અમેરિકાની જનતાએ ટ્રમ્પના યુદ્ધના નિર્ણયોને નકાર્યા: ઈરાન

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના મજબૂત પ્રદર્શન બાદ ઈરાને ટ્રમ્પ સરકાર પર નિશાન સાધ્યું છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર ગાલીબાફે કહ્યું છે કે અમેરિકાની જનતાએ મોંઘવારી અને યુદ્ધની નીતિઓ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે અમેરિકન જનતાના આ નિર્ણયને શાંતિનો સંદેશ ગણાવી તેનું સમર્થન કર્યું છે. ગાલીબાફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે અમેરિકાના લોકોએ યુદ્ધ સામે 'ના' કહી દીધી છે. તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે જો અમેરિકન સરકાર પોતાના નાગરિકોના અવાજને અવગણીને ઈરાન વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે, તો તેનો જવાબ અત્યંત કડક અને ભયાનક હશે. ઈરાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે બંને દેશો વચ્ચે તણાવ યથાવત્ છે.
ટ્રમ્પે પણ હાર માટે યુદ્ધને જવાબદાર ગણાવ્યું
મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના નબળા પ્રદર્શન વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને હારનું એક કારણ ગણાવ્યું હતું. બીજી તરફ, ડેમોક્રેટ્સે કોંગ્રેસમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે અને બંને ગૃહોમાં બહુમતી મેળવવાની દિશામાં આગળ વધ્યા છે.
શું છે મિડટર્મ ચૂંટણીનાં સમીકરણો?
અમેરિકામાં 3 નવેમ્બરે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની તમામ 435 બેઠકો અને સેનેટની 35 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. અગાઉ બંને ગૃહોમાં રિપબ્લિકન પાર્ટીનું પ્રભુત્વ હતું. જોકે, આ વખતે ડેમોક્રેટ્સના પ્રદર્શને અમેરિકાની રાજનીતિમાં નવા સમીકરણો ઊભાં કર્યાં છે. આ પરિણામો ટ્રમ્પ સરકાર માટે આગામી સમયમાં રાજકીય પડકારો વધારી શકે છે. ખાસ કરીને ઈરાન સાથેના સંબંધો અને વિદેશ નીતિ પર તેની અસર જોવા મળી શકે છે.





