IND vs ENG / માન્ચેસ્ટર ટેસ્ટ ડ્રો થયા બાદ પણ ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, તોડ્યો ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ રેકોર્ડ

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ રોમાંચક ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 669 રનનો વિશાળ સ્કોર બનાવીને મેચ પર પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય બેટ્સમેનોની જોરદાર વાપસીથી મેચ ડ્રો થઈ. ખાસ કરીને ભારતે બીજી ઈનિંગમાં જે રીતે લડાયક બેટિંગ કરી તેનાથી મેચ તો બચી જ ગઈ, સાથે જ એક વર્લ્ડ રેકોર્ડ પણ બન્યો.
ભારતીય બેટ્સમેનોએ કમાલ કરી
પહેલી ઈનિંગમાં 358 રનમાં ઓલઆઉટ થયા બાદ, એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા આ ટેસ્ટમાં મુશ્કેલીમાં મુકાઈ શકે છે. પરંતુ બીજી ઈનિંગમાં, બેટ્સમેનોએ જબરદસ્ત ધીરજ અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું. કેપ્ટન શુભમન ગિલે 103 રનની શાનદાર કેપ્ટનશિપ ઈનિંગ રમી, જ્યારે રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે અણનમ સદી ફટકારી અને ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું. આ બંને વચ્ચેની 203 રનની પાર્ટનરશિપે ભારતને હારથી તો બચાવ્યું જ, પરંતુ મેચને ઐતિહાસિક ડ્રોમાં પણ ફેરવી દીધી. ભારતે બીજી ઈનિંગમાં માત્ર 4 વિકેટ ગુમાવીને 425 રન બનાવ્યા અને મેચના પરિણામની બધી શક્યતાઓનો અંત લાવી દીધો.
ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તૂટી ગયો
ભારતે પોતાના નામે એક ખાસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. ટીમ ઈન્ડિયા હવે એક જ ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ વખત 350 કે તેથી વધુ રન બનાવનારી ટીમ બની ગઈ છે. આ સાથે જઓસ્ટ્રેલિયાનો ખૂબ જૂનો વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો.
ભારતે ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝમાં 7 વખત 350થી વધુ રન બનાવ્યા હતા. આ સિદ્ધિ અગાઉ ફક્ત ઓસ્ટ્રેલિયાના નામે જ નોંધાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 1920-21માં ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણેની સિરીઝમાં પહેલીવાર આ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ 1948 અને 1989માં ઈંગ્લેન્ડની ધરતી પર આ આંકડો પુનરાવર્તિત થયો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાએ આ બંને સિરીઝમાં 6 વખત 350થી વધુ રન બનાવ્યા હતા. પરંતુ હવે ભારતે આ રેકોર્ડને પાછળ છોડીને એક નવો ઈતિહાસ રચ્યો છે.
ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝમાં ભારતનું પ્રદર્શન
- લીડ્સ ટેસ્ટ: પહેલી ઈનિંગ - 471 રન, બીજી ઈનિંગ - 364 રન
- એજબેસ્ટન ટેસ્ટ: પહેલી ઈનિંગ - 587 રન, બીજી ઈનિંગ - 427/6 (ઘોષિત)
- ત્રીજી ટેસ્ટ: પહેલી ઈનિંગ - 387 રન, બીજી ઈનિંગ - 170 રન
- ચોથી ટેસ્ટ: પહેલી ઈનિંગ - 358 રન, બીજી ઈનિંગ - 425/4 રન
1884 પછી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે રમાયેલી 86 ટેસ્ટ મેચોમાં, આ પહેલીવાર છે જ્યારે કોઈ ટીમે બંને ઈનિંગમાં 350થી વધુ રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં, ટીમ ઈન્ડિયા પહેલા કોઈ ટીમ આવું નથી કરી શકી.

