IND vs AUS / ભારતને હરાવવા નિવૃત્તિ પાછી લેશે આ દિગ્ગજ? ખેલાડીના નિવેદનથી શરૂ થઈ ચર્ચા
પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ઘણીવાર એવું જોવા મળે છે કે ખેલાડીઓ નિવૃત્તિ લઈને પરત ફરે છે,

પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ઘણીવાર એવું જોવા મળે છે કે ખેલાડીઓ નિવૃત્તિ લઈને પરત ફરે છે, પરંતુ આવું ભાગ્યે જ કોઈ અન્ય ટીમમાં જોવા મળે છે. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર ડેવિડ વોર્નરે ખુલાસો કર્યો છે કે જો ટીમ તેને ભારત સામેની આગામી સિરીઝ માટે ઓપનિંગ કરવા માટે બોલાવે તો તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચવા માટે તૈયાર છે. 37 વર્ષીય વોર્નરે કહ્યું કે તે પોતાની તૈયારી સાબિત કરવા માટે ન્યૂ સાઉથ વેલ્સની આગામી શેફિલ્ડ શિલ્ડ મેચમાં રમવા માટે પણ તૈયાર છે.
ડેવિડ વોર્નર કમબેક કરવા તૈયાર છે?
ડેવિડ વોર્નરે કહ્યું કે તે હંમેશા ટીમ માટે ઉપલબ્ધ છે. તેણે કહ્યું કે ફેબ્રુઆરીમાં તેની છેલ્લી ટેસ્ટ બાદ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ માત્ર એક જ ટેસ્ટ મેચ રમી છે, તેથી તેની તૈયારી અન્ય ખેલાડીઓ જેવી જ છે. વોર્નરે કહ્યું કે તેણે યોગ્ય કારણોસર નિવૃત્તિ લીધી છે, પરંતુ જો ઓસ્ટ્રેલિયન ટીમને તેની જરૂર હોય તો તે પાછો આવવા તૈયાર છે.
વોર્નર હજુ પણ ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં રમી રહ્યો છે
આ પહેલા પણ ડેવિડ વોર્નરે નિવૃત્તિ પાછી ખેંચવાની વાત કરી છે. થોડા મહિના પહેલા પણ તેણે આવતા વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, થોડા દિવસો પછી, ઓસ્ટ્રેલિયાના ચીફ સિલેક્ટર જ્યોર્જ બેઇલીએ વોર્નરની આશાઓ પર પાણી ફેરવી દીધું. તેણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ડેવિડ વોર્નરના નામ પર વિચાર કરવામાં આવશે નહીં.
ડેવિડ વોર્નરે ભલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હોય, પરંતુ તે હજુ પણ વિશ્વભરની લીગમાં ધૂમ મચાવી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં વોર્નર મેક્સ60 કેરેબિયન 2024 લીગમાં રમતા જોવા મળ્યો હતો. અગાઉ, તે ગ્લોબલ T20 કેનેડા લીગનો પણ ભાગ રહી ચૂક્યો છે. તે IPL 2025માં પણ રમતા જોવા મળી શકે છે.






