તમે પણ '100% પ્યોર' જોઈને ખરીદો છો સામાન? સાવધાન! FSSAI એ ખોલ્યો મોટી બ્રાન્ડ્સનો અસલી ખેલ!

શું તમે બજારમાંથી '100% શુદ્ધ', '100% નેચરલ' કે '100% અસલી' લખેલું વાંચીને કોઈ પ્રોડક્ટ ખરીદો છો? જો હા, તો સાવધાન થઈ જાવ! આવી લોભામણી જાહેરાતોથી ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી કંપનીઓ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ લાલ આંખ કરી છે. FSSAI ના કડક પગલાંને કારણે એમવે ઈન્ડિયા, ઈમામી અને બોન બિસ્કિટ્સ સહિત 6 મોટી ફૂડ કંપનીએ તેમના પેકેજિંગ અને જાહેરાતોમાંથી '100%' શબ્દ હટાવવાની ફરજ પડી છે.
સંપૂર્ણ શુદ્ધતા કે શ્રેષ્ઠતા અંગે ખોટી છાપ
હાલમાં જ FSSAI એ ફૂડ બિઝનેસ સાથે જોડાયેલી કંપનીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે તેઓ લેબલ, પેકેજિંગ કે પ્રમોશનલ મટિરિયલ પર "100%" શબ્દનો ઉપયોગ કરવાનું તાત્કાલિક બંધ કરે. નિયમનકારના મતે, આ શબ્દ ગ્રાહકોના મનમાં પ્રોડક્ટની સંપૂર્ણ શુદ્ધતા કે શ્રેષ્ઠતા અંગે ખોટી છાપ ઊભી કરે છે. ખાદ્ય સુરક્ષા અને ધોરણો (જાહેરાત અને દાવાઓ) નિયમો, 2018 મુજબ, ખોરાકના દાવા સાચા, સ્પષ્ટ, અર્થપૂર્ણ અને ભ્રામક ન હોવા જરૂરી છે.
કઈ કંપનીઓ સામે કાર્યવાહી થઈ?
FSSAI ના હસ્તક્ષેપ બાદ નીચે મુજબની 6 કંપનીઓએ ભૂલ સ્વીકારીને તેમના દાવા પાછા ખેંચ્યા છે.
Bonn Biscuits: કંપનીએ પોતાની વેબસાઈટ પરથી 'બોન ક્યૂમિન ફ્લેવર જીરા બાઇટ બિસ્કિટ' ની જાહેરાતમાંથી "100%" નો દાવો હટાવ્યો.
Emami અને Apis India: ઝંડુ હની (Emami) અને એપિસ હનીના વેચાણકર્તાઓએ નિયમનકારની ચેતવણી બાદ લેબલ પરથી "100% Honey" નો દાવો દૂર કરી દીધો છે.
Amway India: તેમના 'પર્સોના 100% શુદ્ધ નાળિયેર તેલ' ના પેકેજિંગ અને માર્કેટિંગમાંથી આ શબ્દ હટાવ્યો. કંપનીએ બજારમાંથી જૂનો સ્ટોક પાછો ખેંચી લીધો છે અને સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026 સુધીમાં તબક્કાવાર નવું પેકેજિંગ લાવવાની યોજના બનાવી છે.
Juza Foods (કેરળ): આ કંપની બાળકોના ખોરાક પર "100% Ragi", "100% Vegan" અને "100% ક્લીન ઇન્ગ્રેડિયન્ટ્સ" જેવા દાવા કરતી હતી. તેમણે નિયમોનું ઉલ્લંઘન સ્વીકાર્યું અને સમસ્યાઓ ઉકેલાય ત્યાં સુધી પોતાની વેબસાઈટ ઓફલાઈન કરી દીધી.
Masterchow Foods: આ કંપનીએ પોતાના રામેન નૂડલ્સ પરથી "100%" અને "100% કુદરતી" નું લેબલ હટાવ્યું. FSSAI ના મતે સંયુક્ત ખોરાકને 'કુદરતી' ગણાવી શકાય નહીં, કારણ કે તે 2018 ના નિયમોની વિરુદ્ધ છે.
આ ઉપરાંત, તાજેતરના અહેવાલો મુજબ ‘ડાબર’ જેવી અન્ય કંપનીઓને પણ મધ, એપલ વિનેગર અને નાળિયેર પાણી જેવી પ્રોડક્ટ્સ પર ભ્રામક દાવાઓ રોકવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. FSSAI નો આ નિર્ણય ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા માટે આવકારદાયક પગલું છે.

