VIDEO: બાફેલા ઈંડાને ફોડ્યું, તો અચાનક વિસ્ફોટ થયો...વિશ્વાસ ના હોય તો જાતે જ જોઈ લ્યો
રસોડામાં કરવામાં આવેલી નાનકડી ભૂલ ક્યારેક ખતરનાક પરિણામો આપી શકે છે. સોશિયલ મીડિયા પર તાજેતરમ

રસોડામાં કરવામાં આવેલી નાનકડી ભૂલ ક્યારેક ખતરનાક પરિણામો આપી શકે છે. સોશિયલ મીડિયા પર તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોએ આ ખતરાને ફરીથી ચર્ચામાં લાવી દીધો છે. ક્લિપમાં એક મહિલાએ બાફેલા ઈંડાને માઇક્રોવેવમાં બીજીવાર ગરમ કર્યું, પરંતુ જેવું તેણે ઈંડાને બહાર કાઢીને છરીથી કાપ્યું, ઈંડું અચાનક ધડાકા સાથે ફૂટ્યું. તેમાંથી નીકળેલી વરાળ સીધી મહિલાના ચહેરા અને આંખો પર લાગી અને તે દાઝી ગઈ. આ કોઈ સંયોગ નહોતું, પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણો છે.
વિજ્ઞાન શું કહે છે?
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જ્યારે બાફેલા ઈંડાને માઇક્રોવેવમાં ગરમ કરવામાં આવે છે, ત્યારે ઈંડાની અંદર રહેલું પાણી અને હવા ઝડપથી ગરમ થઈને વરાળ બનાવે છે. માઇક્રોવેવ પાણીના અણુઓને ખૂબ ઝડપથી ગરમ કરે છે, પરંતુ ઈંડાનું ફોતરું આ વરાળને બહાર નીકળવા દેતું નથી.
આથી ઈંડાની અંદર દબાણ વધતું જાય છે, અને જેવું ઈંડાને કાપવામાં આવે છે, આ દબાણ અચાનક બહાર નીકળે છે અને ઈંડું ધડાકા સાથે ફાટી જાય છે.
શું થઈ શકે છે નુકસાન?
અમેરિકન એકેડમી ઓફ ઓપ્થેલ્મોલોજીના જણાવ્યા મુજબ, આવા ધડાકામાંથી નીકળતી વરાળ અને ગરમીથી આંખોની કોર્નિયા દાઝી શકે છે, જેનાથી કાયમી નુકસાન કે દૃષ્ટિ પર અસર થઈ શકે છે. ચહેરા અને હાથ પર પણ ગંભીર દાઝી શકે છે.
આ ભૂલ વારંવાર કેમ થાય છે?
ઘણા લોકો બાફેલા ઈંડાને માઇક્રોવેવમાં ગરમ કરીને તરત જ ખાવાનો પ્રયાસ કરે છે. તેમને લાગે છે કે ઈંડું સુરક્ષિત રહેશે, પરંતુ વાસ્તવમાં આ એક ખતરનાક આદત છે. આ જ કારણે ઘણી વખત વિશ્વભરમાં આવા અકસ્માતો થયા છે અને વીડિયો પણ વાયરલ થાય છે. નિષ્ણાતો આ અંગે સલાહ આપે છે કે જો બાફેલું ઈંડું ગરમ કરવું હોય તો તેને માઇક્રોવેવમાં ન મૂકો. તેના બદલે ગરમ પાણીમાં નાખીને ફરીથી ગરમ કરો.








