T20 World Cup 2026માંથી બહાર થયા બાદ પણ વેસ્ટ ઈન્ડિઝને મળશે ઈનામ, ICC કરશે પૈસાનો વરસાદ

વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ સેમીફાઈનલમાં પહોંચવાનું તેનું સ્વપ્ન અધૂરું રહી ગયું. કેરેબિયન ટીમે ટુર્નામેન્ટમાં પોતાની તાકાત દર્શાવી હતી, ખાસ કરીને બેટથી મોટા સ્કોર કરીને અને કેટલીક મેચોમાં દબદબો જાળવી રાખીને, પરંતુ છેલ્લી સુપર-8 મેચમાં ભારત સામેની હારથી તેની સફર ખતમ થઈ ગઈ.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ ગ્રુપ સ્ટેજમાં ટોપ પર રહી રહી. તેણે સતત ચાર મેચ જીતીને સુપર-8માં સ્થાન મેળવ્યું હતું. જોકે, સુપર-8 રાઉન્ડમાં તે ફક્ત એક જ મેચ જીતી અને બે મેચ હારી ગઈ, જેના પરિણામે તે ગ્રુપ-1ના પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને રહી.
જોકે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભલે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ તેને ICC તરફથી પ્રાઈઝ મની જરૂર મળશે. ICCની પ્રાઈઝ મની પોલિસી હેઠળ, ટુર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ ટીમોને અલગથી ઈનામો આપવામાં આવે છે.
સુપર-8માંથી બહાર થઈ ગયેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 5માથી 8મા સ્થાનો વચ્ચે આવે છે, તેથી તેને ICC તરફથી 3.8 લાખ યુએસ ડોલર (આશરે 3.5 કરોડ રૂપિયા) મળશે. વધુમાં, તેને ગ્રુપ સ્ટેજ અને સુપર-8 રાઉન્ડમાં જીતેલી મેચ માટે અલગ અલગ ઈનામ મળશે.
ICC ગ્રુપ સ્ટેજ અને સુપર-8 રાઉન્ડમાં જીતેલી દરેક મેચ માટે લગભગ 31,154 યુએસ ડોલર (આશરે 28 લાખ રૂપિયા) ઈનામ આપવામાં આવે છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ બે રાઉન્ડમાં કુલ 5 મેચ જીતી છે, તેથી તેને આશરે 1 કરોડ 42 લાખ રૂપિયા મળશે.

