મુખ્ય સામગ્રી પર જાઓ
ટ્રેન્ડિંગ

'હા... મેં 150 રૂપિયાની ઘડિયાળ ચોરી હતી', આરોપીએ 49 વર્ષ ગુનો કબુલતા કોર્ટે ફટકારી આ સજા

યુપીના ઝાંસી જિલ્લામાં લગભગ 49 વર્ષ પહેલાં એક સહકારી સોસાયટીમાં બનેલી ચોરીની ઘટનાના છેલ્લા બચી ગયેલા આરો

'હા... મેં 150 રૂપિયાની ઘડિયાળ ચોરી હતી', આરોપીએ 49 વર્ષ ગુનો કબુલતા કોર્ટે ફટકારી આ સજા

યુપીના ઝાંસી જિલ્લામાં લગભગ 49 વર્ષ પહેલાં એક સહકારી સોસાયટીમાં બનેલી ચોરીની ઘટનાના છેલ્લા બચી ગયેલા આરોપીએ આખરે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે કોર્ટને કહ્યું કે, હવે થાકી ગયો છું, મારો ગુનો સ્વીકારું છું. ત્યારબાદ કોર્ટે કેસ દાખલ થયા પછી આરોપીએ જેલમાં વિતાવેલા સમયગાળાને તેની સજામાં સમાયોજિત કરીને કેસનો નિકાલ કર્યો હતો. 

શું હતી ઘટના

વર્ષ 1976માં માર્ચ મહિનામાં નોંધાયેલા કેસમાં પડતી મુદતને કારણે 49 વર્ષથી ચુકાદો અનામત રહ્યો. આ કેસમાં અસંખ્ય સુનાવણી- મુદતને કારણે 49 વર્ષથી વધુ સમય લાગ્યો. આ દરમિયાન બે અન્ય સહ-આરોપીઓના મોત પણ થયા. આ લાંબી કાયદાકિય પ્રક્રિયામાં ઝાંસીના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કઠેડામાં ઉભા રહેલા આરોપી કન્હૈયા લાલે પોતાની વૃદ્ધાવસ્થા અને ખરાબ સ્વાસ્થ્યનો મુદ્દો રજૂ કરી દાયકાઓ જૂના કેસમાં પોતાની સંડોવણીને સ્વીકારી લીધી. આરોપીએ ગુનો કબૂલ કરતાં કહ્યું કે, હું મુદતો ઉપર હાજરી આપીને થાકી ગયો. મારામાં કેસ લડવાની તાકાત નથી. મેં મારી બીમારીને કારણે દયાની અરજી પણ કરી છે.

પહોંચ બુક અને ઘડિયાળ ચોરાઈ હતી

પ્રોસિક્યુશન ઓફિસર અખિલેશ કુમાર મૌર્યએ મંગળવારે જણાવ્યું હતું કે,  ૩૧ માર્ચ ૧૯૭૬ના રોજ, તહરૌલી સ્થિત લાર્જ કોઓપરેટિવ સોસાયટી (LSS) ના તત્કાલીન સચિવ બિહારી લાલ ગૌતમે કેસ દાખલ કર્યો હતો. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, ૨૭ માર્ચ ૧૯૭૬ના રોજ, ઓફિસમાં ચોથા વર્ગના કર્મચારી તરીકે તૈનાત કન્હૈયા લાલે ઓફિસમાંથી ૧૫૦ રૂપિયાની ઘડિયાળ અને સરકારી રસીદ બુકની ચોરી કરી હતી. કન્હૈયાલાલે પહોંચ બુકમાં બનાવટી સહીઓ કરીને ૧૪ હજાર રૂપિયાથી વધુની ઉચાપત કરી હતી. આ કેસમાં લક્ષ્મી પ્રસાદ અને રઘુનાથ નામના અન્ય બે વ્યક્તિઓ ઉપર પણ નકલી પહોંચબુક જારી કરવાનો અને ઉચાપત કરવાનો આરોપ હતો.

કોર્ટ કાર્યવાહી દરમિયાન ૨ આરોપીઓનું મૃત્યુ થયું

મૌર્યએ કહ્યું કે, ત્રણેયની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેમને જામીન મળી ગયા. આ પછી આ કેસની કોર્ટ પ્રક્રિયા લગભગ ૫ દાયકા સુધી ચાલી. આ દરમિયાન આરોપી લક્ષ્મી પ્રસાદ અને રઘુનાથનું મૃત્યુ થયું. આખરે 46 વર્ષ પછી 23 ડિસેમ્બર, 2022 ના રોજ, મુખ્ય આરોપી કન્હૈયાલાલ સામે આરોપો ઘડવામાં આવ્યા હતા.

કોર્ટે કેટલો દંડ ફટકાર્યો?

ગયા શનિવારે નિયમિત સુનાવણી દરમિયાન 68 વર્ષીય કન્હૈયા લાલ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ મુન્નાલાલ સમક્ષ હાજર થઈને સ્વેચ્છાએ પોતાનો ગુનો કબૂલ કર્યો. કન્હૈયા લાલે કોર્ટને જણાવ્યું કે, પોતાની બગડતી તબિયત અને વૃદ્ધાવસ્થાને કારણે પોતાનો ગુનો કબૂલ કરવા માંગે છે. કોર્ટે કન્હૈયા લાલની કબૂલાત સ્વીકારીને તત્કાલીન ભારતીય દંડ સંહિતાની કલમ 380 (ચોરી), 409 (જાહેર સેવક દ્વારા ગુનાહિત વિશ્વાસ ભંગ), 467, 468 (બનાવટી), 457 (ઘરમાં ઘરફોડ ચોરી) અને 120B (ગુનાહિત કાવતરું) હેઠળ દોષિત ઠેરવ્યો અને ટ્રાયલ સમયગાળા દરમિયાન જેલમાં વિતાવેલા 6 મહિનાના સમયગાળાને સજા તરીકે ગણાવી લીધો. કોર્ટે કન્હૈયા લાલને બે હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડ ના ભરી શકે તો 3 દિવસની વધારાની જેલની સજા ભોગવવી પડશે. 
 

આ સમાચાર શેર કરો