Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 32 correct spellings in 90 seconds! Shrey Parikh played India's dunko in America

VIDEO/ 90 સેકન્ડમાં 32 સાચા સ્પેલિંગ! શ્રેય પરીખે અમેરિકામાં વગાડ્યો ભારતનો ડંકો

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : twitter

Shrey Parikh Spelling Champion: અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સ્પર્ધાઓમાંની એક એવી ‘સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી 2026’ (Scripps National Spelling Bee 2026) આ વર્ષે ભારે રોમાંચક અને નાટકીય વળાંકોથી ભરપૂર રહી. વોશિંગ્ટન ડીસીના ડીએઆર કોન્સ્ટિટ્યુશન હોલમાં યોજાયેલી આ સ્પર્ધામાં કેલિફોર્નિયાના રેન્ચો કુકામોંગા શહેરના 14 વર્ષીય કિશોર શ્રેય પરીખે પોતાના અસાધારણ જ્ઞાન અને અડગ આત્મવિશ્વાસના જોરે વિજેતાનો તાજ મેળવ્યો છે. એક સમયે નાની સ્કૂલ કક્ષાની સ્પર્ધામાં હારી જનાર આ બાળકે રાષ્ટ્રીય સ્તરે જે રીતે વાપસી કરી છે, જે પ્રેરણાદાયી છે. આ સાથે જ, આ પ્રતિષ્ઠિત મંચ પર ભારતીય મૂળના સ્પેલર્સનો દબદબો પણ અકબંધ રહ્યો છે, કેમ કે છેલ્લા 37 વર્ષમાં આ સ્પર્ધામાં વિજેતા બનનાર 31 ચેમ્પિયન ભારતીય મૂળના છે.

App Store

સ્પેલ-ઓફ રાઉન્ડ: 90 સેકન્ડનો નવો રેકોર્ડ

આ વર્ષની ફાઇનલ અતિશય રોમાંચક રહી હતી. જ્યારે ફાઇનલિસ્ટ ઇશાન ગુપ્તા અને શ્રેય પરીખ વચ્ચે ટાઈ થઈ, ત્યારે વિજેતા નક્કી કરવા માટે ‘સ્પેલ-ઓફ’ (ટાઇબ્રેકર) રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. આ રેપિડ-ફાયર રાઉન્ડમાં બંને સ્પર્ધકો પાસે માત્ર 90 સેકન્ડનો સમય હતો, જેમાં તેમણે બને તેટલા વધુ સ્પેલિંગના સાચા જવાબ આપવાના હતા. 

જો કે, આ રાઉન્ડની શરૂઆતમાં બઝરમાં ટેકનિકલ ખામી સર્જાતા શ્રેયને 5 મિનિટ સુધી સ્ટેજ પર નર્વસ થઈને રાહ જોવી પડી હતી. પરંતુ ખામી સુધર્યા બાદ શ્રેયે ધમાકેદાર પ્રદર્શન કર્યું. તેણે 90 સેકન્ડમાં 32 સ્પેલિંગના સાચા જવાબ આપ્યા, જે 2022માં શરૂ થયેલા આ શૂટઆઉટ ફોર્મેટનો અત્યાર સુધીનો સર્વોચ્ચ રેકોર્ડ છે. રનર-અપ ઇશાન ગુપ્તાએ પણ સખત લડત આપીને 25 સાચા શબ્દો કહ્યા હતા. શ્રેયને વિજેતા બનાવનારો છેલ્લો શબ્દ ‘Bromocriptine’ (બ્રોમોક્રિપ્ટિન – એક પોલિપેપ્ટાઇડ આલ્કલોઇડ) હતો.

શ્રેય પરીખને ઇનામોનો વરસાદ

આ ભવ્ય જીત સાથે શ્રેય પરીખ પર ભેટ-સોગાદો અને રોકડ પુરસ્કારોનો વરસાદ થયો છે. તેને મળેલા મુખ્ય ઇનામો આ મુજબ છે.

