VIDEO: રસ્તા પર વૃદ્ધ મહિલાને ડરાવી, પોલીસે કરી રોબોટની ધરપકડ; ઘટનાનો વીડિયો થયો વાયરલ
સામાન્ય રીતે આપણે સાંભળ્યું હોય છે કે કોઈને ડરાવવા-ધમકાવવા કે મારપીટ કરવાના આરોપમાં માણસોની ધરપકડ


સામાન્ય રીતે આપણે સાંભળ્યું હોય છે કે કોઈને ડરાવવા-ધમકાવવા કે મારપીટ કરવાના આરોપમાં માણસોની ધરપકડ કરવામાં આવે છે, પરંતુ કોઈ રોબોટ પર આવો આરોપ લાગે અને તેની ધરપકડ કરવામાં આવે, એવું કદાચ તમે ક્યારેય સાંભળ્યું કે જોયું નહીં હોય. જી હા, આવી જ એક ઘટના અત્યારે ખૂબ ચર્ચામાં છે, જેણે સૌને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં, ચીનમાં એક વૃદ્ધ મહિલાને ડરાવવાના આરોપમાં એક 'હ્યુમનૉઇડ રોબોટ'ને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ પ્રકારનો કદાચ આ પહેલો કિસ્સો છે, જેણે લોકોને વિચારતા કરી દીધા છે કે શું આવનારા સમયમાં રોબોટ પણ લોકોને ડરાવશે અને શું તેમની પણ ધરપકડ થશે?
આ ચોંકાવનારી ઘટના ગયા અઠવાડિયે મકાઉ શહેરમાં બની હતી, જેમાં 70 વર્ષીય મહિલા 4 ફૂટ 4 ઇંચના રોબોટ સાથે સામસામે આવી જતાં ગભરાઈ ગઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. ત્યારબાદ બે પોલીસ કર્મચારીઓ તે હ્યુમનૉઇડ રોબોટને ત્યાંથી લઈ ગયા. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, પોલીસકર્મીઓએ તે વ્યક્તિને સખત ઠપકો આપ્યો જે દૂરથી રોબોટને કંટ્રોલ કરી રહ્યો હતો.
રોબોટ પર ભડકી મહિલા
આ વિચિત્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહિલા રોબોટ પર બૂમો પાડતી જોઈ શકાય છે. એક અહેવાલ મુજબ, મહિલાએ કેન્ટોનીઝ ભાષામાં ગુસ્સામાં રોબોટને કહ્યું કે, "તું મારા હૃદયના ધબકારા વધારી રહ્યો છે! તારે કરવા માટે ઘણું કામ છે, તો આ બધમાં પડવાનો શું અર્થ છે? શું તું પાગલ થઈ ગયો છે?".
મહિલાને હોસ્પિટલ જવું પડ્યું
અહેવાલ મુજબ, મહિલા રસ્તા પર ચાલતી વખતે પોતાના મોબાઈલ ફોનમાં જોઈ રહી હતી, ત્યારે તેને અહેસાસ થયો કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. ચોંકીને જ્યારે તેણે પાછળ વળીને જોયું તો તેને રોબોટ દેખાયો. વીડિયો ફૂટેજમાં જ્યારે મહિલા રોબોટને વઢી રહી હતી ત્યારે રોબોટ બંને હાથ ઊંચા કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં આગળ બે પોલીસ અધિકારીઓ રોબોટને રસ્તા પરથી લઈ જતા દેખાય છે. જોકે મહિલા અને રોબોટ વચ્ચે કોઈ શારીરિક સંપર્ક થયો નહોતો, તેમ છતાં મહિલા એટલી ડરી ગઈ હતી કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી, જ્યાં તેની તપાસ કરવામાં આવી અને ત્યારબાદ રજા આપવામાં આવી.
પોલીસે રોબોટના માલિકને આપી ચેતવણી
જણાવવામાં આવી રહ્યું છે કે આ રોબોટ મકાઉના એક એજ્યુકેશન સેન્ટરનો છે અને વિસ્તારમાં 'પ્રચાર સંબંધી પ્રવૃત્તિઓ' કરી રહ્યો હતો. આ રોબોટને એક 50 વર્ષનો માણસ રિમોટથી ઓપરેટ કરી રહ્યો હતો, જેણે પોલીસને જણાવ્યું કે તે રોબોટના સંચાલનમાં વધુ સુધારો કરવા માટે તેનું ટેસ્ટિંગ કરી રહ્યો હતો. ત્યારબાદ પોલીસ અધિકારીઓએ તેને પદયાત્રીઓને જોખમમાં મૂકવા અથવા ડરાવવા બાબતે વધુ સાવધ રહેવાની ચેતવણી આપી અને પછી છોડી દીધો.






