મુખ્ય સામગ્રી પર જાઓ
વીડિયો

VIDEO: દુનિયામાં અનેક પ્રકારની ધાતુઓ હોવા છતાં શા માટે સોનું-ચાંદી જ સદાબહાર છે? જાણો તેનું કારણ

Why gold and silver are valuable: દુનિયામાં લોખંડ, તાંબ

તસવીર: GSTV

Why gold and silver are valuable: દુનિયામાં લોખંડ, તાંબુ અને એલ્યુમિનિયમ જેવી અંદાજે 95 ધાતુઓ હોવા છતાં, હજારો વર્ષોથી માનવ સભ્યતામાં સોના અને ચાંદીનું સ્થાન અતુલ્ય રહ્યું છે. ઇજિપ્ત, રોમ, ભારત અને ચીન જેવી પ્રાચીન સંસ્કૃતિઓથી લઈને આજના આધુનિક યુગ સુધી, આ બે ધાતુઓ માત્ર સુંદરતા જ નહીં પણ સંપત્તિનું પણ પ્રતીક ગણાય છે. 

ક્યારેય નષ્ટ ન થતી 'નોબલ મેટલ્સ'

આજે પણ લગ્નપ્રસંગો હોય કે રોકાણ, સોના-ચાંદીની માંગ સૌથી વધુ રહે છે. તેની લોકપ્રિયતા પાછળનું સૌથી મોટું કારણ તેની 'રાસાયણિક સ્થિરતા' છે. સોનું અને ચાંદી 'નોબલ મેટલ્સ' ગણાય છે, જેનો અર્થ છે કે તે હવા, પાણી કે ભેજ સાથે પ્રતિક્રિયા કરીને ખરાબ થતા નથી. જ્યાં લોખંડને કાટ લાગે છે અને તાંબુ લીલું પડી જાય છે, ત્યાં સોનું હજારો વર્ષો પછી પણ તેટલું જ ચમકદાર રહે છે.

કુદરતી શુદ્ધતા અને પ્રક્રિયામાં સરળતા

પ્રાચીન સમયમાં જ્યારે ધાતુ ઓગાળવાની આધુનિક ટેકનોલોજી નહોતી, ત્યારે સોનું અને ચાંદી ઘણીવાર નદીઓ કે ખડકોમાં શુદ્ધ સ્વરૂપે મળી આવતા હતા. તેને માત્ર હથોડાથી ટીપીને ઈચ્છિત આકાર આપી શકાતો હતો. ઈતિહાસ મુજબ, ઈ.સ. પૂર્વે 5000-6000ના સમયથી સોનાનો ઉપયોગ શરૂ થયો હોવાના પુરાવા મળે છે. 

સોનાની નરમાશ(Malleability) એટલી અદભૂત છે કે માત્ર 1 ગ્રામ સોનાને ટીપીને 1 ચોરસ મીટર જેટલી પાતળી શીટ બનાવી શકાય છે. આ જ કારણ છે કે પ્રાચીન કાળમાં જ્યારે રાજા-મહારાજાઓના મૃતદેહો સાથે દાગીના દફનાવવામાં આવતા, ત્યારે સદીઓ પછી પણ તે દાગીના તેટલી જ ચમક સાથે મળી આવતા હતા.

ચલણ અને રોકાણનું પણ શ્રેષ્ઠ માધ્યમ

સોનું અને ચાંદી દુર્લભ છે, પણ એટલા પણ નથી કે તે મળી જ ના શકે. આ સંતુલનને કારણે તે મજબૂત કરન્સી તરીકે ઉભરી આવ્યા. ઈ.સ. પૂર્વે 600માં આધુનિક તૂર્કીયેમાં સોના-ચાંદીના પ્રથમ સિક્કા બન્યા હતા. ભારતમાં પણ પ્રાચીન સમયથી 'રૂપ્ય'(ચાંદી) અને 'હિરણ્ય'(સોનું)નો ઉપયોગ થતો રહ્યો છે. 

આ ધાતુઓ ટકાઉ છે, નાના ટુકડાઓમાં વહેંચી શકાય છે અને તેને ઓળખવી સરળ હોવાથી તે નકલી બનાવવી મુશ્કેલ છે. આજે પણ ભારત જેવા દેશમાં વાર્ષિક 600-800 ટન સોનું માત્ર દાગીનામાં વપરાય છે, કારણ કે તે મુશ્કેલીના સમયમાં સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે.

આધુનિક ટેકનોલોજીમાં અનિવાર્યતા

માત્ર દાગીના જ નહીં, પરંતુ વિજ્ઞાન અને ઉદ્યોગોમાં પણ આ બંને ધાતુઓ અનિવાર્ય છે. ચાંદી એ વીજળી અને ગરમીની શ્રેષ્ઠ વાહક હોવાથી ઇલેક્ટ્રોનિક્સ, સોલર પેનલ અને બેટરીમાં વપરાય છે. જ્યારે સોનું કાટ ન લાગવાના ગુણને કારણે અવકાશયાન(Spacecraft), ટેલિફોન કનેક્ટર્સ અને ડેન્ટિસ્ટ્રીમાં વપરાય છે. આમ, સોનું અને ચાંદી એ માત્ર ધાતુના ટુકડા નથી, પરંતુ વિજ્ઞાન, કુદરત અને માનવ ઇતિહાસનું એક અદભૂત મિશ્રણ છે, જેની ચમક હજારો વર્ષો પછી પણ ક્યારેય ઓછી થવાની નથી.

આ સમાચાર શેર કરો