- અન્ય ભેટ: એક કસ્ટમ ટ્રોફી અને મેડલ 

- રોકડ પુરસ્કાર: સ્પર્ધામાં જીત બદલ 50,000 ડૉલર અને મરિયમ વેબસ્ટર ડિક્શનરી તરફથી 2,500 ડૉલર થઈ રૂ. 50 લાખથી વધુ 

- સંદર્ભ સાહિત્ય: એનસાયક્લોપીડિયા બ્રિટાનિકા અને મરિયમ-વેબસ્ટરના અમૂલ્ય સંદર્ભ ગ્રંથો

- ફ્લાઇટ ક્રેડિટ: ડેલ્ટા એરલાઇન્સ તરફથી 1,000 પાઉન્ડ (અંદાજે 1.28 લાખ રૂપિયા) ની ફ્લાઇટ ક્રેડિટ

ભૂતકાળની હારમાંથી મેળવી શીખ

ડે ક્રિક ઇન્ટરમીડિયેટ સ્કૂલમાં ભણતો 14 વર્ષનો શ્રેય અગાઉ 2022માં આ સ્પર્ધામાં 89મા ક્રમે અને 2024માં ત્રીજા ક્રમે રહ્યો હતો. પરંતુ ગયા વર્ષે તે પોતાની સ્કૂલ લેવલની સ્પર્ધામાં પ્રમાણમાં સરળ એવા ‘Calipers’ શબ્દમાં ભૂલ કરવાને કારણે સ્પર્ધાની બહાર થઈ ગયો હતો. એ સમયે તેને તાવ હોવાથી તે ખૂબ જ અસ્વસ્થ અને હતાશ હતો. પરંતુ એ નિષ્ફળતાથી હિંમત હારી જવાને બદલે તેણે જોરદાર કમબેક કર્યું.

તેના કોચ સોહુમ સુખાતંકર (2019ના સહ-ચેમ્પિયન)ના જણાવ્યા મુજબ, શ્રેય પોતાની ભૂલોમાંથી શીખવામાં માહિર છે. તે પોતાની ઓનલાઈન સ્પર્ધાઓમાં જે પણ શબ્દ ચૂકતો, તેનું ઊંડું વિશ્લેષણ કરતો કે ભૂલ ક્યાં થઈ. તેના અન્ય કોચ સેમ ઇવાન્સના મતે શ્રેયની મહેનત અવિરત અને અજોડ છે.

બહુમુખી પ્રતિભા ધરાવતો શ્રેય પરીખ ઑલરાઉન્ડર

શ્રેય માત્ર સ્પેલિંગ ગોખવામાં જ હોશિયાર નથી, પરંતુ તે એક ઑલરાઉન્ડર છે. તેને ટેનિસ રમવું, વાંચન કરવું, ગણિતના કોયડા ઉકેલવા અને ચેસ રમવું ખૂબ ગમે છે. આ ઉપરાંત તે સ્કૂલ બેન્ડમાં એક પર્ક્યુશનિસ્ટ (વાજિંત્ર વગાડનાર) તરીકે પણ સક્રિય છે.

સ્પેલિંગ બી પર ભારતીય મૂળના બાળકોનું વર્ચસ્વ

શ્રેય પરીખની આ જીત અમેરિકામાં ભારતીય સમુદાયના શૈક્ષણિક પ્રભુત્વને ફરી એકવાર સાબિત કરે છે. છેલ્લા 37 વર્ષના ચેમ્પિયન્સમાંથી 31 ચેમ્પિયન ભારતીય મૂળના છે. આ સિલસિલો વર્ષ 1999માં નુપુર લાલાની જીતથી શરૂ થયો હતો જે આજે પણ અકબંધ છે. નિષ્ણાતોના મતે, ભારતીય-અમેરિકન પરિવારોમાં બાળકોના શિક્ષણ પર અપાતો વિશેષ ભાર આ અસાધારણ પરિણામો પાછળનું મુખ્ય કારણ છે. વર્ષ 2019ની સ્પર્ધા તો એ હદે ઐતિહાસિક હતી કે તેમાં 8 સહ-વિજેતાઓ જાહેર કરાયા હતા, જેમાંથી 6 બાળકો ભારતીય મૂળના હતા.

આ વર્ષની સ્પર્ધાની ખાસિયતો

આ વર્ષે સ્પર્ધાનું આયોજન એક દાયકા પછી ફરીથી વોશિંગ્ટન ડીસીના હાર્દ સમાન કોન્સ્ટિટ્યુશન હોલમાં કરાયું હતું, જેને દર્શકોનો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો. આ વૈશ્વિક સ્તરની સ્પર્ધામાં અમેરિકાના 50 રાજ્યો, કોલંબિયા ડિસ્ટ્રિક્ટ, 3 યુએસ ટેરિટરીઝ ઉપરાંત કેનેડા, બહામાસ, ઘાના, નાઈજીરિયા અને યુએઇ સહિત 5 અન્ય દેશોના કુલ 247 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કપરા અને વિશાળ શૈક્ષણિક મહાકુંભમાં તમામ મુશ્કેલીઓ, માનસિક દબાણ અને ટેકનિકલ ખામીઓ સામે લડીને શ્રેય પરીખે મેળવેલો વિજય ખરેખર અનન્ય અને સરાહનીય છે.