IND vs ENG / પાંચમી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો રિષભ પંત, આ ખેલાડીને મળી ટીમમાં જગ્યા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન રમાઈ હતી. આ મેચના પહેલા દિવસે રિષભ પંત બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે, બીજા દિવસે તે બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. તેણે અડધી સદી પણ ફટકારી હતી. પરંતુ હવે ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. પંત ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી સિરીઝમાંથી બહાર છે. તેની જગ્યાએ, ટીમ ઈન્ડિયામાં એક નવા ખેલાડીને તક મળી છે.
પંત બહાર થઈ ગયો
ચોથી ટેસ્ટ મેચમાં ભારતની પહેલી ઈનિંગ દરમિયાન, પંત ક્રિસ વોક્સના બોલ પર રિવર્સ સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તે આમાં નિષ્ફળ જાય છે અને બોલ તેના પગમાં વાગે છે. આ દરમિયાન, પંતનો પગમાં સોજો આવી ગયો હતો. બાદમાં તેને મેડિકલ ટીમ દ્વારા મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. આ પછી તે સ્કેન માટે હોસ્પિટલ ગયો. જોકે, મેચના બીજા દિવસે, તે બેટિંગ કરવા માટે ઉતર્યો અને અડધી સદી પણ ફટકારી. જોકે, પંત બીજી ઈનિંગમાં બેટિંગ કરવા નહતો ઉતર્યો. હવે ચોથી ટેસ્ટ મેચ બાદ, પંત પાંચમી મેચમાંથી બહાર થઈ ગયો છે.
આ ખેલાડીને તક મળી
પહેલીવાર, તમિલનાડુના વિકેટકીપર બેટ્સમેન નારાયણ જગદીસનને પંતની જગ્યાએ તક મળી છે. તેને પંતની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં તક મળી છે. જગદીસને તાજેતરમાં તમિલનાડુ પ્રીમિયર લીગમાં ભાગ લીધો હતો. તેણે પોતાની છેલ્લી મેચમાં 81 રનની શાનદાર ઈનિંગ રમી હતી.
જગદીસનની કારકિર્દી
જગદીસને હજુ સુધી ભારત માટે કોઈપણ ફોર્મેટમાં ડેબ્યુ નથી કર્યું. જોકે, તેણે ફર્સ્ટ ક્લાસ મેચમાં શાનદાર બેટિંગ કરી છે. તેણે અત્યાર સુધીમાં 52 ફર્સ્ટ ક્લાસ મેચમાં 47.50ની એવરેજથી 3373 રન બનાવ્યા છે. 10 સદી ઉપરાંત, તેણે 14 અડધી સદી પણ પોતાના નામે કરી છે. આ ઉપરાંત, તેણે 64 લિસ્ટ A મેચમાં 46.23ની એવરેજથી 2728 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, 9 સદી ઉપરાંત, તેણે 9 અડધી સદી પણ ફટકારી છે. 66 T-20 મેચોમાં, તેણે 31.38ની એવરેજથી 1475 રન બનાવ્યા છે. તેણે 10 અડધી સદી પણ ફટકારી છે.

