ટ્રમ્પના 250 ફૂટ ઊંચા 'વિજય તોરણ'ના બાંધકામ પર અમેરિકન કોર્ટે લગાવી બ્રેક

ટ્રમ્પના 250 ફૂટ ઊંચા 'વિજય તોરણ'ના બાંધકામ પર અમેરિકન કોર્ટે લગાવી બ્રેક
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. વોશિંગ્ટન ડીસીમાં પ્રસ્તાવિત 250 ફૂટ (76 મીટર) ઊંચા 'ટ્રાયમ્ફલ આર્ચ' એટલે કે વિજય તોરણના બાંધકામ પર અમેરિકાની ફેડરલ કોર્ટે કામચલાઉ રોક લગાવી દીધી છે. અમેરિકન જિલ્લા ન્યાયાધીશ તાન્યા ચુટકને શુક્રવારે આદેશ આપતાં આગામી 14 દિવસ સુધી આ પ્રોજેક્ટનું કોઈપણ બાંધકામ નહીં કરવાની સૂચના આપી છે. ટ્રમ્પ પ્રશાસને ગયા સપ્તાહે આ પ્રોજેક્ટનું કામ ગુરુવારથી શરૂ થઈ શકે તેમ જણાવ્યું હતું. જોકે, કોર્ટના આદેશને કારણે હાલ બાંધકામની કામગીરી અટકી ગઈ છે.

વિરોધ છતાં કમિશને આપી હતી મંજૂરી

આ પ્રોજેક્ટને લઈને ગુરુવારે નેશનલ કેપિટલ પ્લાનિંગ કમિશન (NCPC)ની નવ કલાક લાંબી બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન અનેક લોકોએ બાંધકામનો વિરોધ કર્યો હોવા છતાં કમિશને 8-4ના મતથી પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. જોકે, અગાઉથી દાખલ કરવામાં આવેલી અનેક કાનૂની અરજીઓના પગલે કોર્ટે આ કામચલાઉ રોક લગાવી છે. ફેબ્રુઆરી મહિનામાં વિયેતનામ યુદ્ધના પૂર્વ સૈનિકોના એક જૂથે પણ આ પ્રોજેક્ટ સામે કેસ દાખલ કર્યો હતો. સૈનિકોનું કહેવું છે કે આ તોરણ આર્લિંગ્ટન નેશનલ કબ્રસ્તાન (Arlington National Cemetery) પાસે બનાવવાનું આયોજન છે. અહીં અનેક યુદ્ધવીરોને દફનાવવામાં આવ્યા છે.

જાહેરાત

લિંકન મેમોરિયલનો નજારો અવરોધાવાની આશંકા

વિરોધ કરનારાઓને આશંકા છે કે આ વિશાળ તોરણને કારણે કબ્રસ્તાન અને લિંકન મેમોરિયલ વચ્ચેનો સીધો નજારો અવરોધાઈ શકે છે. તેમના મતે આ દૃશ્ય અમેરિકાના ગૃહયુદ્ધ (Civil War) બાદ દેશની એકતા અને રાષ્ટ્રીય શક્તિનું પ્રતીક છે.

અમેરિકાની આઝાદીના 250 વર્ષ નિમિત્તે યોજના

ટ્રમ્પે ગયા વર્ષે અમેરિકાની આઝાદીના 250 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ તોરણ બનાવવાની દરખાસ્ત રજૂ કરી હતી. તેમણે તેને પેરિસના પ્રખ્યાત 'આર્ક દ ટ્રાયોમ્ફ' જેવું બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, હવે આ પ્રોજેક્ટ કાનૂની વિવાદમાં ફસાયો છે. તાજેતરમાં મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટ્સે કોંગ્રેસ પર નિયંત્રણ મેળવ્યા બાદ ટ્રમ્પની અન્ય યોજનાઓ પર પણ વધુ તપાસ અને રાજકીય પડકારો ઊભા થવાની શક્યતા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત