‘AI એલિયન જેવું છે, દુનિયા તૈયાર નથી’, બિલ ગેટ્સની ચેતવણી; કહ્યું- તમામ દેશોએ સાથે મળીને નિયંત્રણ કરવું પડશે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઝડપથી વધી રહેલા પ્રભાવ વચ્ચે માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે (Bill Gates) મોટી ચેતવણી આપી છે. ગેટ્સના જણાવ્યા મુજબ, દુનિયાની કોઈપણ સરકાર હાલમાં AIથી સમાજમાં આવનારા મોટા ફેરફારોનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી. તેમણે કહ્યું કે AIથી નોકરીઓ પર અસર થવાની સાથે સાયબર હુમલાનો (Cyber Attack) ખતરો વધી શકે છે અને લોકો AI સાથે વાતચીત કરવાના આદી પણ બની શકે છે.
સરકારોની તૈયારી AIની ઝડપ કરતાં ઓછી
રોઇટર્સને આપેલા ઇન્ટરવ્યૂમાં ગેટ્સે કહ્યું કે AI જે ઝડપે આગળ વધી રહ્યું છે, તેની સરખામણીમાં સરકારોની તૈયારી ઘણી પાછળ છે. તેમના મતે સરકારોએ માત્ર AIના ફાયદા પર ધ્યાન આપવાને બદલે તેના સંભવિત જોખમો અને સામાજિક અસરોનો સામનો કરવા માટે પણ તૈયારી કરવી જોઈએ.
AI સ્વાસ્થ્ય, શિક્ષણ અને ખેતી જેવા ક્ષેત્રોમાં મોટા ફેરફારો લાવી શકે છે. જોકે, તેની સાથે રોજગારના સ્વરૂપમાં ફેરફાર, સાયબર સુરક્ષા અને લોકોના AI પર વધતા નિર્ભરતા જેવા પડકારો પણ ઊભા થઈ શકે છે.
અમેરિકા અને ચીન વચ્ચે AIની હોડ
હાલ અમેરિકા અને ચીન વચ્ચે AI ટેક્નોલોજી (AI Technology)માં આગળ વધવાની સ્પર્ધા તેજ બની છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે AIના વિકાસને ધીમો પાડવાથી ચીનને ફાયદો થઈ શકે છે. બીજી તરફ, ગેટ્સે ચીનની AI ક્ષમતાની પ્રશંસા કરી છે.
ગેટ્સના જણાવ્યા મુજબ, અમેરિકા અને ચીન બંને પાસે વિશ્વના શ્રેષ્ઠ AI મોડલ વિકસાવવાની ક્ષમતા ધરાવતી સંસ્થાઓ છે અને બંને દેશોના શ્રેષ્ઠ AI મોડલ વચ્ચેનો તફાવત પણ બહુ મોટો નથી. તેથી AIની સ્પર્ધા હવે માત્ર ટેક્નોલોજી સુધી સીમિત નથી રહી, પરંતુ તેનો સંબંધ અર્થતંત્ર, સુરક્ષા અને વૈશ્વિક રાજકારણ સાથે પણ જોડાઈ ગયો છે.
‘AI એલિયન જેવું છે’
ગેટ્સે AIના ભવિષ્યને સમજાવવા માટે એલિયનનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે ફિલ્મોમાં જ્યારે એલિયન પૃથ્વી પર હુમલો કરે છે ત્યારે અમેરિકા, ચીન અને અન્ય દેશો પોતાના મતભેદ ભૂલીને એક થઈ જાય છે. તેમના મતે AI પણ દુનિયા માટે આવી જ સ્થિતિ ઊભી કરી શકે છે.
ગેટ્સનું માનવું છે કે AIના જોખમોને નિયંત્રિત કરવા માટે દેશોએ સાથે મળીને કામ કરવું પડશે અને યોગ્ય વૈશ્વિક નિયમો (Global Rules) બનાવવા પડશે.
AIનો ફાયદો ગરીબ દેશો સુધી પહોંચે
ગેટ્સ માત્ર AIના જોખમો અંગે જ ચિંતિત નથી. તેમનું માનવું છે કે યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો AI ગરીબ દેશો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય ક્ષેત્રે બીમારીની ઓળખ અને નવી દવાઓની શોધમાં, શિક્ષણ ક્ષેત્રે સારા શિક્ષકોની અછત પૂરી કરવામાં અને ખેતીમાં ખેડૂતોને હવામાન તથા પાક અંગે માહિતી આપવામાં AI મદદરૂપ થઈ શકે છે.
આ માટે ગેટ્સ ફાઉન્ડેશને આગામી બે વર્ષમાં ઓછામાં ઓછા 1 અબજ ડોલર એટલે કે આશરે ₹8,000 કરોડ AI સંબંધિત કામો માટે ખર્ચવાની યોજના બનાવી છે. તેનો હેતુ AIનો લાભ માત્ર અમીર દેશો અને મોટી કંપનીઓ સુધી મર્યાદિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
ગેટ્સની ચેતવણીનો મુખ્ય સંદેશ એ છે કે AIને રોકવું કદાચ સરળ ન હોય, પરંતુ તેના ઉપયોગ માટે જવાબદાર નિયમો અને આંતરરાષ્ટ્રીય સહકાર (International Cooperation) જરૂરી બનશે.

