Independence Day 2025 / ફક્ત ભારત જ નહીં, આ 4 દેશો પણ 15મી ઓગસ્ટના થયા હતા સ્વતંત્ર

15 ઓગસ્ટ આ તારીખ ભારતીય ઈતિહાસના પાનાઓમાં નોંધાયેલી છે. 1947માં આ દિવસે ભારતે બ્રિટિશ શાસનની ગુલામીની બેડીઓ તોડીને સ્વતંત્રતા મેળવી હતી. પરંતુ શું તમે જાણો છો કે ભારત એકમાત્ર એવો દેશ નથી જે 15 ઓગસ્ટે સ્વતંત્ર થયો હતો. હા, ભારત સિવાય, કેટલાક અન્ય દેશો છે જેમને 15 ઓગસ્ટે સ્વતંત્રતા મળી હતી. ચાલો સ્વતંત્રતા દિવસની ઉજવણીના પ્રસંગે જાણીએ કે 15 ઓગસ્ટે અન્ય કયા દેશોને ગુલામીમાંથી મુક્તિ મળી હતી.
દક્ષિણ કોરિયા (15 ઓગસ્ટ, 1945)
ભારતની જેમ, દક્ષિણ કોરિયાને પણ 15 ઓગસ્ટે સ્વતંત્રતા મળી હતી, પરંતુ તે વર્ષ 1945 હતું. બીજા વિશ્વયુદ્ધના અંતે જાપાનની હાર બાદ કોરિયાને જાપાની શાસનમાંથી મુક્તિ મળી હતી. 1910થી 1945 સુધી કોરિયા જાપાનના શાસન હેઠળ હતું. 15 ઓગસ્ટ, 1945ના રોજ જાપાનના શરણાગતિ સાથે કોરિયા સ્વતંત્ર બન્યું. જોકે પાછળથી કોરિયા બે ભાગમાં વિભાજીત થયું, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા, આ દિવસ દક્ષિણ કોરિયામાં "ગ્વાંગબોકજેઓલ" તરીકે ઉજવવામાં આવે છે.
કોંગો (15 ઓગસ્ટ, 1960)
આફ્રિકન દેશ કોંગોએ 15 ઓગસ્ટ, 1960ના રોજ ફ્રાન્સથી સ્વતંત્રતા મેળવી હતી. આ દેશ મધ્ય આફ્રિકામાં સ્થિત છે અને 1880થી 1960 સુધી ફ્રાન્સના કોલોનિયલ શાસન હેઠળ રહ્યો હતો. સ્વતંત્રતા પછી, તેનું નામ કોંગો રિપબ્લિક રાખવામાં આવ્યું, જે આજે કોંગો-બ્રાઝાવિલ તરીકે પણ ઓળખાય છે. 15 ઓગસ્ટ અહીં "કોંગોલીઝ નેશનલ ડે" તરીકે ઉજવવામાં આવે છે.
લિકટેંસ્ટીન (15 ઓગસ્ટ, 1866)
યુરોપનો એક નાનો દેશ, લિકટેંસ્ટીન, પણ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર થયો હતો, પરંતુ 1866માં. આ દેશ જર્મન સંઘથી અલગ થયો અને સંપૂર્ણ સાર્વભૌમ રાષ્ટ્ર બન્યો. 15 ઓગસ્ટને અહીં "રાષ્ટ્રીય દિવસ" તરીકે ઉજવવામાં આવે છે, જેમાં જનતા રાજવી પરિવાર સાથે ઉજવણી કરે છે.
બહેરીન (15 ઓગસ્ટ, 1971)
બહેરીનને પણ 15 ઓગસ્ટે બ્રિટનથી સ્વતંત્રતા મળી હતી, પરંતુ ભારત પછી તેને 1971માં સ્વતંત્રતા મળી હતી. આ દિવસે બ્રિટન અને બહેરીન વચ્ચે એક કરાર થયો હતો, જેના પછી બહેરીનને આઝાદી મળી હતી.
15 ઓગસ્ટની તારીખ માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશો માટે સ્વતંત્રતા અને ગૌરવનું પ્રતીક છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતા કેટલી અમૂલ્ય છે અને તેને જાળવી રાખવી કેટલી મહત્ત્વપૂર્ણ છે. જ્યારે ભારત આ દિવસને ધ્વજારોહણ કરીનેને અને દેશભક્તિના ગીતો ગાઈને ઉજવે છે, ત્યારે અન્ય દેશો પણ આ ઐતિહાસિક દિવસને પોતાની રીતે યાદ કરે છે.

