Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Washington Sundar's father's reaction on his maiden test century

'માત્ર મારા દીકરાને...', વોશિંગ્ટન સુંદરે સદી ફટકારતા સામે આવી તેના પિતાની પ્રતિક્રિયા; ટીમ ઈન્ડિયા પાસેથી કરી આ માંગ

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2025
લાઇવ ટીવીGoogle News
'માત્ર મારા દીકરાને...', વોશિંગ્ટન સુંદરે સદી ફટકારતા સામે આવી તેના પિતાની પ્રતિક્રિયા; ટીમ ઈન્ડિયા પાસેથી કરી આ માંગ
સોર્સ : Google

ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ માટે વ્યક્તિગત પ્રદર્શનની દૃષ્ટિએ ઈંગ્લેન્ડનો પ્રવાસ ઉત્તમ રહ્યો છે. કેપ્ટન શુભમન ગિલ તેમાં ટોચ પર છે. તેના સિવાય, કેએલ રાહુલ, રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ પણ ઉતમ પ્રદર્શન કર્યું છે અને બધાને પ્રભાવિત કર્યા છે. પરંતુ જે ખેલાડીની ઓછી ચર્ચા થઈ તે યુવા ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર છે, જેણે માન્ચેસ્ટર ટેસ્ટમાં યાદગાર સદી ફટકારીને મેચ ડ્રો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમ છતાં, વોશિંગ્ટનના પિતા એક વાતથી નારાજ છે અને ટીમ ઈન્ડિયા પાસેથી તેમાં ફેરફારની માંગ કરી છે.

App Store

25 વર્ષીય સ્પિન-ઓલરાઉન્ડર સુંદરે માન્ચેસ્ટર ટેસ્ટના છેલ્લા દિવસે ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી હતી. સુંદરે રવિન્દ્ર જાડેજા સાથે 203 રનની અણનમ પાર્ટનરશિપ કરીને ટીમ ઈન્ડિયાને હારથી બચાવી. વોશિંગ્ટને મેચનો છેલ્લો શોટ માર્યો, જેના આધારે તેણે તેની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી. આ સદીના કારણે, ટીમ ઈન્ડિયામાં વોશિંગ્ટનનું સ્થાન નિશ્ચિત થઈ ગયું હોય તેવું લાગે છે.

'મારા દીકરાને તકો મળતી નથી'

આ લેફટી બેટ્સમેનએ 2021માં ગાબા ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતું અને જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. પરંતુ ત્યારથી, વિવિધ કારણોસર, વોશિંગ્ટન ટીમમાં નિયમિત સ્થાન નથી મેળવી શક્યો અને તેના પિતા એમ સુંદર આનાથી નારાજ રહે છે. વોશિંગ્ટનની સદી પછી એક ઇન્ટરવ્યુમાં, એમ સુંદરે કહ્યું, "વોશિંગ્ટન સતત સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ લોકો તેને ભૂલી જાય છે. અન્ય ખેલાડીઓને સતત તકો મળે છે પરંતુ માત્ર મારા દીકરાને જ તકો નથી મળતી."

વોશિંગ્ટનના પિતાની ટીમ ઈન્ડિયા પાસેથી માંગ

આટલું જ નહીં, વોશિંગ્ટનના પિતાએ ટીમ ઈન્ડિયા પાસેથી માંગ પણ કરી હતી. તે માને છે કે વોશિંગ્ટનને સતત નંબર 5 પર બેટિંગ કરવાનો મોકો મળવો જોઈએ. બીજી ઈનિંગમાં, તેને નંબર 5 પર પ્રમોશન આપવામાં આવ્યું અને તેણે સદી ફટકારી. તેમણે કહ્યું, "વોશિંગ્ટનને સતત નંબર 5 પર બેટિંગ કરવાનો મોકો મળવો જોઈએ, જેમ તેણે બીજી ઈનિંગમાં કર્યું હતું, અને તેને સતત 5-10 તકો મળવી જોઈએ."

વોશિંગ્ટનને પહેલી ટેસ્ટ મેચમાં તક નહતી મળી અને તેના પિતા પણ આનાથી નારાજ હતા. આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કરતા, તેમણે પસંદગીકારોને તેમના પુત્રના પ્રદર્શન પર નજર રાખવાની સલાહ આપી. વોશિંગ્ટનને બીજી ટેસ્ટ મેચથી ટીમમાં તક મળી અને ત્યારથી તે બંને મોરચે પ્રભાવિત કરી રહ્યો છે. ચોથી ટેસ્ટ સુધીમાં, વોશિંગ્ટને 6 ઈનિંગ્સમાં 205 રન બનાવ્યા હતા અને 5 ઈનિંગ્સમાં 7 વિકેટ લીધી હતી.