નેતા જોન ઓસોફ (Jon Ossoff) અમેરિકન રાજકારણના નવા કેન્દ્રબિંદુ બની ગયા છે. જ્યોર્જિયા રાજ્યની સીનેટ બેઠક પર ફરી એકવાર શાનદાર વિજય મેળવીને તેમણે પોતાની સીટ જાળવી રાખી છે. ખાસ વાત એ છે કે, જ્યોર્જિયા એ જ રાજ્ય છે જ્યાં વર્ષ ૨૦૨૪ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી હતી. ટ્રમ્પના ગઢમાં જઈને મેળવેલી આ પ્રચંડ જીત બાદ રાજકીય વર્તુળોમાં જોન ઓસોફની સરખામણી પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે કરવામાં આવી રહી છે અને તેમને વર્ષ ૨૦૨૮ની પ્રેસિડેન્શિયલ રેસના મજબૂત દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે.
'એક્સિડેન્ટલ સીનેટર'થી 'ધ નેક્સ્ટ ઓબામા' સુધીની સફર
વર્ષ 2021માં જ્યારે માત્ર 33 વર્ષની ઉંમરે જોન ઓસોફ પ્રથમ વખત સેનેટમાં ચૂંટાયા ત્યારે વિશ્લેષકોએ તેમને "એક્સિડેન્ટલ સેનેટર" ગણાવ્યા હતા. પરંતુ પાંચ વર્ષ બાદ, 39 વર્ષીય ઓસોફે આ વખતે જે જોરદાર પ્રચાર કર્યો અને મતદારોને રીઝવ્યા તેણે સૌને ચોંકાવી દીધા છે. તેઓ યુકેની એક ઇન્વેસ્ટિગેટિવ ડોક્યુમેન્ટ્રી કંપનીમાં કામ કરતા પત્રકારમાંથી અમેરિકાના સૌથી ચર્ચિત યુવા નેતા બની ચૂક્યા છે.
તેમની અદભુત વક્તૃત્વ કળા, યુવા મતદારો સાથે સીધો સંવાદ અને જનતાને પ્રભાવિત કરવાની શૈલીના કારણે રાજકીય પંડિતો તેમને ‘નેક્સ્ટ ઓબામા’ તરીકે નવાજી રહ્યા છે. મિડટર્મ ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પ અને તેમના વહીવટીતંત્ર પર કરવામાં આવેલા તેમના તીખા પ્રહારો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયા હતા.
2028ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દાવેદારીની અટકળો
જોકે જોન ઓસોફે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ પદની રેસમાં ઉતરવા અંગે હાલ વિચારી રહ્યા નથી, પરંતુ મિડટર્મ ચૂંટણીમાં કોંગ્રેસના બંને ગૃહો (હાઉસ અને સીનેટ)માં ડેમોક્રેટ્સે મેળવેલી બહુમતી અને જ્યોર્જિયામાં ઓસોફની વ્યક્તિગત પકડને જોતાં પાર્ટીમાં તેમનું કદ ખુબ વધી ગયું છે. હવે અમેરિકા અને વૈશ્વિક મીડિયામાં ૨૦૨૮માં ડેમોક્રેટ્સ તરફથી વ્હાઇટ હાઉસના ભાવિ ચહેરા તરીકે જોન ઓસોફનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.







