તમે પણ આ બ્રાન્ડનું ઘી નથી ખાતા ને? સુરત અને ડીસામાં નકલી ઘી બનાવતી ફેક્ટરીઓ પર દરોડા

નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયાઓ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વધુ એક્શન મોડમાં આવ્યું છે. તંત્ર દ્વારા સુરત અને બનાસકાંઠાના ડીસા ખાતે દરોડા પાડીને મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘી તેમજ ભેળસેળ માટે વપરાતા તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
સુરતના કામરેજમાં ચાલતી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ
સુરત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કામરેજ તાલુકાના ધોરણ પારડી સ્થિત હિન્દવા ડ્રીમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી 'કેવલ ફૂડ પ્રોડક્ટ' નામની ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો. ફેક્ટરીનો માલિક કાયદેસરનું લાયસન્સ ધરાવતો ન હોવા છતાં, બહારથી તાળું મારી અંદર અસલીના નામે નકલી અને ભેળસેળયુક્ત ઘીનું ઉત્પાદન તથા પેકિંગ કરતો હોવાનું બહાર આવ્યું છે.
તંત્રની ટીમે સ્થળ પરથી 'શ્રી અનમોલ રતન કાઉ ઘી' ના વિવિધ પેકિંગમાં રહેલ રૂ. 26.12 લાખની કિંમતનો 5,157 લીટર ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. સાથોસાથ ભેળસેળ માટે રાખવામાં આવેલ રૂ. 3.63 લાખની કિંમતનું 1,485 કિગ્રા પામોલીન તેલ અને 285 કિગ્રા સોયાબીન તેલ પણ જપ્ત કરી તમામના નમૂના લેવામાં આવ્યા છે.
બનાસકાંઠાના ડીસામાં પણ શંકાસ્પદ ઘી જપ્ત
આ ઉપરાંત, પાલનપુર વર્તુળ ટીમે ડીસા ખાતે વિવિધ પેઢીઓમાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા કુલ 987 લીટર ઘી (અંદાજિત કિંમત રૂ. 6,22,200) નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
આ તમામ કિસ્સાઓમાં 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ-2006' હેઠળ કાયદેસરના સેમ્પલ લઈ લેબોરેટરી ચકાસણી અર્થે મોકલાયા છે અને જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે. તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા અસામાજિક તત્વો સામે ચાલી રહેલી આ ઝુંબેશને આગામી દિવસોમાં વધુ કડક બનાવવામાં આવશે.

