લ્યો બોલો! ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવામાં ખર્ચાઈ ગયા 6 લાખ, જાણો શું છે સમગ્ર મામલો?

ભારતમાં તો ગાડીને બે-ચાર આંટા આગળ-પાછળ કરીને સરળતાથી ડ્રાઇવિંગ લાયસન્સ મળી જાય છે, પરંતુ વિદેશમાં આ કોઈ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. નોર્વેમાં રહેતા એક ભારતીય વ્યક્તિ વિનોદને ત્યાં લાયસન્સ મેળવવા માટે પૂરા બે વર્ષ સુધી ભારે મહેનત કરવી પડી અને ખિસ્સામાંથી અંદાજે ૬ લાખ રૂપિયા (આજના સમયમાં જેનું મૂલ્ય ૧૦ લાખથી પણ વધુ છે) ખર્ચવા પડ્યા. સોશિયલ મીડિયા પર તેમનો આ કિસ્સો વાયરલ થઈ રહ્યો છે, જેના પર લોકો જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
વર્ષ ૨૦૧૧માં નોર્વે શિફ્ટ થયેલા વિનોદને જલદી જ સમજાઈ ગયું કે ત્યાંની કડકડતી ઠંડી, હિમવર્ષા અને ખતરનાક પહાડી રસ્તાઓ પર ટકી રહેવું હોય તો ડ્રાઇવિંગ આવડવું જ જોઈએ. તેમણે ગાડી ચલાવતા શીખી પણ લીધું, પરંતુ નોર્વેની વ્યવસ્થા એટલી સરળ નથી. ત્યાં લાયસન્સ મેળવવા માટે માત્ર ગાડી ચલાવતા આવડવું પૂરતું નથી, પરંતુ અનેક ફરજિયાત કોર્સ, થિયરી ટેસ્ટ, કડક સુરક્ષા તાલીમ અને બરફવાળા રસ્તાઓ તથા સુરંગોમાં લાંબો અભ્યાસ કરવો પડે છે.
ત્યાંની ડ્રાઇવિંગ સ્કૂલો કલાક દીઠ તાલીમના મોટી રકમ વસૂલે છે, જેના કારણે ખર્ચ ખૂબ વધી જાય છે. કઠિન તાલીમ લીધા પછી પણ વિનોદ જ્યારે ફાઇનલ ટેસ્ટમાં બેઠા ત્યારે તેઓ પહેલી વાર ફેઇલ થયા. પરંતુ હિંમત હાર્યા વિના તેમણે વધુ બે મહિના પરસેવો પાડ્યો અને ત્યારે જઈને બીજા પ્રયાસમાં તેમને સફળતા મળી. આ સમગ્ર પ્રક્રિયામાં તેમને બે વર્ષ જેટલો સમય લાગી ગયો.
વિનોદની આ આપવીતી હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. લોકો ભારત અને નોર્વેના નિયમોની સરખામણી કરી રહ્યા છે. ભારતમાં કોઈપણ ખાસ તાલીમ વગર સરળતાથી મળતા લાયસન્સ અને દેશમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને લઈને ઇન્ટરનેટ પર તીખી ચર્ચા શરૂ થઈ છે. નોર્વેની આ કડક વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર તમારી ડ્રાઇવિંગ કુશળતા ચકાસવાનો નથી, પરંતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તમે રસ્તા પર ચાલતા અન્ય લોકોના જીવન પ્રત્યે સંપૂર્ણપણે જવાબદાર છો કે નહીં.

